સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન હેઠળ શહેર પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. મહીધરપુરા, અમરોલી અને લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને પ્રતિબંધિત કોડેન સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 5.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મહીધરપુરા પોલીસે બાતમીના આધારે સીટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પાસે આવેલા પતરાના શેડમાં દરોડો પાડ્યો હતો. ત્યાં શંકાસ્પદ હાલતમાં ઊભેલા એક યુવકની તપાસ કરતાં તેની પાસેથી 9 કિલો 905 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે રૂ. 4.95 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી 26 વર્ષીય સિમાંચલ સંતોષ ગૌડાની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગાંજા ઉપરાંત રોકડ રકમ, મોબાઇલ ફોન, રેલવે ટિકિટ અને અન્ય સામાન પણ મળી આવ્યો હતો. કુલ રૂ. 5,06,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો આ જથ્થો ઓડિશાથી સુરતમાં વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. આ કેસમાં ઓડિશાના સાગર સ્વાંઇ અને મીટ્ટુ સ્વાંઇ નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમરોલી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. થોડા દિવસો પહેલાં ઉત્રાણ વિસ્તારમાંથી 3.79 ગ્રામ મેફેડ્રોન સાથે કેતન ઉર્ફે વકીલ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ફરાર હોવાનું સામે આવ્યું હતું.
અમરોલી પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે કોસાડ આવાસ વિસ્તારમાં દરોડો પાડીને 31 વર્ષીય મુસ્તકીમ ઉર્ફે મેમે હમીદ દિવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જ કેતનને વેચાણ માટે મેફેડ્રોન ડ્રગ્સ આપ્યાની કબૂલાત કરી હતી. પોલીસે હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે. લિંબાયત પોલીસે પણ પ્રતિબંધિત કોડેન સિરપના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે અનવરનગર બ્રિજ પાસે એક યુવક કોડેન સિરપનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન ઉમરવાડાના રહેવાસી 24 વર્ષીય ફરદીનખાન ફિરોજખાન પઠાણને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત કોડેન સિરપની 105 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 12,070ની કોડેન સિરપ અને રૂ. 8,000નો મોબાઇલ મળી કુલ રૂ. 20,070નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પૂછપરછ દરમિયાન ફરદીનખાને જણાવ્યું હતું કે તેણે આ કોડેન સિરપ સલાબતપુરા વિસ્તારના બાદલ નામના વ્યક્તિ પાસેથી મેળવી હતી અને તેને તાપીના વ્યારા ખાતે રહેતા યાસીન નામના વ્યક્તિ સુધી પહોંચાડવાની હતી. આ ડિલિવરી બદલ તેને રૂ. 1,000થી 1,500 સુધીનું કમિશન મળવાનું હતું. પોલીસે બાદલ અને યાસીનની શોધખોળ પણ શરૂ કરી છે. સુરત શહેર પોલીસે ત્રણેય કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ડ્રગ્સ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે વોન્ટેડ આરોપીઓ અને અન્ય સપ્લાયરોને ઝડપવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. શહેર પોલીસનું કહેવું છે કે યુવાધનને નશાની લતથી બચાવવા માટે ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે અને ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.