SURAT

મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવી છૂટાછેડા લેવડાવ્યા, લગ્નની વાત આવતા સુરતના વેપારીએ હાથ ઊંચા કર્યા

સુરતઃ ઉધનામાં રહેતા અને મોડલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે તેના મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પોતે પત્ની સાથે છુટાછેડા લઈ મિત્રની પત્નીને પણ પતિ સાથે છુટાછેડા લેવડાવી લગ્નની લાલચે શરીર સંબંધ બાંધી અંતે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. આખરે ભોગ બનનાર ત્યક્તાએ પુણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં ટોયોટાના શોરૂમની પાસે આવેલા શ્રીનાથ કોમ્પ્લેક્સમાં રહેતા 44 વર્ષીય અભિષેક પારસભાઇ કેડિયા મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 2009 માં અભિષેક કેડીયાની સલાબતપુરા ગુજરાત રેઝીંગ ખાતે ટેક્ષટાઇલ મોડેલીંગની ઓફિસ હતી.

અભિષેકનો મિત્ર તેની સાથે નોકરી કરતો હતો. ત્યારે પરિણીતા તેના પતિને ટિફિન આપવા જતી ત્યારે અભિષેક સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં પરિણીતા પતિ સાથે અવારનવાર અભિષેકના ઘરે જતા-આવતા હતા. વર્ષ 2016માં પરિણીતાનો પતિ સાથે પારિવારીક ઝઘડો થતા તેઓ અલગ રહેતા હતા.

દરમિયાન અભિષેક કેડીયાને ખબર પડતા પરિણીતા સાથે મિત્રતા કેળવી હતી. અવારનવાર ફોનથી તથા રૂબરૂમાં મળવાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં વર્ષ 2017માં અભિષેકે તેની પત્ની સાથે છુટાછેડા લીધા હતા. અને પરિણીતાને પણ તેના પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા હતા. અને લગ્ન કરવાની લાલચ આપી સલાબતપુરા ખાતે આવેલી તેની મોડલીંગની ઓફિસમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ લગ્નની લાલચે અવારનવાર ઘરે જઈને શરીર સંબંધ બાંધ્યા હતા. અભિષેકે તેના ઉધના ખાતે આવેલા ફ્લેટ પર બોલાવી ત્યાં પણ મરજી વિરુધ સંબંધ બાંધ્યો હતો.

પરિણીતાએ લગ્ન કરવા કહેતા ગલ્લાતલ્લા કરતો હતો. અભિષેક લગ્ન નહીં કરશે સમજી જતા તેણીએ અભિષેકને આપેલા 62 લાખ અને ગોલ્ડ લોન ખાતે ગીરવે મુકેલા 12 લાખની માંગણી કરી હતી. અભિષેકે તેના બદલે ઓગસ્ટ 2023માં 25 લાખ અને 27 લાખના બે ચેક આપ્યા હતા. બાકીના રૂપિયા પછી આપશે તેમ કહ્યું હતું. આ બંને ચેક બેંકમાં રિટર્ન થયા હતા. જેથી તેની વિરુધ કોર્ટમાં કેસ કર્યો હતો. બાદમાં અભિષેકે લગ્ન માટે ઇનકાર કરી દેતા પરિણીતાએ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

માતાની જમીન વેચાતા તેમાંથી પરિણીતાએ અભિષેકને 62 લાખ આપ્યા હતા, તે સિવાય સોનુ ગીરવે મૂકી 12 લાખ પણ આપેલા
અભિષેક કેડીયાએ પરિણીતા પાસેથી તેનો બિઝનેશ શરૂ કરવાના બહાને ઉછીના પૈસા માંગ્યા હતા. જે તે સમયે પરિણીતાની માતાની પલસાણા ખાતે આવેલી જમીનના વેચાણના પૈસા આવ્યા હતા. જે પૈસામાંથી ટુકડે ટુકડે કુલ 62 લાખ રૂપિયા પરિણીતાએ અભિષેકને રોકડા આપ્યા હતા. અને પોતાના ઘરેણા આઇ.એફ.એલ.ગોલ્ડ લોન ખાતે ગીરવે મુકાવી તેના મળેલા 12 લાખ રૂપિયા પણ અભિષેકને આપ્યા હતા.

Most Popular

To Top