988 શાળાઓ બંધ, પાંચ રોડ બંધ થતા ઘણા ગામોમાં માર્ગ કટઅપ
કસક, સ્ટેશન રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં પાણી; વાલિયા-નેત્રંગમાં નદીઓ ઓવરફ્લો, શિક્ષણ વિભાગ સતર્ક


ભરૂચ, તા. 23
હવામાન ખાતા દ્વારા ભરૂચ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાતાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે જિલ્લામાં જનજીવન પર અસર થઇ છે. પાણી ભરાવાને કારણે ગુરુવારે જિલ્લાની કુલ 988 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડી છે. સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયેલા નેત્રંગ તાલુકામાં તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.અને તા.24મી જુલાઈ (શુક્રવારે) રેડ એલર્ટ હોવાથી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાને પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આમોદ, જંબુસર અને વાગરા સિવાયના (6 તાલુકામાં) ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની 628 પ્રાથમિક શાળાઓ તેમજ 360 ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ અને CBSE માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. અન્ય તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિને આધારે શાળા સંચાલકોને નિર્ણય લેવા સૂચના આપી દેવાઈ છે
ભરૂચ શહેરમાં કસક, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ચાર રસ્તા સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગ બંધ થવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લામાં રસ્તાઓ બંધ થતાં ઘણા ગામો કટઅપ થઈ ગયા છે. વાલિયા તાલુકામાં ત્રણ રોડ બંધ થઇ ગયા છે.વાલિયાથી ડહેલી કીમ નદી પર ડાઇવર્ઝન પાણી ભરાતાં વાડી સુધીના લગભગ ગામો અને દેસાડ પાસે કીમ નદીનાં ડાઈવર્ઝન પર પાણી (Over Topping) ફરી વળ્યું છે.આમલાખાડીને કારણે હાંસોટ-અંકલેશ્વર રોડ પણ બંધ થઇ ગયો છે. જેને કારણે વહીવટીતંત્રએ સત્તાવાર ભરૂચ જીલ્લામાં પાંચ રોડ પર બંધ કરી દેવાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દેસાડ ,સોડગામ, અવિધા, અંકલેશ્વર, સજોદ, દિગસ, માટીએડ, અને હાંસોટ તાલુકાના અનેક ગામોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બચાવ કાર્યચાલની તૈયારીઓ કરી લીધી છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે
ભરૂચ જિલ્લામાં પાંચ માર્ગો બંધ કરાયા
૧ ) ડહેલી બ્રીજ(વાલિયા વાડી રોડ )
૨ ) રાજપરા બ્રીજ (વાલિયા વાડી રોડ ) ,
૩ ) દેસાડ બ્રીજ (વાલિયા દેસાડ ભામડીયા મોઝા રોડ)
૪ ) કુંડવા ખાડી (રાજપારડી અવિધા રોડ )
૫ ) અંકલેશ્વર હાંસોટ રોડ (આમલાખાડી કારણે)