Madhya Gujarat

સરકારી જમીન પર ગેરકાયદે વસાહતમાં કાર્યવાહી

લુણાવાડા : લુણાવાડાની કોેટેજ હોસ્પિટલ પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાં વરસોથી રહેતા વણઝારા પરિવારોએ જમીન રેગ્યુલરાઇઝ કરવા દરખાસ્ત કરી હતી. જોકે, આ જમીન સરકારી ખરાબાની હોવાથી દબાણ કર્યું હોવાની પણ અરજી કલેક્ટરને મળી હતી. જે આધારે તપાસ કર્યા બાદ મામલતદારે 24 જેટલા શખસ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

લુણાવાડા મામલતદાર આઈ.એચ. પટેલે જણાવ્યું હતું કે, લુણાવાડાના કોટેજ હોસ્પિટલ પાસે આવેલી રેવન્યુ સર્વે નં.1244 (જુનો સર્વે નં.109) પૈકીની સરકારી પડતર જમીન જે સરકારી ખરાબો હેડે ચાલે છે. આ જમીનમાં કેટલાક શખસે દબાણ કર્યું હોવાનું પ્રજાપતિ હર્ષદભાઈએ અરજી કરી હતી. આ અરજીની સર્કલ ઓફિસર દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જેનો અહેવાલ કલેક્ટરને મોકલી આપવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન કુલ 24 જેટલા શખસોએ સરકારી ખરાબાની જમીનમાં કાચા – પાકા મકાનો બાંધી સરકારી જમીન ઉપર કબજો કરેલાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી હતી.

જેમાં ગેરકાયદે રીતે કાચા – પાકા મકાનો બનાવી સરકારી જમીન ઉપર કબજો કરેલો હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે મામલતદારને અધિકૃત કરવામાં આવ્યાં હતાં. આથી, તેઓએ સરકારી જમીન પર અડીંગો જમાવીને રહેતા 24 શખસ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ આપતા લુણાવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લુણાવાડાની સરકારી ખરાબા જમીન પર વરસોથી રહેતા વણઝારા પરિવારોએ કાચા – પાકા મકાનો બનાવી દીધાં હતાં. આ મકાનોમાં વિજળી કનેકશન પણ તેમને મળી ગયાં હતાં. આમ, તપાસ થાય તો વિજ અધિકારીઓની પણ પોલ ખુલી પડે તેવી શક્યતા છે.

મહિસાગર કલેક્ટરની વારંવારની નોટિસ છતાં જગ્યા ખાલી કરી નહતી
હર્ષદભાઈ પ્રજાપતિની અરજી બાદ શરૂ થયેલી તપાસમાં વણઝારા પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. આથી, કલેક્ટરે તેમને નોટીસ આપી ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ આ નોટીસ તેઓ ઘોળીને પી ગયાં હતાં. આ ઉપરાંત લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા સુધીની નોટીસ આપી છતાં કોઈ નોંધ લેવામાં આવી નહતી. આખરે કલેક્ટરે આ અંગે કાર્યવાહીના આદેશ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

કોની કોની સામે ગુનો નોંધાયો
ભીમાજી રાણાજી વણઝારા, શૈલાબહેન કનુભાઈ વણઝારા, રાજુ કનુભાઈ વણઝારા, શંકર રાણાભાઈ વણઝારા, પ્રતાપ ભાવાજી વણઝારા, માંગીલાલ ભાવાજી વણઝારા, વલ્લાજી વાઘાજી વણઝારા, મહીપાલ સીતાજી વણઝારા, મંકુબહેન સીતાજી વણઝારા, રાણાજી ભેરાજી વણઝારા, જશીબહેન રાણાજી વણઝારા, ઠાકોર રાણાજી વણઝારા, તેજાજી રાણાજી વણઝારા, નિલમબહેન વનરાજ વણઝારા, મોહન દલાજી વણઝારા, રમેશ દલાજી વણઝારા, ગંગાબહેન રમેશ વણઝારા, અનિલ હરેશ વણઝારા, હરિશ દિનાજી વણઝારા, પ્રતાપ દિનાજી વણઝારા, સરદાર દિનાજી વણઝારા, જગદીશ ડાહ્યા વણઝારા, રાધાબહેન જગદીશ વણઝારા, કનુ દલાજી વણઝારા (તમામ રહે. કોટેજ હોસ્પિટલ પાસે, લુણાવાડા).

Most Popular

To Top