SURAT

દવાના નામે ડ્રગ્સનું કેમિકલ મોકલવું ભારે પડ્યું, સુરતના વેપારીને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ, રૂ.20 લાખથી વધુનો દંડ

સુરતના એક કેમિકલ વેપારીને અમેરિકામાં ફેન્ટેનાઇલ નામના અત્યંત ઘાતક ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કેમિકલની ગેરકાયદે હેરાફેરીના કેસમાં મોટી સજા ફટકારવામાં આવી છે. અમેરિકન કોર્ટે સુરત સ્થિત કેમિકલ કંપનીના માલિક 37 વર્ષીય ભાવેશ લાઠિયાને 54 મહિનાની એટલે કે સાડા ચાર વર્ષ જેટલી જેલની સજા સંભળાવી છે. આ ઉપરાંત તેને 24,560 અમેરિકી ડોલર એટલે કે આશરે રૂ.20 લાખથી વધુનો દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેલની સજા પૂર્ણ થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે. આ સમગ્ર મામલો સુરતથી અમેરિકા અને મેક્સિકો સુધી કેમિકલ મોકલવાના નેટવર્ક સાથે જોડાયેલો છે. અમેરિકન તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ભાવેશ લાઠિયા પોતાની સુરત સ્થિત ‘રેક્સુટર કેમિકલ્સ’ કંપની મારફતે એવા રસાયણોનો સપ્લાય કરતો હતો, જેનો ઉપયોગ ફેન્ટેનાઇલના ઉત્પાદન માટે થઈ શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ રસાયણોને આંતરરાષ્ટ્રીય કુરિયર અને પાર્સલ મારફતે અમેરિકા મોકલવામાં આવતા હતા. તપાસ એજન્સીઓ અને કસ્ટમ્સની નજરથી બચવા માટે પાર્સલ પર તેમાં રહેલા કેમિકલની સાચી માહિતી આપવાને બદલે ખોટા નામ અને બનાવટી લેબલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ કેસમાં 29 જૂન, 2024ના રોજ મોકલવામાં આવેલા એક પાર્સલે તપાસ એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ન્યૂયોર્ક મોકલવામાં આવેલા આ પાર્સલ પર ‘વિટામિન C’ લખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિટામિન Cનો ઉપયોગ આરોગ્ય સંબંધિત ઉત્પાદનોમાં થતો હોવાથી આવું લેબલ તપાસથી બચવા માટે કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. જોકે, અમેરિકન અધિકારીઓએ પાર્સલની તપાસ કરતાં તેમાં ‘1-Boc-4-piperidone’ નામનું રસાયણ મળી આવ્યું હતું. તપાસમાં આ રસાયણ ફેન્ટેનાઇલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ કેમિકલ તરીકે સામે આવ્યું હતું. આ પછી અમેરિકન તપાસ એજન્સીઓએ સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ભાવેશ લાઠિયાની અમેરિકન એજન્સીના એક અંડરકવર અધિકારી સાથે વાતચીત પણ થઈ હતી. ઓક્ટોબર 2024 દરમિયાન થયેલી વીડિયો કોલમાં ભાવેશે આશરે 20 કિલો કેમિકલ સપ્લાય કરવાની વાત કરી હતી. તપાસથી બચવા માટે આ કેમિકલને સામાન્ય એસિડિટીની દવા એટલે કે એન્ટાસિડ તરીકે દર્શાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 23 નવેમ્બર, 2024ના રોજ આ પાર્સલ ન્યૂયોર્ક મોકલવામાં આવ્યું હતું.

