Entertainment

શું અજય અને અક્ષયકુમારનો સ્ટારપાવર ખતમ થઇ રહ્યો છે?!

‘એ’ ગ્રેડના હીરો ગણાતા અક્ષયકુમાર અને અજય દેવગનની મોટી ફિલ્મો આવ્યા પછી પણ બોલિવૂડની દિવાળી આ વર્ષે સારી રહી નથી. અલબત્ત થિયેટર માલિકોને કન્નડ ‘કાંતારા’ એ રાહત આપી એ માટે એનો આભાર માનવો જોઇએ. બોલિવૂડમાં અત્યારે અંધાધુંધી ચાલી રહી હોય એવો માહોલ છે. દિવાળી પર નિર્માતાઓએ બે મોટી ફિલ્મોની ટક્કર કરવાનું નક્કી કર્યું હતું ત્યારે મુંબઇના મરાઠા મંદિર સિનેમાના માલિક મનોજ દેસાઇએ એક યુ-ટ્યુબ ચેનલ પર બૂમો પાડીને બંને ‘એ’ અભિનેતાઓને વિનંતી કરી હતી કે રજૂઆતને હવે બે દિવસ જ બાકી છે તો તમારી ફિલ્મોનું એડવાન્સ બુકિંગ તો શરૂ કરો. હોલિવૂડની એક ફિલ્મનું ૨૩ દિવસ પહેલાં બુકિંગ શરૂ થઇ ગયું છે.

અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહેલા બોલિવૂડમાં ફિલ્મોની રજૂઆત બાબતે કોઇ નક્કર આયોજન જોવા મળી રહ્યું નથી. પ્રભાસની ‘આદિપુરુષ’ ની 12 જાન્યુઆરીની રજૂઆત વિજયની તમિલ ફિલ્મ ‘વારિસુ’ ને કારણે અચાનક પાછી ઠેલી દેવામાં આવી હોવાની વાત છે. બોલિવૂડે ‘કાંતારા’ ના લેખક, નિર્દેશક અને અભિનેતા રિષભ શેટ્ટી પાસેથી ઘણું શીખવા જેવું છે. ફિલ્મ રૂ.૩૦૦ કરોડની કમાણી કરી ચૂકી છે ત્યારે એમણે ‘કાંતારા’ ની હિન્દીમાં રીમેક બનાવવાનો ઇન્કાર કરી દીધો છે. ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ થી વધુ નફો મેળવી ચૂકી છે.

અસલમાં ‘કાંતારા’ ને હિન્દીમાં ડબ કરીને OTT પર રજૂ કરવાનું આયોજન હતું. પરંતુ કન્નડ ફિલ્મને જબરજસ્ત પ્રતિભાવ અને પ્રશંસા મળ્યા પછી હિન્દીમાં ડબ કરીને તાબડતોબ રજૂ કરી દીધી. અત્યારે દરેક ફિલ્મને ‘પેન ઇન્ડિયા’ હેઠળ 5 ભાષામાં રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલુ છે. અને એ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર કન્નડમાં બનેલી ‘કાંતારા’ ને તેની લોકપ્રિયતા પછી અલગ- અલગ ભાષાઓમાં ડબ કરીને રજૂ કરવામાં આવી રહી છે. મતલબ કે જે ફિલ્મમાં દમ હશે એ ચાલવાની જ છે. હિન્દીમાં ડબ હોવા છતાં ‘કાંતારા’ ની આવક અજય દેવગનની 6 દિવસના લાંબા વીકએન્ડ સાથે રજૂ થયેલી ‘થેન્ક ગોડ’ ની કમાણી રૂ.30 કરોડથી વધુ રહી છે.

