ભારતના અધ્યાત્મ-નક્ષત્રનું તેજોમય વ્યક્તિત્વ ગુરુ ગોરખનાથે આજથી લગભગ ૯૫૦ વર્ષ પહેલાં ગાયું હતું – ‘મરો વૈ જોગી મરો, મરણ હે મીઠા; તિસ મરણ મરો જિસ મરણી ગોરખ મરી દીઠા.’ કુરુક્ષેત્રની ભૂમિ પર કર્તવ્યથી હારીને વિષાદમાં ગાંડીવ મૂકી દેનારા અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે, ‘હે અર્જુન, જેમના પ્રાણ ગયા છે તેમના માટે કે જેમના પ્રાણ ગયા નથી (તે શરીર માટે) જ્ઞાનીજન શોક કરતા નથી.’ (ગીતા ૨.૧૧) યોગેશ્વર કહે છે, ‘અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.’ (૨.૧૭) ‘આત્મા નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી.’ (૨.૨૦) ‘જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો (પુનઃ) જન્મ પણ નિશ્ચિત છે.’ (૨.૨૭)
આમ છતાં મોહવશ વૃદ્ધ શરીર જૂનાં વસ્ત્રો છોડવા રાજી હોતું નથી. પ્રગટ સંસારને હોશે-હોશે અને સમજદારીથી ત્યજી દેવામાં માણસ સહજ બની શકતો નથી. તેથી જ કબીર સાહેબ દોહરાવે છે, ‘ભલા હુઆ મેરી મટકી ફૂટી રે, મેં પનિયા ભરન સે છૂટી રે.’ પ્રત્યેક ઉચ્છ્વાસે એક પળ નજીક આવતા મૃત્યુ વિષે ઋષિ જાબાલ શિષ્યોને કહે છે, ‘મનુષ્ય અવતાર પુણ્યનું પ્રાગટ્ય છે તો દેહનો વિલય ઉત્સવ છે.’ જાબાલ ઉપનિષદનું દર્શન કહે છે કે અહંકાર, આસક્તિ અને મોહના ત્યાગથી વ્યક્તિ મૃત્યુના ભયથી ઉપર ચડીને અભયને પામે છે. (૧.૭)
જીવનને સમગ્રતાથી સમજતા ભારતીય મનોદર્શનમાં શિરોમણિ ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે, ‘અવિદ્યયા મૃત્યું તીર્ત્વા, વિદ્યયા અમૃતમશ્નુતે.’ અર્થાત્ અવિદ્યા (ભૌતિક જીવન) દ્વારા મૃત્યુ સુધી પહોંચી શકાય છે, પરંતુ વિદ્યા (જ્ઞાન)ની સાધના અમૃતપ્રાપ્તિનું કારણ બને છે. વધુ પૈસાથી જ અમીરી વધે છે તે સમીકરણને ૮૦-૮૫ વર્ષની ઉંમરે જોયા પછી લેખક કહે છે, ‘દોઢ-બે મીટર જમીનમાં ખાલી હાથે દટાઈ જનાર કે બળી જનાર માટે સમૃદ્ધ સ્મરણોનો ખજાનો જ સાચી અમીરી છે.’
બિલ જણાવે છે કે વ્યક્તિની ઉંમર ૫૦ને આંબી જાય તે પછીનો સમય આનંદની ક્ષમતા વધારવા માટે છે. જોકે શહેરી મનોભાવ ‘આજે કમાણી, કાલે જીવન’ તરફી રહ્યો છે. તેને પડકારતા લેખક ૨,૭૦૦ વૃદ્ધોના અંતિમ અનુભવોના આધારે ‘મહાન પશ્ચાતાપ’ પ્રકરણમાં નોંધે છે કે, ‘પોતાની મહેનત અને બુદ્ધિમત્તાની સ્વકમાણીનો મોટો હિસ્સો પૃથ્વી પર છોડી દેવાનું દુઃખ વડીલો માટે અસહ્ય બની રહે છે.’
