India

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ પર ગોળીબારનો આરોપ: ધીરેન્દ્ર શાસ્ત્રીએ પરિવારને લઈને આપ્યું મોટું નિવેદન

મધ્યપ્રદેશના છતરપુરમાં એક ચોંકાવનારો કાયદાકીય વિવાદ સામે આવ્યો છે, જેમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગ્રામ ગર્ગ પર એક યુવક સાથે મારપીટ કરવા અને તેના પર જીવલેણ ગોળીબાર કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ વિવાદ બાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચી જતાં આખરે બાગેશ્વર બાબાએ પોતે સામે આવીને આ મામલે સત્તાવાર સફાઈ આપવી પડી છે.

જમીન વિવાદમાં 3થી 4 રાઉન્ડ ફાયરિંગ

છતરપુરના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોડા ગામમાં રહેતા મોતીલાલ કુશવાહા નામના યુવકે પોલીસને જણાવ્યું કે, શાલિગ્રામ ગર્ગ તેની જમીન પડાવી લેવા માંગે છે. મંગળવારે સવારે શાલિગ્રામ તેના કેટલાક સાથીદારો સાથે મોતીલાલના ઘરે પહોંચ્યો હતો અને તેને ઘરની બહાર ઢસડી લાવ્યા હતા. સૌપ્રથમ લાકડી-ડંડાથી હુમલો કર્યા બાદ, શાલિગ્રામે અંધાધૂંધ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સીધી મોતીલાલના છાતીના ભાગે વાગતાં તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડોક્ટરોએ તાકીદે ઓપરેશન કરીને ગોળી બહાર કાઢી લીધી છે, પરંતુ યુવકની હાલત હજુ પણ ચિંતાજનક બનેલી છે. આ મામલે બંને પક્ષોએ સામસામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાનૂન કડક સજા કરે, મને વચ્ચે ન ઘસીટો”

પોતાના ભાઈ પર લાગેલા આ ગંભીર આરોપો પર બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બેબાક નિવેદન આપતા કહ્યું કે, “મેં 3 વર્ષ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે શાલિગ્રામ સાથે મારો કોઈ સંબંધ નથી. વાસ્તવમાં, મારો મારા પોતાના પરિવાર સાથે પણ કોઈ નાતો નથી. આખો સમાજ અને સમગ્ર વિશ્વ જ મારો પરિવાર છે. હું માત્ર દેશ, સમાજ અને સનાતન ધર્મ માટે જીવું છું. “તેમણે ભક્તો અને મીડિયાને નમ્ર અપીલ કરી છે કે આ અંગત ગુનાહિત મામલામાં બાગેશ્વર ધામનું નામ ખોટી રીતે ઘસેડવામાં ન આવે. બીજી તરફ, આરોપી ભાઈ શાલિગ્રામ ગર્ગે પણ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેને બાગેશ્વર ધામ સાથે કોઈ લેવાદેવા નથી.

કાયદો તેનું કામ કરશે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાયદા વ્યવસ્થા પર પૂરો ભરોસો મૂકતા ઉમેર્યું કે, છતરપુર જિલ્લો ઘણો મોટો છે અને મારો ભૂતપૂર્વ પરિવાર પણ મોટો છે, જેથી આવી ઘટનાઓ બનતી રહે છે. કાયદાએ આ મામલે કડક અને ઉચિત કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. જે પણ વ્યક્તિ ગુનેગાર કે જવાબદાર સાબિત થાય, તેને કાયદાના દાયરામાં રહીને કડક સજા મળવી જ જોઈએ.

Most Popular

To Top