India

દરભંગાની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં PG વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કાનમાં હેડફોન મળતાં કેસ બન્યો રહસ્યમય

હોસ્ટેલના રૂમમાંથી લટકતી હાલતમાં મળી વિદ્યાર્થીનીની લાશ, મોબાઇલ, હેડફોન અને કોલ ડિટેઇલ્સના આધારે પોલીસની તપાસ તેજ; આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

બિહારના દરભંગા શહેરમાં આવેલી એક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સૌથી વધુ રહસ્ય ત્યારે ઊભું થયું જ્યારે પોલીસને મૃતક વિદ્યાર્થીનીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો ત્યારે તેના કાનમાં હેડફોન લાગેલા હતા. આ અનોખી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે હવે મોબાઇલ ફોન, કોલ રેકોર્ડ, હેડફોન અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
ઘટના દરભંગા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં બની હતી. અને મૃતક વિદ્યાર્થીની પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી અને છેલ્લા કેટલાક સમયથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતાં શંકા વ્યક્ત કરી હતી.ત્યારબાદ સંચાલકોને જાણ કરવામાં આવી અને દરવાજો તોડીને અંદર પ્રવેશતા વિદ્યાર્થીનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો.

કાનમાં હેડફોન હોવાથી તપાસને મળ્યો નવો વળાંક
પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે સૌથી પહેલા જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું તે વિદ્યાર્થીનીના કાનમાં લાગેલા હેડફોન હતા.સામાન્ય રીતે આત્મહત્યાના કેસોમાં આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. તપાસ અધિકારીઓ હવે એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે ઘટનાના સમયે વિદ્યાર્થીની કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી કે પછી સંગીત સાંભળી રહી હતી.
ફોરેન્સિક ટીમે મોબાઇલ ફોન, હેડફોન, ચાર્જર રૂમમાં રહેલી અન્ય વસ્તુઓ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.મોબાઇલમાંથી છેલ્લી કોલ, ચેટ, સોશિયલ મીડિયા અને ડિજિટલ માહિતી મેળવવા માટે ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવશે. દરવાજો અંદરથી બંધ હતો પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. કોઈ સુસાઇડ નોટ મળી આવી છે કે નહીં તે અંગે અધિકારીઓએ સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. જો કે રૂમમાંથી મળેલા તમામ પુરાવા એકત્રિત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સમય અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે. હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.

પરિવારને જાણ થતાં શોકનો માહોલ
ઘટનાની માહિતી મળતાં જ વિદ્યાર્થીનીના પરિવારજનો દરભંગા પહોંચ્યા હતા. પરિવારજનોનો રડવાનો કલ્પાંત જોઈ હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પરિવારને સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે.પરિવારના સભ્યો અને નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી જાણી શકાય કે વિદ્યાર્થીની છેલ્લા કેટલાક દિવસોથી કોઈ માનસિક તણાવમાં હતી કે નહીં અથવા કોઈ અન્ય સમસ્યાનો સામનો કરી રહી હતી.

સહાધ્યાયીઓ પાસેથી પણ લેવાઈ રહી છે માહિતી
પોલીસ હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ તેમજ મૃતકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું મૃતક છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતી, કોઈ સાથે તેનો વિવાદ થયો હતો કે પછી અભ્યાસ અથવા વ્યક્તિગત જીવનને લઈને કોઈ દબાણમાં હતી. હોસ્ટેલ મેનેજમેન્ટ પાસેથી CCTV ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે જેથી ઘટનાના અગાઉ પછીની તમામ હિલચાલની તપાસ કરી શકાય. જો કોઈ વ્યક્તિ વિદ્યાર્થીનીના રૂમ સુધી આવ્યો હોય અથવા ત્યાંથી બહાર ગયો હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે.

ડિજિટલ પુરાવા પર પોલીસનું ખાસ ધ્યાન
આ સમગ્ર કેસમાં મોબાઇલ ફોન સૌથી મહત્વનો પુરાવો બની શકે છે. પોલીસ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR), મેસેજ, વોટ્સએપ ચેટ, સોશિયલ મીડિયા એક્ટિવિટી અને ઇન્ટરનેટ હિસ્ટ્રીની તપાસ કરશે. જો વિદ્યાર્થીની ઘટના પહેલાં કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં હતી તો તેની પણ પૂછપરછ કરવામાં આવશે.કાનમાં હેડફોન હોવાને કારણે તપાસ અધિકારીઓ હવે એ પણ જાણવા માંગે છે કે ઘટના પહેલાં કોઈ ઓડિયો કોલ, વીડિયો કોલ અથવા મ્યુઝિક એપ ચાલુ હતી કે નહીં. આ તમામ માહિતી ફોરેન્સિક લેબની મદદથી બહાર આવશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે વધુ ખુલાસા
પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. રિપોર્ટથી મૃત્યુનો સમય, કારણ અને અન્ય જરૂરી વૈજ્ઞાનિક માહિતી સામે આવશે. જો કોઈ શંકાસ્પદ બાબત સામે આવશે તો તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવશે.હાલમાં કેસને પ્રાથમિક રીતે આત્મહત્યાનો માનવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા પહેલાં કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં ગણાય.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશને શરૂ કરી તપાસ
દરભંગા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તમામ પુરાવા જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિવારજનો, હોસ્ટેલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. જો તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ માહિતી સામે આવશે તો તે આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા
આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું વિદ્યાર્થીની ખરેખર કોઈ ગંભીર માનસિક દબાણમાંથી પસાર થઈ રહી હતી? ઘટનાના સમયે તે કોની સાથે સંપર્કમાં હતી? કાનમાં હેડફોન શા માટે હતા? શું ઘટનાથી પહેલાં કોઈ મહત્વની વાતચીત થઈ હતી? આ તમામ પ્રશ્નોના જવાબ હવે પોલીસની ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ બાદ જ સામે આવશે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે દરેક એંગલથી તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવશે.

Most Popular

To Top