SURAT

સ્પાઇસ જેટ એરલાઈન્સે સુરતથી બાકી રહેલી ગોવા, જયપુરની ફ્લાઈટનું બુકિંગ 17મીથી બંધ કર્યું

સુરત: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરતના પ્રયાસોને પગલે એક સમયે સુરતથી 5થી 7 ડેસ્ટિનેશનની ફ્લાઈટ શરૂ કરનાર સ્પાઇસજેટ એરલાઈન્સે સુરત એરપોર્ટથી બાકી બચેલી ગોવા અને જયપુરની બંને ફ્લાઈટનું બુકિંગ અચાનક 17 નવેમ્બરથી બંધ કરતાં એરલાઈન્સ સુરતથી હાલ પૂરતું ઓપરેશન બંધ કરી રહી હોવાની ચર્ચા લોકલ એવીએશન ગ્રુપમાં ઉપડી છે. સુરતીઓની ચિંતા છે કે, બંને ફ્લાઈટ 17 નવેમ્બરથી બંધ થશે તો સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટનું ઓપરેશન બંધ થતાં ફરી પરત થવું મુશ્કેલ બનશે.

જયપુર અને ગોઆ જે ફ્લાઇટ ચલાવી રહી છે તે પણ 17 નવેમ્બરથી બંધ કરે તેવી સંભાવના
કારણ કે, ગ્રાઉન્ડ સ્ટાફ, ઓફિસ સ્ટાફ, ટિકિટ બુકિંગ ઓફિસ સહિત બધી સુવિધાઓ ફ્લાઇટ વિના રાખવી શક્ય રહેશે નહીં. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે, ગ્રુપને મળેલી માહિતી મુજબ સ્પાઇસ જેટ સુરતથી જયપુર અને ગોઆ જે ફ્લાઇટ ચલાવી રહી છે તે પણ 17 નવેમ્બરથી બંધ કરે તેવી સંભાવના છે. તેમણે બુકિંગ પણ બંધ કર્યા સાથે રોટેશન પણ બંધ કરી દીધાં છે.

એરલાઇન્સ આડેધડ ભાડાં વસૂલી રહી છે
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યોએ આ માટે સ્પાઈસ જેટના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીતનો પ્રારંભ કર્યો છે અને સુરતથી તેમની ફ્લાઇટ્સ બંધ નહીં કરે અને નવાં સેક્ટરો ચાલુ કરે એ માટે રજૂઆત કરી છે. જો સ્પાઇસ જેટ સુરતથી ઉચાળા ભરશે તો એર ઇન્ડિયા, ઈન્ડિગો, સ્ટાર એર અને વેન્ચુરા એરકનેક્ટ જેવી એરલાઈન્સની સેવાઓ જ બચશે. બીજી તરફ સુરતથી ફ્લાઇટ સંખ્યામાં ઘટાડો થવાથી હરીફાઈ નહીં હોવાને કારણે એરલાઇન્સ આડેધડ ભાડાં વસૂલી રહી છે. દિલ્હી-સુરતની ફ્લાઈટનો ભાવ 14,000 ચાલી રહ્યો છે.

Most Popular

To Top