SURAT

સુરત મનપાના એક મહિલા ચેરમેને પોતાના સાથી કોર્પોરેટરોને લાખોમાં નવડાવ્યા

સુરતઃ સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભાજપના (BJP) એક સાંસદ (MP) દ્વારા ભાજપના જ એક મોટા નેતાએ તેની મોટી રકમ ચાઉં કરી હોવાના આક્ષેપો ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે સુરતમાં પણ મહાનગરપાલિકાનાં (SMC) એક મહિલા ચેરમેને પોતાના સાથી કોર્પોરેટરોને લાખોમાં નવડાવી દોઢથી બે કરોડનો ઉઘરાણું કરી લીધાની ચર્ચા છાને ખૂણે થઈ રહી છે. જેની ફરિયાદ સંગઠનના નેતાઓને પણ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરત મહાનગરપાલિકાનાં એક સિનિયર મહિલા કોર્પોરેટર જે હાલમાં મહાનગરપાલિકાની એક ખાસ સમિતિના ચેરમેન પણ છે. તેમણે પોતાને પૂર્વ મુખ્યમંત્રી (Ex CM) સાથે ઘરોબો હોવાથી મહાનગરપાલિકાની નોકરીઓમાં પોતે નોકરી અપાવવાનું સેટિંગ કરાવી શકે છે, તેવી લાલચ આપી હતી અને પોતાના સાથી કોર્પોરેટરોને ઉમેદવારો પાસેથી દસ લાખ રૂપિયા લઇ નોકરી અપાવી શકશે તેવી આશા આપી હતી. આથી 3થી 4 કોર્પોરેટરે જુદા જુદા ઉમેદવારો પાસેથી દસ દસ લાખ રૂપિયા લઈને આ મહિલા કોર્પોરેટરને આપ્યા હતા, જેમાંથી ઉમેદવારોની નોકરી પાકી થાય એટલે વચ્ચે રહેલા કોર્પોરેટરને પાંચ પાંચ લાખ મળશે તેવું નક્કી થયું હતું.

જો કે, નક્કી થયા મુજબના ઉમેદવારોને હજુ સુધી નોકરી મળી નથી અને મહિલા કોર્પોરેટર આવી રીતે ભેગા કરેલા દોઢથી બે કરોડ ચાઉં કરી ગયા હોવાની ચર્ચા છે. મહિલા કોર્પોરેટરની લોભામણી વાતોમાં આવી લાખો રૂપિયા તેને આપી દેનાર કોર્પોરેટરોમાં રાંદેર ઝોનના એક કોર્પોરેટર અને કતારગામ વિસ્તારના એક કોર્પોરેટર પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.

જુદા જુદા કોર્પોરેટર હોવાથી આ મહિલા કોર્પોરેટરની વાતોમાં આવી પાંચથી દસ ઉમેદવાર પાસેથી દસ દસ લાખ રૂપિયા ક્લાર્ક સહિતની જુદી જુદી પોસ્ટ પરની નોકરી માટે ઉઘરાવીને આ મહિલા પર ચેરમેન પર આંધળો વિશ્વાસ કરી આપી દેતાં હવે આ કોર્પોરેટરો પણ ભેરવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઘણા સમય બાદ સુરતમાં કોઈ મહિલા કોર્પોરેટરે આ પ્રકારનો ખેલ કર્યો હોવાથી મહાનગરપાલિકાનાં વર્તુળો તેમજ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. તેમજ જે કોર્પોરેટરના પૈસા ફસાયા છે તેની હાલત કફોડી થઈ ગઈ હોય સંગઠનમાં પણ ઉચ્ચ સ્તરે ફરિયાદ થઈ હોવાનું જાણવા મળે છે. આ ગોટાળો કર્યા બાદ મહિલા ચેરમેન મહાનગરપાલિકામાં આવવાનું પણ ટાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top