મોજતબા નહીં પરંતુ પરિવારનો જ આ સભ્ય નીકળ્યો
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન એક રહસ્યમય નકાબપોશ વ્યક્તિને લઈને વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ હતી.સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે તે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ છે,પરંતુ સામે આવેલી માહિતી મુજબ તે મોજતબા નહીં પરંતુ ખામેનેઈ પરિવારનો અન્ય સભ્ય હતો.
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન એક નકાબપોશ વ્યક્તિની હાજરીએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. ખાસ કાળા માસ્ક અને ટોપી પહેરેલી આ વ્યક્તિ અંતિમવિધિ દરમિયાન આગળની હરોળમાં બેઠેલી જોવા મળતાં અનેક લોકોએ અનુમાન લગાવ્યું હતું કે તે મોજતબા ખામેનેઈ હોઈ શકે છે. કારણ કે અલી ખામેનેઈના નિધન બાદ મોજતબા લાંબા સમયથી જાહેરમાં જોવા મળ્યા નહોતા. પરંતુ હવે આ સસ્પેન્સનો અંત આવ્યો છે. જો કે વિવિધ મીડિયા અહેવાલો અને ઈરાન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ અંતિમવિધિમાં દેખાયેલો નકાબપોશ વ્યક્તિ મોજતબા ખામેનેઈ નહોતો. તેની ઓળખ મોહમ્મદ જવાદ ખામેનેઈ તરીકે થઈ છે, જે અલી ખામેનેઈના સૌથી મોટા પૌત્ર અને તેમના મોટા પુત્ર મુસ્તફા ખામેનેઈના પુત્ર છે.
અહેવાલો અનુસાર મોહમ્મદ જવાદ પણ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના ચહેરા પર ગંભીર દાઝ અને ઈજાઓ થઈ હોવાથી તેણે અંતિમવિધિ દરમિયાન કાળો માસ્ક પહેર્યો હતો. આ જ કારણસર લોકો તેને મોજતબા ખામેનેઈ સમજી બેઠા હતા. મહત્વનું છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા, ઈઝરાયલે ઈરાનના ઉચ્ચ નેતૃત્વને નિશાન બનાવી સંયુક્ત હુમલો કર્યો હતો. આ હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું. હુમલા દરમિયાન તેમના પરિવારના અનેક સભ્યો પણ અસરગ્રસ્ત થયા હતા.
અહેવાલો મુજબ મોજતબા ખામેનેઈ પણ તે સમયે રહેણાંક સંકુલમાં હાજર હતા પરંતુ તેઓ અલગ રૂમમાં હોવાથી બચી ગયા હતા, જોકે તેમને પણ ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા, પરંતુ ત્યારથી તેઓ જાહેરમાં દેખાયા નથી. લાંબી ગેરહાજરીને કારણે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે તેઓ હજુ સારવાર હેઠળ છે, જ્યારે કેટલાકે સુરક્ષા કારણોસર તેમને જાહેર કાર્યક્રમોથી દૂર રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું.
અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન પણ મોજતબા જાહેરમાં હાજર રહ્યા નહોતા. તેમના નામે માત્ર લેખિત સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવાની વાત કરી હતી. તેમની ગેરહાજરીએ વધુ ચર્ચા જગાવી હતી અને નકાબપોશ વ્યક્તિને લઈને સોશિયલ મીડિયા પર અનેક દાવા થયા હતા.અંતિમવિધિ દરમિયાન કાળા માસ્કમાં બેઠેલી વ્યક્તિના ફોટા, વીડિયો ઝડપથી વાયરલ થયા હતા.ઘણા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોએ શરૂઆતમાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે કદાચ સુરક્ષા કારણોસર મોજતબા ખામેનેઈએ ચહેરો ઢાંક્યો હશે. પરંતુ બાદમાં પરિવાર અને ઈરાની સૂત્રોમાંથી મળેલી માહિતીથી સ્પષ્ટ થયું કે તે મોહમ્મદ જવાદ ખામેનેઈ હતા.
અહેવાલો મુજબ મોહમ્મદ જવાદને હુમલા દરમિયાન ચહેરા પર ગંભીર દાઝ લાગી હતી. આ કારણે તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે નહીં પરંતુ ઈજાઓને કારણે માસ્ક પહેર્યો હતો. આ નાની બાબત જ વિશ્વભરમાં મોટી અટકળોનું કારણ બની ગઈ હતી.બીજી તરફ મોજતબા ખામેનેઈની તબિયત અને તેમની રાજકીય ભૂમિકાને લઈને હજુ પણ અનેક પ્રશ્નો ઉભા છે. કેટલાક અહેવાલો મુજબ તેઓ હુમલામાં થયેલી ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓની સલાહને કારણે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા નથી. છતાં તેઓ પરદાની પાછળથી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા હોવાનું કહેવાય છે.
વિશ્લેષકોનું માનવું છે કે નવા સર્વોચ્ચ નેતા તરીકે મોજતબાની જાહેર ગેરહાજરી ઈરાન માટે રાજકીય પડકાર બની શકે છે. દેશ આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દબાણનો સામનો કરી રહ્યો છે, સર્વોચ્ચ નેતાનું સતત જાહેરમાં ન દેખાવું સામાન્ય લોકોમાં સવાલો ઉભા કરી રહ્યું છે.અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં લાખો લોકો જોડાયા હતા. અંતિમયાત્રા અને ધાર્મિક વિધિઓ દરમિયાન ઈરાનના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ મોજતબાની ગેરહાજરી સમગ્ર સમારોહનું સૌથી મોટું ચર્ચાનું કેન્દ્ર બની હતી.
હવે નકાબપોશ વ્યક્તિની ઓળખ સામે આવ્યા બાદ એક રહસ્યનો અંત આવ્યો છે, જોકે મોજતબા ખામેનેઈ ક્યારે જાહેરમાં આવશે તે અંગે હજુ પણ સ્પષ્ટતા થઈ નથી. હાલમાં તો સ્પષ્ટ થયેલી માહિતી મુજબ, અંતિમવિધિમાં દેખાયેલો રહસ્યમય નકાબપોશ વ્યક્તિ મોજતબા ખામેનેઈ નહોતો, પરંતુ તેમના ભત્રીજા અને અલી ખામેનેઈના મોટા પૌત્ર મોહમ્મદ જવાદ ખામેનેઈ હતા. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, પરંતુ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબાની ગેરહાજરીને લઈને ચર્ચા હજુ યથાવત છે.