અમેરિકન તપાસ એજન્સીઓએ આ સમગ્ર પ્રક્રિયાને ગંભીરતાથી લીધી હતી, કારણ કે ફેન્ટેનાઇલ અમેરિકામાં ડ્રગ ઓવરડોઝની મોટી સમસ્યા સાથે જોડાયેલું છે. ગેરકાયદે રીતે બનાવવામાં આવતું ફેન્ટેનાઇલ અત્યંત શક્તિશાળી અને જોખમી ડ્રગ છે. તેની ખૂબ જ ઓછી માત્રા પણ વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે. અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ફેન્ટેનાઇલના ગેરકાયદે ઉત્પાદન અને સપ્લાય સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ફેન્ટેનાઇલ બનાવવામાં ઉપયોગી રસાયણોની સપ્લાય કરનારાઓ સામે પણ તપાસ એજન્સીઓ કડક પગલાં લઈ રહી છે. અમેરિકન કોર્ટમાં ભાવેશ લાઠિયાએ ગેરકાયદે રીતે કેમિકલની હેરાફેરી અને ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગી મુખ્ય રસાયણનો સપ્લાય કરવાના ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોર્ટે તેને 54 મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટના નિર્ણય પ્રમાણે જેલની સજા પૂર્ણ થયા બાદ તેને ભારત પરત મોકલવામાં આવશે. આ સાથે જ તેને 24,560 અમેરિકી ડોલરનો દંડ પણ ચૂકવવો પડશે.

ન્યૂયોર્કના યુએસ એટર્ની જોસેફ નોસેલા જુનિયરે આ કેસ અંગે જણાવ્યું હતું કે અમેરિકામાં ફેન્ટેનાઇલના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો ડ્રગ ઓવરડોઝનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્ટેનાઇલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણોનો ગેરકાયદે સપ્લાય કરવો ગંભીર ગુનો છે. તેમના જણાવ્યા મુજબ, આવા લોકો ડ્રગ્સના કારણે થતી અસરોની પરવા કર્યા વગર આ પ્રકારના રસાયણો સપ્લાય કરતા હતા. હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સના એજન્ટ પીટ ગિઝાસે પણ આ કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, ભારત સ્થિત સપ્લાયર્સ દ્વારા ગેરકાયદે રીતે કરવામાં આવતા રસાયણોના સપ્લાય સામેની કાર્યવાહી મહત્વપૂર્ણ સફળતા છે. ડ્રગ્સનું ગેરકાયદે ઉત્પાદન શરૂ થાય અને તે બજાર સુધી પહોંચે તે પહેલાં જ તેની સપ્લાય ચેઇન તોડી પાડવાનો તપાસ એજન્સીઓનો મુખ્ય ઉદ્દેશ છે.

ફેન્ટેનાઇલ મૂળભૂત રીતે એક શક્તિશાળી સિન્થેટિક ઓપિયોઇડ છે. તબીબી ક્ષેત્રમાં તેનો ઉપયોગ ગંભીર પીડાની સારવાર માટે નિયંત્રિત રીતે કરવામાં આવે છે, પરંતુ ગેરકાયદે રીતે બનાવવામાં આવતું ફેન્ટેનાઇલ અત્યંત જોખમી હોય છે. અમેરિકામાં ખાસ કરીને ગેરકાયદે ફેન્ટેનાઇલના કારણે ડ્રગ ઓવરડોઝના કેસોમાં વધારો થયો છે. આ કારણોસર અમેરિકન એજન્સીઓ ફેન્ટેનાઇલના ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલા દરેક તબક્કા પર નજર રાખી રહી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેમિકલને સીધા તેના નામથી મોકલવાને બદલે સામાન્ય ઉપયોગની વસ્તુઓના નામે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક પાર્સલમાં વિટામિન Cનું લેબલ લગાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય પાર્સલને એસિડિટીની દવા તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હતો. આ રીતે આંતરરાષ્ટ્રીય કુરિયર અને કસ્ટમ્સની તપાસથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો.

અમેરિકન કોર્ટના આ નિર્ણય બાદ હવે સુરતના આ વેપારીને લાંબી જેલની સજા ભોગવવી પડશે. આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદે ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી રસાયણોની હેરાફેરી સામે તપાસ એજન્સીઓ કેટલી કડક બની છે તે પણ દર્શાવે છે. ખાસ કરીને ભારતમાં બેસીને વિદેશમાં નિયંત્રિત અથવા પ્રતિબંધિત રસાયણો મોકલવાના મામલે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વચ્ચેનું સંકલન પણ મહત્વનું બની રહ્યું છે. ભાવેશ લાઠિયાને મળેલી સજા બાદ આ પ્રકારની ગેરકાયદે સપ્લાય ચેઇન સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ તપાસ આગળ વધી શકે છે.

Most Popular

To Top