Editorial

વિશ્વ બેંકે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડ્યું, સરકાર ધ્યાન આપે તે જરૂરી

કોરોના પછી તુરંત તેજીનો અનુભવ કરનાર ભારતમાં ફરી મંદી આકાર લઈ રહી છે. મંદીને કારણે જ વિશ્વ બેંકએ ભારતનો આર્થિક વિકાસ દર નાણાકીય વર્ષ 2023-24માં ઘટશે તેવું અનુમાન કર્યું છે. અગાઉ આ અનુમાન 6.6 ટકા હતું પરંતુ હાલમાં વિશ્વ બેંક દ્વારા જે અનુમાન કરવામાં આવ્યું છે તે 6.3 ટકા છે. વિશ્વ બેંકએ એવું કહ્યું છે કે, ભારતમાં ખાનગી વપરાશઅને રોકાણ વધી રહ્યું છે અને સેવાની વૃદ્ધિ પણ થઈ છે પરંતુ આગામી સમયમાં સ્થિતિ થોડી બગડે તેમ છે. વિકાસ દર ઘટવાને કારણે નોકરીઓનું ઓછું સર્જન થશે અને તેને કારણે ગરીબી ઘટાડવાની સાથે સમૃદ્ધિ વધારવામાં પણ મુશ્કેલીઓ સર્જાશે. વિશ્વ બેંક દ્વારા જે અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે કાયમી નથી. જો કેન્દ્ર સરકાર ઈચ્છે અને અત્યારથી પગલાઓ લેવા માંડે તો આ અનુમાન બદલાઈ પણ શકે છે.

વિશ્વમાં હાલમાં જે દેશના વિકાસશીલ અર્થતંત્ર છે અને જ્યાં બજારો વધી રહ્યા છે તેવા દેશમાં અગાઉ વૃદ્ધિ દર 4.1 ટકા હતો પરંતુ હવે વિશ્વમાં પણ આર્થિક મંદીની સ્થિતિ જોતાં આ વૃદ્ધિદર ઘટીને 2.9 ટકા થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ ઘટાડો વિકાસદરનો મોટો ઘટાડો ગણવામાં આવી રહ્યો છે અને તેની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર જોવા મળશે. વિશ્વ બેંકએ વૈશ્વિક વિકાસદરનો અંદાજ પણ 2022ના 3.1 ટકાથી ઘટાડીને 2023 માટે 2.1 ટકા અંદાજ્યો છે. વિશ્વની સાથે સાથે ભારતનો પણ વિકાસદર ઘટશે. ભારતમાં જે રીતે ફુગાવો અને દેવું વધી રહ્યું છે તેને કારણે ખાનગી વપરાશ પણ વધ્યો છે અને તેને કારણે વિકાસદર પણ ઘટી રહ્યો છે. જે ચિંતાજનક છે.

વિશ્વમાં ભારતનું અર્થતંત્ર વિકાસશીલ ગણાય છે. વિશ્વ માટે સૌથી મોટું બજાર ભારત છે અને આ કારણે જ ભારતે મોટાપાયે ચીજવસ્તુઓની આયાત કરવી પડી રહી છે. ભારતમાં સ્થાનિક લેવલે ઉત્પાદનો વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તે પૂરતા નથી. વિદેશથી આયાત કરવાને કારણે ભારતના અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થાય છે. આયાતની સામે નિકાસ એટલા પ્રમાણ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્રે ચીન દ્વારા હરણફાળ ભરવામાં આવી રહી છે અને તેને કારણે જ હાલમાં જ્યારે આખા વિશ્વનો વિકાસદર ઘટવાનું અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે ચીનને તેમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.

ભારતમાં જે મોટા ઉદ્યોગો છે તેમનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ જે નાના ઉદ્યોગો છે તેનો વિકાસ રિવર્સ ગિયરમાં ચાલી રહ્યો છે. ઉદ્યોગના તમામ ઘટકોનો વિકાસ નહી થવાની સીધી અસર વિકાસદર પર પડી રહી છે. તમામ ઉદ્યોગોનો વિકાસ થતો હોય તો રોજગારીનું મોટાપાયે સર્જન થઈ શકે પરંતુ જો નાના ઉદ્યોગોને માર પડતો હોય તેની સીધી અસર રોજગારી પર પણ થાય છે અને તેને કારણે વિકાસ મંદ પડે છે.

ભારતમાં તમામ પ્રકારના ઉદ્યોગો થઈ શકે તેમ છે. ભારતમાં ઉદ્યોગો માટે કર્મચારી પણ મળે તેમ છે. પરંતુ જરૂરીયાત યોગ્ય ઈન્ફ્રાસ્ટ્કચરની છે. આઝાદીના 7 દાયકા બાદ પણ ભારતની એ સ્થિતિ છે કે દેશમાં ઉદ્યોગો માટે ફ્રેન્ડલી વાતાવરણ નથી. પ્રાથમિક અને માળખાગત સુવિધાઓ પણ નથી અને તેને કારણે નાના ઉદ્યોગો શરૂ થયાના થોડા જ સમયમાં મરી પરવારે છે. સરકારે માત્ર મોટા ઉદ્યોગકારોને જ મહત્વ આપવાને બદલે નાના ઉદ્યોગોનો પણ વિકાસ થાય તે માટે ધ્યાન આપવાની જરૂરીયાત છે. કેન્દ્ર સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ’ એવું સુત્ર ભલે આપ્યું છે પરંતુ ભારતમાં સ્થિતિ તેના કરતાં જુદી છે.

ભારતનું અર્થતંત્ર મજબુત થઈ શકે તેમ છે. જરૂરીયાત માત્ર એ જ છે કે, ઉદ્યોગોમાં જે ઈનોવેશન આઇડિયા છે તેને મહત્વ આપવામાં આવે. ચીને પણ પોતાને ત્યાંના ઉદ્યોગોને ઈનોવેશન આઈડિયાથી જ વિકસાવ્યા છે. આજે આખા વિશ્વમાં જે નવીન પ્રોડક્ટ જોવા મળી રહી છે તે મોટાભાગે ચીનની જ હોય છે. તેની સામે ભારતમાં ઈનોવેશન આઈડિયાના આધારે નવો ઉદ્યોગ સ્થાપવા માટે સરળતાઓ નથી. સરકાર દ્વારા પણ આવા આઈડિયાઓને એટલું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. કેન્દ્ર સરકારે આ સ્થિતિ બદલવી પડશે અને તોજ ભારતનો વિકાસદર વધશે તે નક્કી છે.

Most Popular

To Top