1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની સતર્કતાથી સુરક્ષિત પુનઃમિલન
સુરત રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડેલી એક બાળકીનું 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિવાર સાથે સુરક્ષિત પુનઃમિલન કરાવ્યું હતું. બાળકી પાણી પીવા માટે જતા સમયે રસ્તો ભૂલી ગઈ હતી અને પરિવારથી અલગ પડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર એક બાળકી પરિવારથી છૂટી પડી હતી. આ અંગે માતાએ તાત્કાલિક 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી CHL ટીમે વિલંબ કર્યા વગર બાળકીની શોધખોળ શરૂ કરી હતી.ટીમ દ્વારા સૌપ્રથમ રેલવે સ્ટેશન પર સ્પીકર મારફતે બાળકી અંગે જાહેરાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્લેટફોર્મ નંબર-1 સહિત સ્ટેશનના અન્ય પ્લેટફોર્મ અને આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટીમની સતર્કતા અને ઝડપી કામગીરીના પરિણામે પ્લેટફોર્મ નંબર-1થી અન્ય પ્લેટફોર્મ તરફ જતા બ્રિજ નજીકથી બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી.બાળકી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે તે પાણી પીવા માટે ગઈ હતી, પરંતુ પરત ફરતી વખતે રસ્તો ભૂલી જતાં પરિવારથી વિખૂટી પડી ગઈ હતી. CHL ટીમે બાળકીને સુરક્ષિત સ્થળે લઈ જઈ તેનું પ્રાથમિક કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે બાળકીને હિંમત આપી તેને સુરક્ષિત હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
બાદમાં બાળકીની માતાને CHL કાર્યાલય ખાતે બોલાવવામાં આવી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમજ બાળ સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપીને બાળકીનું તેના પરિવારને સુરક્ષિત રીતે સોંપણું કરવામાં આવ્યું હતું.પોતાની વ્હાલી દીકરીને સહીસલામત પરત મળતાં માતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે સમયસર કરેલી કાર્યવાહી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઘટનામાં CHL ટીમની ઝડપી કાર્યવાહી અને સતર્કતાના કારણે પરિવારથી વિખૂટી પડેલી બાળકીનું ટૂંકા સમયમાં જ સુરક્ષિત પુનઃમિલન શક્ય બન્યું હતું.