ભારતમાં ડેન્ગ્યુ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. દેશમાં પહેલીવાર ડેન્ગ્યુની રસીને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ જાપાનની તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયાની ડેન્ગ્યુ વેક્સિન QDENGA (TAK-003)ને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે હવે ડેન્ગ્યુથી બચાવ માટે દેશને પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત રસી મળી ગઈ છે. કંપનીના જણાવ્યા મુજબ, QDENGA 4થી 60 વર્ષ સુધીના લોકો માટે ઉપયોગી રહેશે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસ કરાવવાની જરૂર નથી. એટલે કે પ્રી-વેક્સિનેશન સ્ક્રીનિંગ વિના પણ આ રસી આપી શકાય છે. આ રસીને મંજૂરી આપવા પહેલાં તાકેડાએ વૈશ્વિક સ્તરે વ્યાપક ક્લિનિકલ ટ્રાયલ્સ કર્યા હતા. ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3 સહિત કુલ 19 ક્લિનિકલ ટ્રાયલમાં 28 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ટ્રાયલના પરિણામોના આધારે ભારતે પણ આ રસીને મંજૂરી આપી છે. QDENGA બે ડોઝમાં આપવામાં આવે છે. દરેક ડોઝ 0.5 મિલીલીટરનો હોય છે અને તેને ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવામાં આવે છે, જેથી શરીરમાં ડેન્ગ્યુ સામે અસરકારક રોગપ્રતિકારક શક્તિ વિકસે.
ભારત માટે વધુ એક સારા સમાચાર એ છે કે આ વેક્સિનનું ઉત્પાદન દેશમાં જ થશે. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ જાપાનની તાકેડાએ હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઇ કંપની સાથે ઉત્પાદન માટે કરાર કર્યો છે. દેશમાં ઉત્પાદન થવાને કારણે રસીનો પુરવઠો સરળ રહેશે અને ઉપલબ્ધતા પણ ઝડપથી વધશે. હાલમાં કંપનીએ વેક્સિનની ચોક્કસ કિંમત જાહેર કરી નથી, પરંતુ સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાને કારણે તેની કિંમત સામાન્ય લોકો માટે પરવડે તેવી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજારમાં લોન્ચ થયા બાદ શરૂઆતના છ મહિના સુધી રસીની અસર અને સલામતી પર પણ સતત નજર રાખવામાં આવશે. ભારત વિશ્વના સૌથી વધુ ડેન્ગ્યુ પ્રભાવિત દેશોમાં સામેલ છે. દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે અને હજારો લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ વાયરસના ચારેય સીરોટાઇપ સક્રિય હોવાથી સંક્રમણનું જોખમ વધુ રહે છે.
તાકેડાના મેડિકલ અફેર્સ વિભાગના પ્રમુખ ગોહ ચૂ બેંગે જણાવ્યું હતું કે QDENGA ખાસ કરીને ડેન્ગ્યુ વાયરસના ચારેય સીરોટાઇપ સામે રક્ષણ પૂરું પાડવા માટે વિકસાવવામાં આવી છે. તેમના મતે, આ વેક્સિન ડેન્ગ્યુ નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ડેન્ગ્યુ પ્રભાવિત વિસ્તારોમાં QDENGAના ઉપયોગની ભલામણ કરી છે. WHOનું માનવું છે કે જ્યાં ડેન્ગ્યુનું સંક્રમણ વધુ હોય ત્યાં આ રસીને પ્રી-વેક્સિનેશન સ્ક્રીનિંગ વિના પણ જાહેર રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત QDENGAને WHOની પ્રી-ક્વોલિફિકેશન પણ મળી ચૂકી છે. તેનો અર્થ એ થાય છે કે આ રસી ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતાના આંતરરાષ્ટ્રીય ધોરણો પર ખરી ઉતરી છે. આ કારણે યુનિસેફ (UNICEF) અને પાન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન (PAHO) જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ તેની ખરીદી કરી શકશે.
ડેન્ગ્યુ એ એડિસ મચ્છરથી ફેલાતો વાયરલ રોગ છે અને હાલમાં વિશ્વના 125થી વધુ દેશોમાં તેનો પ્રકોપ જોવા મળે છે. ઝડપથી વધી રહેલું શહેરીકરણ, આબોહવા પરિવર્તન અને મચ્છરોના વધતા પ્રજનનને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાયો છે. તજજ્ઞોનું કહેવું છે કે માત્ર રસી પૂરતી નથી. ડેન્ગ્યુ સામે અસરકારક લડત માટે મચ્છર નિયંત્રણ, સ્વચ્છતા, પાણી ભરાયેલા સ્થળો દૂર કરવું, જનજાગૃતિ અને સમયસર સારવાર જેવી બાબતો પણ એટલી જ જરૂરી છે. QDENGAને મંજૂરી મળવાથી ડેન્ગ્યુ સામેનું રક્ષણ વધુ મજબૂત બનશે, પરંતુ જાહેર આરોગ્યના અન્ય પગલાંઓ પણ સમાન મહત્વ ધરાવે છે. ભારતમાં પ્રથમ વખત ડેન્ગ્યુની વેક્સિનને મંજૂરી મળવી આરોગ્ય ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. દેશમાં જ ઉત્પાદન થવાને કારણે આગામી સમયમાં લાખો લોકોને ડેન્ગ્યુ સામે સુરક્ષા મેળવવામાં મદદ મળશે અને રોગના વધતા બોજને ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ફાળો મળી શકે છે.