World

સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયરને બચાવવા અનોખો પ્રયોગ, ઊનની ચાદરથી ઢાંકતા બરફનું પીગળવું 70% સુધી ઘટ્યું

ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયાભરના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. વધતું તાપમાન ગ્લેશિયરો માટે મોટો ખતરો બની રહ્યું છે અને સદીઓથી સ્થિર રહેલો બરફ પણ હવે ઝડપથી ઓગળવા લાગ્યો છે. ગ્લેશિયરને પીગળતા અટકાવવા માટે વૈજ્ઞાનિકો અલગ-અલગ પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ગ્લેશિયરના કેટલાક ભાગને ખાસ કપડાં અથવા પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકવામાં આવે છે, જેથી સૂર્યની ગરમી સીધી બરફ સુધી ન પહોંચે. હવે આ દિશામાં સ્વિટ્ઝર્લેન્ડમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં ગ્લેશિયરને ઘેટાના ઉનની ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો. આ પ્રયોગ સ્વિટ્ઝર્લેન્ડના લેસ ડાયબ્લેરેટ્સ વિસ્તારમાં આવેલા ત્સાનફ્લેઉરોન ગ્લેશિયર પર કરવામાં આવ્યો હતો. આ વિચાર માસ્ટર્સનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓએ રજૂ કર્યો હતો. તેમનો વિચાર હતો કે ઉનનો કચરો ફેંકવાને બદલે તેમાંથી ચાદર બનાવીને તેનો ઉપયોગ ગ્લેશિયરને સૂર્યની ગરમીથી બચાવવા માટે કરવામાં આવે. આ વિચારને બાદમાં લોજેન યુનિવર્સિટી, સ્વિસ ગ્લેશિયર મોનિટરિંગ નેટવર્ક અને પર્યાવરણ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓનો સહયોગ મળ્યો.

વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ શરૂઆતમાં આશરે 100 ચોરસ મીટરના વિસ્તારમાં ઉનની બે મોટી ચાદર બિછાવવામાં આવી હતી. પ્રયોગના પરિણામો સારા મળ્યા બાદ તેનો વિસ્તાર વધારીને 200 ચોરસ મીટર કરવામાં આવ્યો. ત્યાર બાદ સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન ગ્લેશિયરના ઢાંકેલા ભાગનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું. લગભગ દર બે અઠવાડિયે બરફની સ્થિતિ અને તેના પીગળવાના પ્રમાણનું રીડિંગ લેવામાં આવતું હતું. પ્રયોગના અંતે સામે આવેલા પરિણામો આશ્ચર્યજનક હતા. ઉનની ચાદરથી ઢાંકવામાં આવેલા ગ્લેશિયરના ભાગમાં સમગ્ર ઉનાળાની સીઝન દરમિયાન બરફનું પીગળવું અંદાજે 50થી 70 ટકા સુધી ઓછું જોવા મળ્યું. એટલે કે ચાદરથી ઢાંકવામાં આવેલા વિસ્તારમાં ગ્લેશિયરનો બરફ ખુલ્લા વિસ્તારમાંની સરખામણીએ ઘણો ઓછો પીગળ્યો.

ગ્લેશિયરને બચાવવા માટે સિન્થેટિક અથવા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની ચાદરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવી ચાદર સૂર્યની ગરમી અને બરફ વચ્ચે અવરોધ ઊભો કરીને પીગળવાની પ્રક્રિયા ધીમી કરે છે. જોકે, પ્લાસ્ટિકના લાંબા ગાળાના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થવાની શક્યતા રહે છે. તેની સરખામણીમાં ઉનની ચાદર કુદરતી સામગ્રીમાંથી બનેલી હોવાથી પર્યાવરણ માટે વધુ અનુકૂળ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ મેનેજર ટિમોથી સ્ટીનરના જણાવ્યા પ્રમાણે, ઘેટાના ઉનમાંથી આશરે 40થી 70 ટકા સુધીનો ભાગ વેસ્ટ તરીકે રહી જાય છે. આ વેસ્ટ ઉનનો ઉપયોગ કરીને ચાદર બનાવવામાં આવે તો એક તરફ કચરો ઓછો કરી શકાય અને બીજી તરફ તેનો ઉપયોગ ગ્લેશિયરના સંરક્ષણ માટે થઈ શકે છે. એટલે આ પ્રયોગમાં માત્ર ગ્લેશિયરને બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ ઉનના કચરાનો ઉપયોગ કરવાની શક્યતા પણ જોવા મળી રહી છે.

જોકે, આ પ્રયોગનું કદ હજુ ખૂબ નાનું છે. ત્સાનફ્લેઉરોન ગ્લેશિયરના માત્ર 200 ચોરસ મીટરના વિસ્તારમાં જ ઉનની ચાદર બિછાવવામાં આવી હતી. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તાર સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેશિયર વિસ્તારમાંના કુલ હિસ્સાની સરખામણીએ માત્ર 0.02 ટકા જેટલો છે. તેથી આ પરિણામોને મોટા પાયે લાગુ કરવા માટે હજુ વધુ સંશોધન અને લાંબા ગાળાના પ્રયોગોની જરૂર છે. વૈજ્ઞાનિકો એ વાત પણ સ્પષ્ટ કરી રહ્યા છે કે ઉનની ચાદર ગ્લેશિયરને બચાવવાનો કાયમી ઉકેલ નથી. ચાદર બિછાવવાથી ઉનાળામાં બરફનું પીગળવું ચોક્કસપણે ઘટાડી શકાય છે, પરંતુ સમગ્ર દુનિયામાં વધી રહેલા તાપમાનને રોક્યા વગર ગ્લેશિયરોને લાંબા સમય સુધી બચાવી શકાય તેમ નથી.

ગ્લેશિયર પૃથ્વીના પર્યાવરણ અને પાણીના સ્ત્રોત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનેક વિસ્તારોમાં ગ્લેશિયરમાંથી પીગળતું પાણી નદીઓ અને અન્ય જળસ્રોતોને પાણી પૂરું પાડે છે. જો ગ્લેશિયર સતત ઘટતા જશે તો ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા સહિત અનેક પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ કારણે ઉનની ચાદરનો પ્રયોગ ભલે નાનો હોય, પરંતુ ગ્લેશિયર સંરક્ષણ માટે એક રસપ્રદ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઉનના કચરાનો ઉપયોગ કરીને ગ્લેશિયરને બચાવવાની બેવડી શક્યતા આ પ્રયોગને મહત્વપૂર્ણ બનાવે છે. હવે સંશોધકો માટે સૌથી મોટો પડકાર એ છે કે આ પદ્ધતિને મોટા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં અને કેટલા સમય સુધી અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય. ગ્લેશિયરને બચાવવા માટે આવા સ્થાનિક ઉપાયો મદદરૂપ બની શકે છે, પરંતુ લાંબા ગાળે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવું અને પર્યાવરણને અનુકૂળ વિકાસ તરફ આગળ વધવું જરૂરી રહેશે. કારણ કે સદીઓથી ન પીગળેલો બરફ આજે જે ઝડપે પીગળી રહ્યો છે, તેને માત્ર ચાદરથી રોકી શકાય તેમ નથી.

Most Popular

To Top