Comments

જે તાલીમમાંથી પસાર થતો વિદ્યાર્થી નિરાશ થઈ આત્મહત્યા કરતો નથી કે ગુનાહિત પ્રવૃત્તિ કરતો નથી

પ્રજા પરિષદના પાંચમા અધિવેશન (કારતક વદ એકમ સંવત ૧૯૯૫ તા. ૧૧-૧૧-૧૯૩૯)માં અધ્યક્ષસ્થાને પધારેલા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહજી પોતાનું રાજ્ય અખંડ ભારતના યજ્ઞમાં સમર્પિત કરવાના હતા, પરંતુ જામનગર અને જૂનાગઢ રાજય અલગ સૌરાષ્ટ્રની પેરવીમાં હોવાથી લોહપુરુષ ભાવનગરમાં પહોંચતાં નગીનાવાડી મસ્જીદ પાસે તેમના ઉપર હુમલો થયો અને ગાંધીસેવક આત્મારામ ભટ્ટ ઘવાયા. સરદાર પાછા ફર્યા. તે પછી ફરી રાજ્યમાં દીવાન શ્રી અનંતરાય પટ્ટણી મહાત્મા ગાંધીને મળ્યા અને અખંડ ભારતના નિર્માણમાં ભાવનગર રાજ્યનું યોગદાન સ્વીકારવા વિનંતી કરાઈ.

તે ૧૯૪૭માં દેશી રાજ્યના વિલીનીકરણ સમયે પ્રથમ રાજ્ય તરીકે ભાવનગર રાજ્ય સ્વીકારવા લોહપુરુષ વલભભાઈ ફરી ૧૯૪૭માં ભાવનગર પધાર્યા. તે સમયે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ભાવનગર પોર્ટના શ્રમિકો દ્વારા ચાલતા આનંદ મંગળે સંભાળી હતી. સ્વરાજ્યની લડતમાં ઉગ્રવાદી જૂથ તરીકે જાણીતા ગોદી કામદાર મંડળના આગેવાન માનભાઈ ભટ્ટે ભાવનગર રાજ્યની સોંપણીના સમારંભની શાંતિપૂર્ણ વ્યવસ્થા સંપન્ન કરતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખુશી વ્યક્ત કરી અને પૂછ્યું, ‘છોકરાઓ શું કરો છો?’ મંડળના નેતા તરીકે માનભાઈ ભટ્ટે કહ્યું, ‘મહારાજ, આપ જે નથી કરતા તે.’

પ્રજાવત્સલ રાજવીએ વિનમ્રતા દાખવી પૂછ્યું, ‘અમારેથી શું કરવાનું બાકી રહે છે?’ ત્યારે માનભાઈએ કહ્યું, ‘બાળકો મુક્ત મને રમે તેવું ક્રીડાંગણ વિકસાવવું પડશે અને રાજ્ય જગ્યા આપે તો અમારું આનંદ મંગળ મંડળ એ કામ કરશે.’ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ‘શિશુવિહાર’ અને બીજા ૩૮ વિસ્તારોમાં વ્યાયામ પ્રવૃત્તિ માટે જમીન અલાયદી રાખવા હુકમ થયો અને આજે ભાવનગરમાં ‘શિશુવિહાર’ નામે ૪૫૦થી વધુ વૃક્ષોથી આચ્છાદિત જગ્યામાં બાળ કેળવણીનું કામ શક્ય બન્યું છે. એક સાથે ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ રમી શકે તેટલાં સાધનો છે. બાળકોના જન્મદિવસ, બાળકોની રંગમંચ પ્રસ્તુતિ માટે ૪ ઑડિટોરિયમ છે. તેથી વિશેષ જીવનશિક્ષણને ઓપ આપતાં માનવીય મૂલ્યો દર્શાવતા સ-ચિત્ર પોસ્ટરોથી સંસ્થાનું ભાવાવરણ સુશોભિત રહે છે.

