જીવનમાં દરેક વ્યક્તિ સફળતા, સુખ અને અનુકૂળ પરિસ્થિતિઓની અપેક્ષા રાખે છે, પરંતુ વાસ્તવિકતા હંમેશાં આપણી ઇચ્છા મુજબ હોતી નથી. નિષ્ફળતા, પડકારો અને અણધારી પરિસ્થિતિઓ જીવનનો અભિન્ન ભાગ છે. આવા સમયે પરિસ્થિતિનો સ્વીકાર કરવાને બદલે ફરિયાદ, હતાશા અથવા દોષારોપણનો માર્ગ અપનાવવાથી સમસ્યાઓ વધુ જટિલ બને છે. જ્યારે વાસ્તવિકતાનો હિંમતપૂર્વક સ્વીકાર કરવામાં આવે છે, ત્યારે જ નવા માર્ગો અને નવી શક્યતાઓના દ્વાર ખુલે છે.
આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં માનસિક દૃઢતા, હકારાત્મક દૃષ્ટિકોણ અને વાસ્તવિકતાનો સ્વીકાર વ્યક્તિને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. તેથી જીવનમાં જેમાં પરિવર્તન લાવી શકાય તેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ અને જેમાં પરિવર્તન શક્ય ન હોય તેને સમજદારીપૂર્વક સ્વીકારી આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ કારણ કે પ્રગતિનો સાચો માર્ગ વાસ્તવિકતાના સ્વીકારથી જ શરૂ થાય છે.
સુરત – સાગર ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.