India

ગણપતિ બાપ્પા મોરયા! દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ, વિઘ્નહર્તાના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ

‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયઘોષ સાથે આજે, 14 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગણેશ મંદિરો, ઘરો અને જાહેર પંડાલોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભગવાન ગણેશની પ્રતિમાના દર્શન અને પૂજા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાથી લઈને તમિલનાડુના પિલ્લૈયારપટ્ટી સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે.મુંબઈમાં ગણેશોત્સવનું વિશેષ મહત્વ છે અને અહીં ગણેશ ચતુર્થીના દિવસે લાલબાગચા રાજાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. લાલબાગચા રાજાના દર્શનને ભક્તો માટે વિશેષ માનવામાં આવે છે, જેના કારણે દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન અહીં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલાં ‘મુંબઈચા રાજા’ની પ્રથમ ઝલક પણ ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

બીજી તરફ તમિલનાડુના પિલ્લૈયારપટ્ટીમાં આવેલા પ્રસિદ્ધ કર્પગ વિનાયકર મંદિરમાં પણ ગણેશ ચતુર્થી નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. મંદિરની બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિશેષ પૂજા અને ભગવાન વિનાયકના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દેશના અલગ-અલગ ભાગોમાં પણ મંદિરો અને ગણેશ પંડાલોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ ગણેશ ચતુર્થીની ઉજવણી ખાસ અંદાજમાં કરવામાં આવી રહી છે. બાગુઈઆટી વિસ્તારમાં એક્ઝિક્યુટિવ પેલેસ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન દ્વારા આ વર્ષે ‘પરિવર્તન-વિકસિત બંગાળ તરફ’ થીમ સાથે ગણેશ ચતુર્થીનું આયોજન કરવામાં આવ્યું છે.

અહીં પણ ભક્તિ સાથે સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ગણેશ ચતુર્થીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણાવતા જણાવ્યું કે આ પવિત્ર પર્વ લોકોના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવે અને ભગવાન ગણેશના આશીર્વાદથી સૌના પ્રયાસો સફળ થાય. તેમણે દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી શુભકામના પણ વ્યક્ત કરી અને અંતમાં ‘ગણપતિ બાપ્પા મોરયા’નો જયઘોષ કર્યો.તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે પણ વિનાયક ચતુર્થી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કામના કરી કે આ પવિત્ર દિવસે શરૂ કરવામાં આવેલા સારા કાર્યો ભગવાન વિનાયકની કૃપાથી સફળ થાય અને દરેક પરિવારના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આવે.

આ વર્ષે ગણપતિ સ્થાપના માટે 14 સપ્ટેમ્બરે સવારે 11:03થી બપોરે 1:31 વાગ્યા સુધીનો શુભ સમય જણાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ઘરોમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરીને વિધિવત પૂજા કરવામાં આવી રહી છે. ગણપતિ સ્થાપના પહેલાં પૂજા સ્થળની સફાઈ કરી ચોખ્ખાઈ રાખવામાં આવે છે. ત્યારબાદ ચોકી પર લાલ અથવા પીળું કપડું પાથરી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. ઘરને ફૂલ, પાંદડા અને તોરણથી સજાવવામાં આવે છે, જ્યારે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું પણ શુભ માનવામાં આવે છે.ગણેશ ચતુર્થી સામાન્ય રીતે 10 દિવસ સુધી ચાલતો તહેવાર છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી શરૂ થતો આ ઉત્સવ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે પૂર્ણ થાય છે. આ દરમિયાન ઘરો ઉપરાંત મંદિરો અને જાહેર પંડાલોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે.ભક્તો ભગવાન ગણેશની પૂજા કરીને પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જીવનના તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરે છે. અનંત ચતુર્દશીના દિવસે ભક્તિ અને ભાવના સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવે છે.

Most Popular

To Top