ભાવનગરના દરિયાકિનારે આવેલા પોર્ટ વર્કશોપના શ્રમિકો દ્વારા પ્રારંભાયેલ આનંદ મંગળ મંડળ અને તેમાંથી વિકસેલ શિશુવિહારના કર્મઠ સેવકોની શ્રદ્ધા અક્ષરજ્ઞાનથી વિશેષ અનુભવ પ્રત્યે રહી હતી. આથી, શિશુવિહારની કેળવણીનો આધાર શેરી નાટકો અને ગ્રીષ્મ તાલીમ વર્ગ સાથે વિકસ્યો. જીવનલક્ષી સવાંચન અને શિસ્તબદ્ધ વ્યાયામ સાથે વિકસતો ગયો. આઝાદીની લડત સમયે સક્રિય શ્રમિકોએ શિશુવિહારની તાલીમને સ્વરાજની શાળા તરીકે વિકસાવતા નાત-જાત, ગરીબ-તવંગર, ઉચ્ચ-નીચ તેવા ભેદોથી પરે સ્વસ્થ માનવના વિકાસ કાજે પ્રતિ વર્ષ ૪૫૦ પ્રવૃત્તિઓ ગોઠવી.

પરિણામે શિશુવિહાર સંસ્થાનાં ૮૪ વર્ષના કાર્યકાળ દરમિયાન તેના લાખો વિદ્યાર્થીઓ આજે સારાં નાગરિકો તરીકે જીવન વ્યતીત કરે છે. કઠિન પરિસ્થિતિમાં પણ માનવીય મૂલ્યોને છેહ દેતાં જોવા મળ્યાં નથી. માનવસેવાને પ્રભુસેવા જાણતા શિશુવિહારથી ગુજરાતમાં પ્રથમ વાર દેહદાન, ચક્ષુદાન અને રક્તદાન પ્રવૃત્તિ શરૂ થઈ છે. ૧૯૬૮થી પ્રારંભાયેલ નેત્રયજ્ઞ, દૃષ્ટિ ચકાસણી શિબિરો દ્વારા ર૦,૩૦૦થી વધુ ગરીબ નાગરિકોને વિના મૂલ્યે કેટ્રેક્ટ સર્જરી પછી નવી દૃષ્ટિ મળી છે. તો શાળા સ્તરે યોજાતા દૃષ્ટિ ચકાસણી અને દીકરીઓ માટેનાં હિમોગ્લોબિન તપાસ અને સારવાર શિબિર દ્વારા ૩.૭૫ લાખ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયાં છે.

વિકસતું વિજ્ઞાન હવે આધારભૂત ફોટો ઇમેજથી જણાવી શકે છે કે ૧ થી ૫ વર્ષનાં બાળકનાં મસ્તિષ્કનાં ન્યુરોન્સનું જોડાણ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ શક્ય બને છે. ભારતીય સમાજ રચના અને સંસ્કાર વચ્ચે વિકસતા બાળક માટેની તાલીમનો વિચાર ગિજુભાઈએ મૂક્યો જેનું અમલીકરણ ૧૯૫૩થી શિશુવિહારમાં અવિરત રહ્યું છે. અનુભવ તાલીમ વર્ગ, જાગૃત વાલી, પ્રવૃત્તિ શિક્ષણ સાથે શિશુવિહાર પરિસરમાં પ્રતિવર્ષ ૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહજ કેળવણીની મોજ લે છે. માતૃભાષા અને ભાર વિનાના ભણતરની કાળજી તો સંસ્થામાં જ પ્રારંભથી જ લેવાઈ છે.

