Gujarat

પૂરતા દસ્તાવેજ સાથે નહીં હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાશે

પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની રાજય સરકારે સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ – સર્વેલન્સ મોટા પાયે હાથ ધરાઇ રહી છે.

રાજય સરકાર સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હિલર અને થ્રી વ્હિલર તેમજ ફોર વ્હિલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી.

આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. આ રજૂઆતોના સંદર્ભમાં સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે. તદૃનુસાર ટુ વ્હિલર અને થ્રી વ્હિલર વાહનો માટે રૂ. ૫૦૦ અને ફોર વ્હિલર વાહનો માટે રૂ. ૧૦૦૦ નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે.

કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો ૧૫ દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે. રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.

Most Popular

To Top