ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો સમાપન સમારોહ રવિવારે યોજાશે. 11 દિવસ સુધી ચાલેલી સ્પર્ધાઓના અંત સાથે ભારત માટે એક નવા અધ્યાયની શરૂઆત થશે. સમારોહ દરમિયાન અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન શહેર તરીકે જવાબદારી સોંપવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને કિંગ્સ બેટન હસ્તાંતર કરવામાં આવશે.
અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ
કોમનવેલ્થ ગેમ્સની 100મી આવૃત્તિ વર્ષ 2030માં યોજાવાની હોવાથી આ હેન્ડઓવર સમારોહ ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં ભારત પોતાની સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય આયોજનની ઝલક રજૂ કરશે. ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સમારોહમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપશે. તેમની હાજરી ભારત તરફથી સફળ આયોજનના સંકલ્પનું પ્રતિક માનવામાં આવી રહી છે.
ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે
હેન્ડઓવર સમારોહ દરમિયાન ભારતની સાંસ્કૃતિક ઓળખ રજૂ કરતી ત્રણ ખાસ રજૂઆતો કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ અંજલિથી થશે. ત્યારબાદ પ્રખ્યાત સિતારવાદક ઋષભ ઋખીરામ શર્મા અને સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સ્લીની જુગલબંધી આકર્ષણનું કેન્દ્ર બનશે. અંતિમ પ્રસ્તુતિમાં સમગ્ર ભારતની સાંસ્કૃતિક સફર રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાતને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે.
ગ્લાસગો 2026ના ચીફ માર્કેટિંગ અને સેરેમનીઝ ઓફિસર લુઇસા મહોને જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર ઔપચારિક હેન્ડઓવર નહીં, પરંતુ બે દેશોની સંસ્કૃતિને એક જ મંચ પર ઉજવતો વિશેષ ઉત્સવ હશે.
ભારતીય કલાકારો કરશે ભવ્ય રજૂઆત
સમાપન સમારોહમાં ગાયક શંકર મહાદેવન અને અભિનેત્રી રશ્મિકા મંદાના પણ ખાસ પ્રસ્તુતિ આપશે. ઉપરાંત ઋષભ ઋખીરામ શર્મા અને રોસ એન્સ્લીની સંયુક્ત રજૂઆત સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં સ્કોટલેન્ડના જાણીતા રોક બેન્ડ સિમ્પલ માઇન્ડ્સ ઉપરાંત ડેલ્ટા ગુડ્રેમ, BEMZ, કેમી બાર્ન્સ અને સેન્ડી થોમ જેવા કલાકારો પણ પોતાની રજૂઆત કરશે.
ભારતીય સમય મુજબ ક્યારે શરૂ થશે સમારોહ?
કોમનવેલ્થ ગેમ્સ 2026નો સમાપન સમારોહ ભારતીય સમય મુજબ 3 ઓગસ્ટે વહેલી સવારે 1:30 વાગ્યે શરૂ થશે. જ્યારે સ્થાનિક સમય મુજબ તે 2 ઓગસ્ટે રાત્રે 9:00 વાગ્યે ગ્લાસગોના OVO Hydro Arena ખાતે યોજાશે. અંદાજે 13,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આ ઇન્ડોર એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાશે.
2030 તરફ ભારતની નવી શરૂઆત
ગ્લાસગોમાં યોજાનારો આ સમારોહ માત્ર એક રમતોત્સવનો અંત નથી, પરંતુ અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030ની સત્તાવાર શરૂઆત પણ છે. વિશ્વ સમક્ષ ભારત પોતાની સંસ્કૃતિ, આયોજન ક્ષમતા અને વૈશ્વિક રમતગમત ક્ષેત્રે વધતી ભૂમિકાનો પરિચય કરાવશે.