Business

એક્ટર્સ ભૂલાય જાય પણ કેરેક્ટર્સ નહીં

રાજકપૂર હંમેશા કહેતા કે અમે અભિનેતા નહીં, અમારા પાત્રો મોટા હોય છે. પટકથાકાર, દિગ્દર્શક ને અભિનેતા થઇ કેટલાંક યાદગાર પાત્રો સર્જે છે. ‘મુગલ-એ-આઝમ’ના અકબર, અનારકલી, સલીમના પાત્રો આઇકોનિક છે. ‘મધર ઇન્ડિયા’ના રાધા ને બીરજુને લાલાને કોઇ ભુલી ન શકે. ‘આવારા’ના રાજ (કપૂર)નું પાત્ર આંખ સામે જીવંત છે. સમય જતાં આવા પાત્રો સર્જાયા કરે છે. દેવઆનંદને યાદ કરો તો ‘રાજુ ગાઇડ’ને વહીદાજીને યાદ કરો તો ‘રોમી’ આંખ સામે આવી જાય. જો કે દેવસાબને ‘જોની’ તરીકે ય યાદ કરવા પડે. તો દિલીપકુમારને ‘ગંગા’ તરીકે. યાદ કરો તો યાદી લાંબી છે.

‘શોલે’ ફિલ્મે જો કે તેના દરેક પાત્રને યાદગાર બનાવી દીધા. વીરુ અને જય કે ગબ્બરસીંઘ જ નહીં બસંતી પણ, સાંભા પણ ને ઠાકુર તો ખરા પણ ચાચી પણ. એવું ઓછું બને છે. અમિતાભને લોકો ‘એન્થની’ તરીકે ય યાદ કરે ને વિજય દીનાનાથ ચૌહાણ તરીકે પણ. અજીતને યાદ કરો તો તેનું ‘ઝંઝીર’ના લાયન યાદ આવી જાય ને પ્રાણ સાહેબને તો અનેક પાત્રો છે પણ ‘ઝંઝીર’ના શેરખાનને કે પછી ‘ઉપકાર’ના મલંગ ચાચા તરત યાદ આવે. ડિમ્પલ આજે પણ લોકોના મનમાન ‘બોબી’ છે.

વર્તમાન સમયની ફિલ્મોમાં સંજય દત્ત લોકો માટે મુન્નાભાઇ બની ગયા છે તો અનિલ કપૂર ‘મજનૂભાઇ’ તરીક ફેમસ છે. મુન્નાભાઇ સાથે જો કે અર્શદ વારસીની સરકીટ તરીકેની ઇમેજ પણ ટનાટન છે. આમીર ખાન સાથે રાન્ચોનું પાત્ર ખાસ બની ગયું. તો શાહરૂખ કાજોલ ‘દિલ વાલે દુલ્હનીયા લે જાયેગે’થી રાજ-સીમરન તરીકે લોકોના હૃદયમાં વસી ગયા. સની દેઓલ ‘ગદર’ના તારાસીંઘ તરીકે લોકોની આંખમાં છે તો કેટલીક ફિલ્મો હજુ યાદ કરો તો ‘સત્યા’ના ભીખુ મ્હાત્રે તરીકે મનોજ વાજપેયીની યાદ આવશે. મનોજ જોશી કચરા શેઠ તરીકે તો પરેશ રાવલ ‘હેરાફેરી’ના બાબુરાવ ગણપતરાવ આપ્ટે તરીકે માઇન્ડમાં ફીટ થઇ ગયા છે.

ફિલ્મોમાં આગળ પાછળ થાવ તો રેખા આજે પણ ‘ઉમરાવજાન’ તરીકે મનમાં વસેલી છે તો શ્રીદેવી ‘ચાંદની’ તરીકે, મીનાકુમારી ‘પાકિઝા’ના ‘સાહિબજાન’ યા ‘સાહિબ બીબી ઔર ગુલામ’ના ‘છોટીબહુ’ તરીકે એવા જ યાદ છે. રાજેશ ખન્નાને ‘આનંદ’ના આનંદ તરીકે યા ‘અમર પ્રેમ’ના આનંદ બાબુ તરીકે યાદ કરી શકો. રાજકુમાર સાથે ‘વકત’નું રાજાનું પાત્ર અને રહેમાન સાથે ચીનોઇ શેઠનું પાત્ર રહી ગયું છે. આ યાદી ખૂબ લાંબી બની શકે ને કયા ચાહકોને કોણ યાદ આવે તે કહી ન શકીએ. હજારો ફિલ્મો બની છે પણ કોઇ એકટર કે એકટ્રેસને યાદ કરો ને તરત તેનું પાત્ર યાદ આવે તો તેની સકસેસ અમજદખાનને લોકો તેના નામથી વધુ ગબ્બરસીંઘ તરીકે યાદ કરે છે એવું.

Most Popular

To Top