જો દસ વર્ષ પહેલાંની અજયની જ ‘સન ઓફ સરદાર’ ના બોક્સ ઓફિસ પરના આંકડા યાદ કરીએ તો બે દિવસમાં રૂ.40 કરોડની કમાણી કરી હતી. અક્ષયકુમારની ‘રામસેતુ’ની રૂ.57 કરોડની આવક ઠીક ગણવામાં આવી છે. પરંતુ જો અક્ષયકુમારની 2012 ની ‘રાઉડી રાઠોડ’ સાથે સરખામણી થાય તો એને ત્રણ દિવસમાં રૂ.50 કરોડ મળ્યા હતા. સમય જતાં ટિકિટોના ભાવ સતત વધતા રહ્યા છે અને આ અભિનેતાઓની ફી પણ વધતી રહી છે. ‘રામ સેતુ’ પર રૂ.150 કરોડનો ખર્ચ થયો છે એમાં રૂ.50 કરોડ તો અક્કીની ફીના કહેવાય છે.

જો ફિલ્મ ભૂલેચૂકે નફો કરશે તો એમાં પણ અક્ષયકુમારને ભાગ મળશે. અજય અને અક્ષયકુમારની ફિલ્મોની આવક 10 વર્ષ પછી વધી નથી ઘટી છે. એટલું જ નહીં એમનો સ્ટારપાવર પણ ખતમ થઇ રહ્યો છે. ‘રામસેતુ’ અને ‘થેન્ક ગૉડ’ રજૂ થવાની હોવાથી ‘કાંતારા’ ના શો 1300ને બદલે 600 કરી દેવામાં આવ્યા હતા. છતાં એ થિયેટરોમાં ભીડ એટલી રહી કે આવક પર કોઇ અસર થઇ નહીં! બીજી તરફ 4 દિવસ પછી બંને ‘એ’ ગ્રેડના હીરોની ફિલ્મોના શો ઘટાડીને ‘કાંતરા’ ના વધારવાની ફરજ પડી હતી. એ વાત સાબિત થઇ ગઇ કે ફિલ્મમાં સ્ટાર ના હોય, ભાષા બીજી હોય, મોટા સેટ, આઇટમ ગીત વગેરે કંઇ ના હોય પણ જો વિષય વસ્તુ મજબૂત હોય તો દર્શકો થિયેટર સુધી આવે જ છે.

બોલિવૂડ રીમેકના ભરોસે ચાલી રહ્યું છે ત્યારે રિષભ શેટ્ટીએ અસલ વાર્તા લખીને દર્શકોને થિયેટર સુધી આવવા મજબૂર કર્યા છે. અક્ષયકુમારની ‘રામસેતુ’ જોઇને કોઇપણ કહેશે કે તેણે વર્ષમાં 4- 5ફિલ્મો કરવાને બદલે એક જ એવી કરવી જોઇએ કે આખું વર્ષ લોકો એને યાદ કરે. ‘રામ સેતુ’ માં પૌરાણિક વાર્તાને આધુનિક વિચાર સાથે બનાવવામાં આવી છે પણ નિર્દેશક અભિષેક શર્મા એ વાતનો ખ્યાલ રાખી શકયા નથી કે શરૂઅતમાં જ એના અંતની ખબર પડી જાય છે. મુદ્દાને જબરજસ્તી તથ્યોથી સાબિત કરવામાં આવ્યો છે.

દક્ષિણની રીમેક કરતા અક્ષયકુમારે આ વખતે હોલિવૂડની ‘ધ વિંચી કોડ’ અને ‘નેશનલ ટ્રેઝર’ નો સહારો લીધો છે. જયારે નિર્દેશક ઇન્દ્રકુમાર ‘થેન્ક ગૉડ’ માં એક અલગ પ્રકારની વાર્તાવાળી ફિલ્મ બનાવવામાં થોડા સફળ થયા હોવા છતાં કોમેડી દ્રશ્યો આપવામાં દર્શકોની પસંદ પર ખરા ઉતરી શકયા નથી. અજય દેવગન પોતાની ભૂમિકા ભજવી જાય છે પણ સિધ્ધાર્થનું પાત્ર ઘણી વખત બાલિશ લાગે છે. રકુલની પોલીસ અધિકારીની ભૂમિકામાં જ દમ નથી. વાર્તામાં એના પાત્રની જરૂર જ દેખાતી નથી. ફિલ્મની શરૂઆતમાં લખવાની જરૂર હતી કે જોતી વખતે લોજિક શોધવાની ભૂલ કરવી નહીં. તેમણે મનોરંજન પુરું પાડવાનો પ્રયાસ કર્યો છે. 

Most Popular

To Top