Vadodara

GSFC યુનિવર્સિટી પાસે કાળ બનીને આવેલા ડમ્પરે સ્કૂટી સવાર મહિલાને કચડી નાખ્યા

હેલ્મેટ પહેર્યું હોવા છતાં ગંભીર ઈજાઓ થતા હેમાબેન પંડ્યાનું ઘટનાસ્થળે જ કરુણ મોત, ટાટા મોટર્સમાં નોકરીએ જતા હતા

(પ્રતિનિધિ), વડોદરા. તા.૯

વડોદરા :- શહેરના છાણી વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. દશરથ ગામ પાસે આવેલી GSFC યુનિવર્સિટીના ગેટ સામેના બ્રિજ પર પુરઝડપે જતાં એક બેફામ ડમ્પર ચાલકે સ્કૂટર પર નોકરી પર જઈ રહેલા મહિલાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, છાણી વિસ્તારમાં આવેલા પ્રીત બંગલોમાં રહેતા હેમાબેન પરેશભાઈ પંડ્યા દરરોજની જેમ આજે સવારે પણ પોતાના સ્કૂટર પર નોકરી પર જવા નીકળ્યા હતા. તેઓ રણોલી ખાતે આવેલી ટાટા મોટર્સમાં ફરજ બજાવતા હતા. તેઓ દશરથ ગામ નજીક GSFC યુનિવર્સિટી પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરઝડપે આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે હેમાબેન ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. તેમણે સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરેલું હતું, છતાં પણ ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલા જ તેમનો પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ બનાવને પગલે ત્યાંથી પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ છાણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે બેફામ ડમ્પર ચાલકને પકડી પાડી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કામ પર જઈ રહેલી મહિલાનું આ રીતે અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Most Popular

To Top