Business

દેશમાં 7 જેટલા મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવા 5 વર્ષ માટે 4,445 કરોડનું બજેટ ફાળવ્યું

સુરત: કેન્દ્રની મોદી સરકાર (Modi govt)ની કેબિનેટે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજયન એન્ડ એપેરલ પાર્ક સ્કીમ (મિત્રા)ની સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી દેશમાં 7 જેટલા મેગા ટેક્સટાઇલ પાર્ક (textile park) બનાવવા 5 વર્ષ માટે 4,445 કરોડનું બજેટ (budget) ફાળવ્યું છે.

સરકારે 1000 એકર ગ્રીન ફિલ્ડ મેગા ટેક્સટાઇલ પાર્કના નિર્માણ માટે મહત્તમ 500 કરોડ અથવા કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) માટે રોકાણના 30 ટકાથી વધુ સહાય સબસીડી (subsidy) સ્વરૂપે આપવાની જાહેરાત કરી છે. એટલે કે 200 કરોડ પાર્ક ડેવલપમેન્ટ કેપીટલ સપોર્ટ માટે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે 300 કરોડ પ્લાન્ટ સ્થાપના સુધી ઇનસેન્ટિવ તરીકે સરકાર આપશે.પીપીપી મોડ પર સ્થપાનારા આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર અને પ્રાઇવેટ એસપીવી કંપની પાસે મહત્તમ ઈકવિટી રહેશે.પાર્કના નિર્માણથી લઈ મેન્ટેનન્સ સુધીની જવાબદારી ડેવલોપર્સની હશે.

પાર્કમાં આ સુવિધાઓ ફરજીયાત આપવી પડશે

કેન્દ્ર સરકારે મેગા ટેક્સટાઇલ પાર્ક માટે કોમન ફેસિલિટી, ઈન્ક્યુબેશન સેન્ટર, પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી, ફેકટરી સાઈડ, રોડ, પાવર, વોટર એન્ડ વેસ્ટ વોટર સિસ્ટમ, કોમન પ્રોસેસિંગ હાઉસ એન્ડ સીઈટીપી, ડિઝાઇન સેન્ટર, ટેસ્ટિંગ સેન્ટર, વર્કર હોસ્ટેલ એન્ડ હાઉસિંગ, લોજીસ્ટિક પાર્ક, વેરહાઉસ, મેડિકલ ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની સુવિધાઓ આપવી પડશે.

10 રાજ્યોમાં ગુજરાતના સુરતે માત્ર મેગા પાર્ક માટે ઇન્ટરેસ્ટ દાખવ્યો

કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે,7 મેગા ટેક્સટાઇલ એન્ડ એપેરલ પાર્ક માટે દેશના 10 રાજ્યોએ ઇન્ટરેસ્ટ દાખવ્યો છે. ગુજરાતમાં માત્ર સુરતે સરકારને પ્રપોઝલ મોકલી હતી. બીજા રાજ્યોમાં પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડીશા, તામિલનાડુ, આસામ, રાજસ્થાન અને કર્ણાટકે આ સ્કીમ માટે ઇન્ટરેસ્ટ લેટર મોકલ્યા છે. 7 પાર્ક માટે 10 રાજ્યો હોવાથી આ યોજનામાં તીવ્ર સ્પર્ધા થશે.

મેગા પાર્કમાં 1000 એકર જમીનનો ઉપયોગ આ રીતે થશે

(1) 50 ટકા જમીનનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ યુનિટો સ્થાપવા કરવાનો રહેશે
(2) 20 ટકા જમીનનો ઉપયોગ યુટીલિટી એટલે કે પાવર ,વોટર ઇટીપી,અને ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ માટે કરવો પડશે
(3) 5 ટકા લોજીસ્ટિક, આઇસીડી-બોન્ડેડ વેરહાઉસ માટે થશે
(4) 10 ટકા હોટેલ કન્વેન્શન સહિતની સુવિધાઓ માટે કરાશે
(5) 10 ટકા જમીનનો ઉપયોગ કામદારોના આવાસ,આરોગ્ય, હોસ્પિટલ સહિતની સુવિધા માટે કરવો પડશે
(6) 5 ટકા જમીનનો ઉપયોગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટી માટે થશે.

Most Popular

To Top