Trending

પાકિસ્તાનમાં લોકપ્રિય ટિકટોકર શમ્સો બીબીની દિન દહાડે હત્યા

કાર પર હુમલાનો CCTV ના દ્ર્સ્યો સામે આવ્ય; રાજસ્થાની-હરિયાણવી અંદાજના વીડિયો હતા લોકપ્રિય

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલી ટિકટોકર શમ્સો બીબીની હત્યાના સમાચારથી ચકચાર મચી ગઈ છે. પાકિસ્તાનના તક્ષશિલા શહેરમાં 28 વર્ષીય શમ્સો બીબી, જે ‘આયશા ગિલામાના’ નામથી પણ જાણીતી હતી,ની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સોશિયલ મીડિયા પર તેમના 13 લાખથી વધુ ફોલોઅર્સ હતા.મળતી માહિતી પ્રમાણે, આ ઘટના 14 ઓગસ્ટના રોજ બની હતી. શમ્સો બીબી પોતાની બહેન અને ભાઈ સાથે કારમાં જઈ રહી હતી ત્યારે બજાર નજીક મોટરસાઇકલ પર આવેલા બે શખ્સોએ તેમની કારને રોકી હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં શમ્સો બીબીને ગોળી વાગતાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

CCTV ફૂટેજથી ઘટનાનો ખુલાસો : ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક કથિત CCTV ફૂટેજ વાયરલ થયો છે. અહેવાલ મુજબ, ફૂટેજમાં બે લોકો મોટરસાઇકલ પર આવી શમ્સો બીબીની કાર પાસે પહોંચતા અને ત્યારબાદ કાર પર હુમલો કરતા જોવા મળે છે. ફૂટેજની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે શમ્સો બીબીના પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, ઘટનાથી પહેલાં તેમને કાશિફ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને ઘરની બહાર આવવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પરિવારના સભ્યો સાથે કારમાં બહાર નીકળ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે, અગાઉ પૈસા પરત માંગવાને લઈને તેમને ધમકીઓ મળી હોવાનો પણ આરોપ છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

દેશી અંદાજના વીડિયોથી બનાવી હતી ઓળખ : શમ્સો બીબી સોશિયલ મીડિયા પર પોતાના અનોખા અને દેશી અંદાજના વીડિયોને કારણે જાણીતી બની હતી. તેમના વીડિયોમાં ગામડાનું સામાન્ય જીવન, ઘર-ગૃહસ્થિ, પશુઓની સંભાળ, ખેતરના દૃશ્યો અને પરંપરાગત રીતે ચુલા પર ભોજન બનાવતા દૃશ્યો જોવા મળતા હતા. તેઓ સ્થાનિક બોલીમાં વાત કરતી હોવાથી તેમની સાદગી અને ગામઠી અંદાજ દર્શકોને ખાસ પસંદ આવતો હતો.તેમના કન્ટેન્ટમાં રાજસ્થાની, હરિયાણવી શૈલીનો પ્રભાવ પણ જોવા મળતો હતો. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો તેમના વીડિયો જોતા અને તેમની સરળ જીવનશૈલી સાથે જોડાતા હતા. આ કારણે થોડા સમયગાળામાં જ તેઓ પાકિસ્તાનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા ક્રિએટર બની ગયા હતા.

ચાર શંકાસ્પદોની ધરપકડ : અહેવાલ અનુસાર, સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એવા બે લોકો પણ સામેલ હોવાનું જણાવાયું છે, જેમણે કથિત રીતે મુખ્ય હુમલાખોરને બચવામાં મદદ કરી હતી. પોલીસ હત્યાની પાછળના કારણો અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. શમ્સો બીબીના ભાઈ નિયામતુલ્લાહે પંજાબની મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. પરિવારનું કહેવું છે કે ઘટનાની ગંભીરતાથી તપાસ થાય અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

હત્યા બાદ ટિકટોક એકાઉન્ટ પણ ડિલીટ :હત્યા બાદ શમ્સો બીબીનું ટિકટોક એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પરિવારના જણાવ્યા મુજબ, હત્યાકાંડ બાદ એકાઉન્ટ હટાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેમની મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ હોવાથી આ ઘટનાની ચર્ચા ઝડપથી ફેલાઈ હતી.જો કે આ સમગ્ર ઘટના પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર સક્રિય મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા કરી રહી છે. જોકે, આ હત્યાને સોશિયલ મીડિયા પ્રવૃત્તિ સાથે સીધી રીતે જોડવાનું કારણ હજુ તપાસમાં સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા પૈસાના વિવાદ સહિતના વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

શમ્સો બીબીની હત્યાએ તેમના પરિવાર, ચાહકો અને સોશિયલ મીડિયા સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે. હાલ તો હવે પરિવાર અને તેમના ચાહકોની નજર પોલીસ તપાસ પર છે. ચાર શંકાસ્પદોની ધરપકડ બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને હત્યાનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

Most Popular

To Top