૬૦થી ૭૫ વર્ષની વયજૂથના આધુનિક બૌદ્ધિક વયસ્કો સાચી દિશામાં પ્રયાણનો સંતોષ લઈ રહ્યા છે. નાનો પરિવાર, શિક્ષિત પરિવાર તથા આર્થિક રીતે સ્વાવલંબી પરિવાર વૃદ્ધાવસ્થામાં રાહતરૂપ બને છે. ૫૦ વર્ષ પહેલાં કરેલું કર્તવ્ય વૃદ્ધોને આનંદફળ આપે છે અને ૮૦મા વર્ષે શૂન્ય પશ્ચાતાપનો ગેટપાસ લઈને મૃત્યુના પ્રવેશને ઉત્સવ તરીકે સ્વીકારવા તૈયાર થઈ જાય છે. ‘પચાસે પાડું (મહેનત), સાઠે સાડું (વિરામ), સિત્તેરે શીખ (પરિપક્વતા) અને પંચોતેરે માંડું (શાંતિ)’ને ચરિતાર્થ કરતી પૌરાણિક સંસ્કૃતિ વડીલો અપનાવશે નહીં તો ગામના ચોરે કે દવાખાનાના ખાટલે બેસીને ગાવું પડશે – ‘રે ઘડપણ કોણે મોકલ્યું, દોહલ્યું હવે લાકડિયે કાં ખાસીએ?’
જોકે મેડિકલ ઇન્સ્યોરન્સ, કમ્યુનિટી લિવિંગ અને વૃદ્ધાવસ્થાની કાળજી લેતા કરુણાલયોના સામાજિક સ્વીકારથી નવી પેઢીને જીવનભર પૈસા પાછળ દોડવામાંથી રાહત મળી રહી છે. ત્યારે આ બદલાવમાં હવે ઇચ્છામૃત્યુની વ્યવસ્થાને સાકાર કરવી હિતાવહ બનશે. વર્ષ ૨૦૧૮માં પેસિવ યુથેનેશિયાની ચર્ચા સુપ્રીમ કોર્ટમાં પહોંચી. ત્યારબાદ પીડામાંથી જીવનમુક્તિની માનવીય સંવેદનાને વર્ષ ૨૦૨૩માં વધુ સરળ પ્રક્રિયા તરીકે સ્થાપિત કરવામાં આવી છે. પ્રત્યેક અંત એક નવી શરૂઆત હોવા છતાં લાઇફ સપોર્ટ વિના સ્વસ્થ મૃત્યુ (યુથેનેશિયા)ને આજે પણ કાયદાકીય માન્યતા મળતી નથી.
હિંદુ સંસ્કૃતિના ૧૬ સંસ્કારોમાં અંત્યેષ્ટિ પણ એક સંસ્કાર છે અને ગરુડ પુરાણ વિદાય લેનારના પથદર્શક તરીકે માનવામાં આવે છે. છતાં ભારતવર્ષમાં સ્વૈચ્છિક મૃત્યુનો સ્વીકાર ન થતાં સાવચેતીરૂપે માત્ર ગુજરાતમાં જ ૬૦ વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૭૫ લાખ વડીલોએ રૂ. ૧૦૫ લાખ કરોડ જેટલી રકમ પોસ્ટ, બેંક, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં ભવિષ્યની સુરક્ષા તરીકે મૂકી રાખી છે.
રિઝર્વ બેંકમાં દર વર્ષે અંદાજે રૂ. ૬૭ હજાર કરોડ અનક્લેમ્ડ ફંડ તરીકે જમા થાય છે. ત્યારે વ્યવહારુ અભિગમથી ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને શાંતિભર્યા, બિનખર્ચાળ મૃત્યુની ખાતરી અપાય તો તે અર્થતંત્ર માટે જ નહીં, સમગ્ર સામાજિક વ્યવસ્થા માટે પણ હિતાવહ બની શકે. મૃત્યુને ઉત્સવ તરીકે જીવતા રજનીશજી જણાવે છે, ‘સંસારનો અર્થ અન્યની ઉપસ્થિતિ છે અને વાસનાભરેલું મૃત્યુ આત્મઊર્જાને આસક્તિ સાથે પુનર્જન્મ તરફ ધકેલે છે.’
સર્જક અને સર્જન એકમેકમાં સમાયેલા હોવાથી જીવતા જીવ મૃત્યુનો પથ આયોજિત કરીશું તો જ અંતિમ ક્ષણ દર્દમુક્ત, ભયમુક્ત અને આનંદિત બની મોક્ષ, નિર્વાણ, લિબરેશન કે નજાત પ્રાપ્ત થઈ શકશે. માનવીય ઊર્જા અંતકાળે સહસ્ત્રચક્રના દાયરામાંથી અનંતમાં સમાવિષ્ટ થશે. ધુમાડો થઈને બળવા કરતાં, ભડકો થઈ રાખ થવા કરતાં, ખર્ચના ખાડામાં ઊતરી ખતમ થવા કરતાં પાછળ રહી જનારને ભર્યુંભાણું પીરસતા જવામાં શાણપણ છે. કુટુંબના સભ્યોની સેવાનો ત્રાસ વેઠી જવા કરતાં સ્વૈચ્છિક મૃત્યુમાં સમજદારી છે – તે સ્વીકારવાનો સમય આવી ગયો છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.