SURAT

ઉધના રેલવે સ્ટેશનમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનું ટ્રેન નીચે કચડાઈને મોત થયું, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત: ઉધના રેલવે સ્ટેશન પર આઘાતજનક ઘટના બની છે. અહીં ચાલુ ટ્રેને ચઢવા જતા એક યુવકનું ટ્રેન નીચે આવી જતા કચડાઈને કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે યુવક ટ્રેનના દરવાજાને પકડવા જતા હવામાં ફંગોળાઈને સીધો ટ્રેનના પૈંડા નીચે પડી જાય છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી સ્પીડમાં પસાર થઈ રહી છે ત્યારે એક યુવક તેમાં ચઢવા માટે પ્રયાસ કરે છે. એકાદ બે વાર ચાલુ ટ્રેનમાં ચઢવાના પ્રયત્નો નિષ્ફળ રહેવા છતાં તે ફરી ત્રીજીવાર દોડતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે અને ટ્રેનના દરવાજાનો હાથો પકડે છે, ત્યારે ટ્રેનની સ્પીડના લીધે યુવક હવામાં ખેંચાઈ છે અને સંતુલન નહીં જાળવી શકતા સીધો જ ટ્રેનના પૈંડા નીચે રેલવેના પાટા પર પડે છે. ટ્રેન પસાર થયા બાદ જોઈ શકાય છે કે ટ્રેનના પૈંડા નીચે આવી જવાના લીધે યુવકનું કચડાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક કોઈ સંબંધીને ટ્રેનમાં મુકવા માટે ઉધના રેલવે સ્ટેશન પર આવ્યો હતો અને સંબંધી માટે ટ્રેનમાં સીટ રોકવા તે ટ્રેન રોકાઈ તે પહેલાં જ તેમાં ચઢવા માંગતો હતો. પરંતુ ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં તેનું મોત થયું હતું. આ ઘટનાના પગલે ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. આશાસ્પદ યુવકનું આવું અકાળે મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યાં હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top