વડોદરા-રત્નાગિરી ટ્રેનની 5 વર્ષ જૂની માંગ માટે PMને વિરોધ વિના રજૂઆતની વાત :
વિરોધની જાહેરાત વિના જ ફતેગંજ પોલીસે 5 કલાક ડિટેન કર્યાનો આક્ષેપ :
(પ્રતિનિધિ) વડોદરા, તા.9
વડોદરામાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને મહાડ-પોલાદપુર સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે. મંડળના પ્રમુખ વિજય જાધવને કોઈ કારણ વગર ડિટેઇન કરવામાં આવતા સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાથી રત્નાગિરી વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાની માંગ છેલ્લા 5 વર્ષથી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વડોદરા મુલાકાત દરમિયાન 5 મિનિટની મુલાકાત માટે મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ, આ અરજીનો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો અને તેમના દ્વારા કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. તેમ છતાં, ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા પ્રમુખ વિજય યાદવને તેમના ઘરેથી ઉઠાવીને 5 થી 6 કલાક સુધી ડિટેન કરી રાખવામાં આવ્યા હતા. આ અંગે મહારાષ્ટ્રીય સમાજના અગ્રણી કિશોરભાઈ કેસરકરે જણાવ્યું હતું કે, અમે કાયદાનું પાલન કરીએ છીએ. અમે માત્ર કલેક્ટરને 5 મિનિટની મુલાકાત માટે વિનંતી કરી હતી. કોઈ વિરોધની જાહેરાત ન હોવા છતાં અમારા પ્રમુખને ડિટેઇન કરવામાં આવ્યા. કયા આધારે અને કોના લેખિત કે મૌખિક હુકમથી આ કાર્યવાહી કરવામાં આવી તેનો ખુલાસો થવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે ન્યાય મેળવવા માટે જ અમે આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. સમાજે આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે.