Columns

સૌથી શ્રેષ્ઠ

એક જ ગુરુના બે શિષ્યો પ્રકાંડ પંડિત થયા.એક શિષ્ય, નામ સુગમ. પોતાની નાનકડી જમીન પર ખેતી કરી ખુશ રહે અને જે તેની પાસે આવે તેમની સમસ્યાઓના સમાધાન સમજાવે અને પોતાના ફાજલ સમયમાં નાનાં બાળકોને શીખવે અને હરિનામ ભજે.તે પ્રકાંડ પંડિત અને જ્ઞાની હતો, પણ તેને વિશેષ કંઈ મેળવી લેવાની લાલસા ન હતી. તે પોતાના જીવનમાં સુખી હતો.બીજો શિષ્ય, નામ વિશ્વમ. એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય અને પોતાની પંડિતાઈ દર્શાવી ઇનામો મેળવે. તેણે ઘણું ધન ભેગું કર્યું અને હજી વધુ ને વધુ ભેગું કરવામાં જ વ્યસ્ત હતો; ઘર, પરિવાર, મિત્રો, સંબંધીઓ માટે તેની પાસે સમય જ ન હતો. એક દિવસ વિશ્વમ સુગમના ખેતર પાસેથી પસાર થયો.ઘણા વખતે એકબીજાને મળીને બંને મિત્રો રાજી થયા.

સુગમે ઘણો આગ્રહ કર્યો એટલે વિશ્વમ આરામ કરવા રોકાયો.સુગમે તેને ગાયનું તાજું દૂધ પીવડાવ્યું.પછી બંને વાતો કરવા લાગ્યા. વિશ્વમ પોતે હાલમાં જ રાજદરબારમાં જે પ્રશ્નોત્તરી થઈ તેની વાતો અભિમાન સાથે કહી રહ્યો હતો.  વિશ્વમે કહ્યું , ‘પ્રશ્નોતરીમાં મેં જ સૌથી શ્રેષ્ઠ જવાબ આપ્યા. પહેલો પ્રશ્ન હતો… સૌથી શ્રેષ્ઠ લાગણી કઈ?,મેં જવાબ આપ્યો — ‘સૌથી શ્રેષ્ઠ લાગણી છે ‘સ્નેહ’…આપણે બધા માનવ માત્ર જ નહિ, પ્રાણીઓ અને પંખીઓ કે અન્ય કોઇ પણ જીવ આ લાગણી અનુભવે છે અને તેના આધારે જ જીવે છે.’મિત્રની વાત સાંભળી સુગમ ધીમેથી બોલ્યો, ‘મિત્ર, તારો જવાબ સારો છે પ્રેમ .

સ્નેહ એક ઉત્તમ લાગણી છે પણ તેમાં કયાંક ઝીણો સ્વાર્થ હોય જ છે. મારા મત મુજબ સૌથી શ્રેષ્ઠ લાગણી ‘ત્યાગ’છે, જે કંઈ ન લેતાં બધું આપી દે છે.’મિત્રનો જવાબ સાંભળી વિશ્વમ પણ બે ઘડી વિચારમાં પડી ગયો, પછી અભિમાનવશ આગળ બોલ્યો, ‘આગળ સાંભળ, બીજો પ્રશ્ન હતો પ્રેમ માટે સૌથી જરૂરી શું છે?  મેં જવાબ આપ્યો, ‘પ્રેમ માટે સૌથી જરૂરી છે સુંદરતા અને ત્રીજો પ્રશ્ન હતો માનવજીવન જીવવા માટે જરૂરી શું છે? મેં જવાબ આપ્યો ‘જીવન માટે સૌથી જરૂરી છે સંપત્તિ.’અને આ ત્રણ જવાબ આપવા માટે મને હજારો સોનામહોર ઇનામમાં મળી.’

સુગમ બોલ્યો, ‘દોસ્ત, આ બંને જવાબ બરાબર નથી.સુંદરતા તો આજે છે અને કાલે નથી.પ્રેમ માટે સૌથી જરૂરી છે ચરિત્ર. ચરિત્ર વિનાની સુંદરતા નકામી છે પણ તનની સુંદરતા ઓછી હોય પણ મન સુંદર હોય ત્યાં સાચો પ્રેમ શક્ય છે અને માનવજીવન માટે જરૂરી છે ‘માનવતા’ સંપત્તિ નહિ, પણ માનવતા સાચું અને સારું જીવન જીવતાં શીખવાડે છે.’સુગમના જવાબ સાંભળી વિશ્વમ મનોમન વિચારવા લાગ્યો કે મારા કરતાં આ મારો દોસ્ત સાચો જ્ઞાની છે. તે તેના પગમાં પડી ગયો અને બોલ્યો, ‘દોસ્ત, તારા જવાબ શ્રેષ્ઠ છે. આ ઇનામ તું રાખ અને મને શ્રેષ્ઠ શીખ આપ.’સુગમે કહ્યું, ‘દોસ્ત, મને ઇનામની જરૂર નથી અને તું યાદ રાખજે, જીવનમાં પરસ્પર સંબંધો જાળવવા જરૂરી છે. તું તારી સંપત્તિ પાછળની દોડ ઓછી કર અને સંબંધો જાળવજે.’
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top