ગરીબ બાળકોનું કામ કરજો, બહેનોની કેળવણીનું કામ કરજો અને મારી પ્રજા સ્વમાનભેર જીવી શકે તે માટે મથામણ કરજો’ તેવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આર્ષવાણીને સંસ્થા આજે પણ વળગી રહી છે. ‘શિશુવિહાર’ શહેરની ૩૧૬ આંગણવાડીનાં ૮૦૦૦ બાળકોને અનુભવ શિક્ષણ સાથે જોડવા છેલ્લાં ૧૨ વર્ષથી બાલવાડી શિક્ષક તાલીમ અને સાધન સહાય યોજે છે. નગરપાલિકાની ૫૬ શાળાઓમાં વર્ષ ૨૦૦૯થી બાળ પુસ્તકાલયો મૂકી તેમાં પ્રતિવર્ષ ૧૦૦ પુસ્તકો ઉમેરી પુસ્તક આધારિત વાર્તા કથન અને ચિત્ર આલેખન થકી બાળ ચિત્રોનાં વાર્ષિક કૅલેન્ડરો પ્રકાશિત કરે છે. ગરીબીવશાત્ બાળક શિક્ષણથી મુખ્ય ધારામાંથી ભટકી ન જાય તે માટે છેલ્લાં ૧૫ વર્ષથી શિક્ષકો દ્વારા પસંદ કરેલ ૧૭૦૦ બાળકોને સ્કૂલ કીટ આપી તેઓના પરિવાર સાથે શિક્ષકોના માધ્યમથી સંપર્કમાં રહે છે. ‘શિક્ષકોનું સામાજિક ઉત્તરદાયિત્વ’ નામે યોજાતી આ પ્રવૃત્તિ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પુન: અનુકરણીય બની છે.

સેવાના માધ્યમથી કેળવણી અને શિક્ષણ સમજથી સ્વસ્થ માનવ ઘડતરની શિશુવિહારની યાત્રાને મૂલવતા આપણા ‘દર્શક’(મનુભાઈ પંચોળી) કહેતા, ‘ગુજરાતમાં બે માનભાઈ નથી, એક જ છે. તેમણે બાવડાના બળે બાળકો અને કામ શોધનારનું કામ કર્યું છે તે બીજે ક્યાંય નહીં મળે.’વિદ્યાર્થી ઘડતર માટે ૭૦૦ કરતાં વધુ આગવાં પ્રકાશનો નઈ તાલીમની શાળાઓમાં છાત્ર નિવાસ કરતી વિદ્યાર્થિનીઓને બાવન લાખથી વધુ શિક્ષણ સહાય, બાળકોના કૌશલ્ય વિકાસ માટે પ્રતિવર્ષ ૫૪ વર્કશોપ, વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર શિક્ષણ, રાત્રી શાળા, પ્રતિવર્ષ ૧૭૦૦થી વધુ કુપોષિત બાળકોને હૈદ્રાબાદ મિક્ષ્ચર પ્રકારે પોષક આહારનાં ૮ લાખથી વધુ ખોરાક પહોંચાડનાર શિશુવિહાર સંસ્થાની માનવસેવા અને શિક્ષણ પ્રવૃત્તિ જીવનઘડતરના બે મહત્ત્વનાં પાસાં બની રહ્યાં છે.

જર્મનીથી વિકસેલ બ્રેન મેપિંગથી ખ્યાલ આવે છે કે બાળકની ૮ વર્ષની વય દરમિયાન તેના મસ્તિષ્કમાં ન્યુરોન્સનાં કેન્દ્રોને લિંકેજીસ મળે છે. આ કામ તો જ થાય છે કે બાળક જાતે પ્રવૃત્ત થાય અને બાલવાડીનાં પ્રવૃત્તિ શિક્ષણ વિના વ્યક્તિ ઉંમરથી વધી જાય છે તો ૬૫-૭૦ વર્ષ પછી તે પાર્કિંગસન પ્રકારે મેટલ ડિસઓડર્સથી ઘેરાય છે. જે સમગ્ર વિશ્વના દેશોની સમસ્યા છે.
આઝાદીનાં ૭૫મા વર્ષે અમલી નવી શિક્ષણ નીતિમાં પણ બાળકનાં સ્વસ્થ વિકાસનો રાહ ચુકાઈ રહ્યો છે. ત્યારે ગિજુભાઈ બધેકા અને શિશુવિહારથી વિકસાવેલ જીવન શિક્ષણ શ્રેષ્ઠ વિકલ્પ બને છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top