સુરત શહેર હજુ થોડા દિવસો અગાઉ પડેલા ભારે વરસાદ અને ખાડીપૂરની સ્થિતિમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યું નથી, ત્યાં શહેરમાં વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના BRTS રૂટ પર રવિવારે એક સિટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રસ્તો ધસી પડતા અંદાજે 30થી 35 ફૂટ ઊંડો વિશાળ ભુવો પડી ગયો હતો. આ ઘટનામાં બસના પાછળના ટાયર ભુવામાં ફસાઈ જતાં બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ પોતાના નિયમિત રૂટ પર આગળ વધી રહી હતી. તે દરમિયાન કોઈ પૂર્વ સંકેત વિના રસ્તાનો એક મોટો ભાગ અચાનક ધસી પડ્યો. સિટી બસનો પાછળનો ભાગ ભુવામાં ફસાઈ ગયો હતો, જ્યારે આગળનો ભાગ રસ્તા પર જ રહ્યો હતો. આ દૃશ્ય જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
સદનસીબે બસ સંપૂર્ણપણે ખાડામાં ખાબકી નહોતી. જો આખી બસ 35 ફૂટ ઊંડા ભુવામાં ખાબકી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. બસના ડ્રાઇવરે સમયસર વાહન પર કાબૂ રાખતા અને મુસાફરોને ગભરાવા ન દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારબાદ બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બસને બહાર કાઢવા માટે ક્રેન સહિતના ભારે મશીનો બોલાવવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલાં જ આ સ્થળે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી જમીન અંદરથી પોલી બની ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદ બાદ આ ભાગ નબળો પડતાં આખો રસ્તો ધસી પડ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના રોડકામ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવતા રસ્તાઓ થોડા જ સમયમાં ધસી પડતા હોવાના બનાવો છેલ્લા કેટલાક સમયથી સતત સામે આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર રસ્તા બેસી જવા, ભુવા પડવા અને ડ્રેનેજ લાઇન ધસી પડવાની ઘટનાઓને કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું હતું કે આટલી ગંભીર ઘટના બન્યા છતાં જવાબદાર અધિકારીઓ અને શહેરના મેયર ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. જેના કારણે લોકોમાં તંત્ર સામે વધુ નારાજગી જોવા મળી હતી. સ્થાનિકોએ માંગ કરી હતી કે આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં ક્યાંક રસ્તા ધસી પડે છે તો ક્યાંક અચાનક ભુવા પડી રહ્યા છે. આવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સિટી બસના ટાયર ભુવામાં ફસાયા છતાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં આવી જ ઘટનામાં કોઈ નિર્દોષનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા, રોડ નિર્માણની દેખરેખ અને વરસાદ બાદના મેન્ટેનન્સ અંગે ગંભીર ચર્ચા જગાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે ડ્રેનેજ લાઇન, પાણીની પાઇપલાઇન અથવા અન્ય ભૂગર્ભ કામગીરી બાદ રસ્તાનું વૈજ્ઞાનિક રીતે પુનઃનિર્માણ અને તેની ગુણવત્તાની ચકાસણી કરવી જરૂરી છે. નહીં તો આવા ભુવા પડવાની ઘટનાઓ ભવિષ્યમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલ તંત્ર દ્વારા ભુવો પડવાનું ચોક્કસ કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આસપાસના વિસ્તારનું ટેક્નિકલ નિરીક્ષણ પણ હાથ ધરાયું છે જેથી અન્ય કોઈ સ્થળે આવી સ્થિતિ ન સર્જાય.