27 લોકોના કરુણ મોત, 63 ઘાયલ; 22ની હાલત અત્યંત ગંભીર
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં મધરાતે એક લોકપ્રિય પબમાં લાગેલી ભીષણ આગે વિનાશ સર્જ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 63 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી 22 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ બાદ થયેલા વિસ્ફોટને આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર તપાસ હજુ ચાલુ છે.
થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં રવિવાર મોડી રાત્રે એક ભયાનક અગ્નિકાંડ સર્જાયું, જેમાં લોકપ્રિય ના લાટ ફ્રાઓ (Na Ladphrao) પબ પળવારમાં આગની લપેટમાં આવી ગયો. રાત્રે લગભગ 11:57 વાગ્યે શરૂ થયેલી આ ઘટનાએ થોડી જ મિનિટોમાં સમગ્ર ઇમારતને ઘેરી લીધી હતી. અંદર મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો અને અનેક લોકો બહાર નીકળવાનો માર્ગ શોધતા ધુમાડામાં ફસાઈ ગયા.અધિકારીઓના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 27 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત 63 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે 22 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અથવા ધુમાડો શ્વાસમાં જતાં તેમની સ્થિતિ નાજુક છે. કેટલાક દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તેમની સતત સારવાર ચાલી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ લાગતા પહેલાં સ્ટેજ નજીક આવેલા ઇલેક્ટ્રિકલ સર્કિટ બોર્ડમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અચાનક વીજ પુરવઠો બંધ થઈ ગયો અને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. થોડી જ ક્ષણોમાં આખા પબમાં ધુમાડો અને આગ ફેલાઈ જતાં લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા. અંધકાર અને ગાઢ ધુમાડાના કારણે ઘણા લોકોને બહાર નીકળવાનો રસ્તો પણ દેખાતો ન હતો.ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. જોકે તે સમય સુધીમાં અંદર ભારે નુકસાન થઈ ચૂક્યું હતું. બચાવકર્મીઓએ જણાવ્યું કે મોટાભાગના લોકોનું મોત આગ કરતાં વધુ ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બચાવ કામગીરી દરમિયાન સૌથી હૃદયદ્રાવક દૃશ્ય ત્યારે સામે આવ્યું જ્યારે અનેક મૃતદેહો પબના પાછળના ભાગમાં આવેલા ટોયલેટ નજીકથી મળી આવ્યા. પ્રાથમિક અનુમાન મુજબ આગ અને ધુમાડાથી બચવા માટે લોકો ટોયલેટ તરફ દોડી ગયા હતા, પરંતુ બહાર નીકળવાનો રસ્તો ન મળતા તેઓ અંદર જ ફસાઈ ગયા. ઘટનાના સમયે પબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બેન્ડના સભ્યોએ જણાવ્યું કે વીજળી જતાં થોડા જ સેકન્ડમાં વિસ્ફોટ થયો અને ત્યારબાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. કેટલાક કલાકારો અને સ્ટાફ પણ આગમાં ફસાયા હતા, જેમાંથી કેટલાકના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આગનું ચોક્કસ કારણ શોધવા ફોરેન્સિક તેમજ અગ્નિશામક વિભાગની વિશેષ ટીમોને કામે લગાડવામાં આવી છે.જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.બેંકોકના ગવર્નરે જણાવ્યું કે અનેક ઘાયલોની ઓળખ હજુ થઈ શકી નથી,કારણ કે તેઓ બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અથવા તેમની પાસે ઓળખપત્ર નહોતાં. આ માટે ખાસ નોંધણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેથી પરિવારજનો પોતાના સ્વજનો વિશે માહિતી મેળવી શકે.
પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખામી અથવા શોર્ટ સર્કિટને આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો જોયો હોવાનો દાવો કર્યો છે. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવશે.આ ઘટનાએ થાઈલેન્ડમાં જાહેર મનોરંજન સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અગાઉ પણ વર્ષ 2022માં એક મ્યુઝિક પબમાં લાગેલી આગમાં અનેક લોકોના મોત થયા હતા, જ્યારે 2009માં બેંકોકના સેન્ટિકા નાઇટક્લબમાં લાગેલી આગમાં 60થી વધુ લોકોનાં જીવ ગયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ બાદ પણ સુરક્ષા ધોરણોનું કડક પાલન થતું નથી.
સ્થાનિક પ્રશાસને શહેરના તમામ પબ, બાર અને નાઇટક્લબમાં તાત્કાલિક ફાયર સેફ્ટી ઓડિટ કરવાનો નિર્ણય લીધો છે. ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એલાર્મ, સ્પ્રિંકલર સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગની ખાસ તપાસ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ દુર્ઘટના બાદ સમગ્ર થાઈલેન્ડમાં શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય અને ઘાયલોની સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી છે.
બેંકોકના આ ભયાનક અગ્નિકાંડએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભીડભાડવાળા મનોરંજન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થામાં નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગનું ચોક્કસ કારણ અને જવાબદારો સામે આવશે, પરંતુ હાલ સમગ્ર દેશનું ધ્યાન ઘાયલોની સારવાર અને મૃતકોના પરિવારજનોને સહાય પહોંચાડવા પર કેન્દ્રિત છે.