Gujarat Main

આપના નેતા યુવરાજસિંહનો વધુ એક ધડાકો : વીજકંપનીની ભરતીમાં પણ કૌંભાડ થયું છે

ગાંધીનગર : રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. હેડ કલાર્ક પેપરલીક કાંડને (Head clerk paper leak scam) બહાર પાડનાર આપના નેતા યુવરાજસિંહે (Yuvraj Singh ) હવે વીજ કંપનીના (Department of Energy) ભરતી કૌંભાડ અંગે ધડાકો કર્યો છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટા પાયે કૌંભાડ થયા છે.

રાજ્યમાં હેડ કલાર્ક પેપરલીક કાંડ બાદ ભરતી કૌંભાડનો ભાડો ફૂટ્યો છે. આપના નેતા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે આજે રાજ્યમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેમાં ગેરરીતિ થઈ રહી છે. ઉર્જા વિભાગમાં જે ભરતી કરવામાં આવી છે તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ભરતી કૌંભાડ આચરવામાં આવ્યું છે.

  • જેટકો કંપની દ્વારા ઓનલાઈન લેવાતી પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ
  • જેટકો કંપનીનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ, ગેરરીતિમાં વીજકંપનીના અધિકારીઓ પણ સામેલ
  • એક જ ગામના 18 પરીક્ષાર્થી કેવી રીતે પાસ થઈ ગયા, યુવરાજ સિંહે પ્રેસકોન્ફરન્સમાં ઉઠાવ્યા સવાલ

તેમણે કહ્યું કે અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતીઓ ચાલી રહી છે. જેમાં છેલ્લા 3 વર્ષથી ઉર્જા વિભાગમાં ભરતીનું કૌંભાડ ચાલી રહ્યું છે. યુવરાજ સિંહે જેટકો કંપની દ્વારા લેવાયેલી ભરતી પ્રક્રિયા પર પણ આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જેટકો દ્વારા ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિઓ થાય છે. જેટકો કંપનીનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ છે.

જેટકોની ભરતી પ્રક્રિયામાં એક જ ગામના 18 પરીક્ષાર્થીને નિમણૂક આપી હોવાનો ઘટસ્ફોટ યુવરાજ સિંહે કર્યો છે. તેમણે કહ્યું કે એક જ ગામમાંથી 18 નિમણૂક આપવી એ શક્ય નથી. હાલ ચાલી રહેલી પરીક્ષામાં ભરતી માટે પૈસા આપવામાં આવી રહ્યા છે, જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં ઉમેદવારો સિલેક્ટ થયા બાદ પૈસા વસૂલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે, જેમાં કંપનીના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓનો પણ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે, જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું હતું.

હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું : યુવરાજસિંહ

યુવરાજસિંહે ઊર્જા વિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થઈ રહ્યા છે તે અંગે આક્ષેપો કરી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્ક પેપરલીકમાં પણ તપાસને દબાવવામાં આવી રહી હતી. તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દા ઉઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે “હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું. હું કોઈપણ રાજકીય રંગ આપવા માગતો નથી. આ મુદ્દે કોઈ રાજકીય પક્ષોને રોટલા ન શેકવા પણ અપીલ કરી હતી. પેપર લીકનો મુદ્દો લીકરકાંડમાં ફેરવાઈ ગયો છે.”

ગુનેગારો સામે પગલા લેવાશે : જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ યુવરાજસિંહે કરેલા કૌભાંડના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે કેટલાક લોકો લાભ લેવાનો પ્રયાસ કરતા હોય છે. તમામ આક્ષેપોની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે આક્ષેપોના ધ્યાનમાં રાખીને આ સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવશે તેમાં જો કોઇ ગુનેગાર હશે તેની સામે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top