વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દેશોના પ્રવાસે છે. આ પ્રવાસમાં હાલ તેઓ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેર પહોંચ્યા છે, જ્યાં તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ અને ઊર્જા ક્ષેત્રે સહકાર વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. બંને દેશોએ ભવિષ્ય માટે મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો છે. હાલ દુનિયા અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટ જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે મળીને આગળ વધવું જરૂરી છે, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. આ મુલાકાત દરમિયાન વેપાર, રોકાણ, સુરક્ષા અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

મેલબર્નમાં ભારતીય સમુદાયે પણ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રસિદ્ધ ડિડગેરીડુ વાદક રોન મરે અને તબલા વાદક ડૉ. સેમ ઇવાન્સે સંગીત રજૂ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત સિમ્ફની ઓર્કેસ્ટ્રાએ “વંદે માતરમ”ની ધૂન વગાડીને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું. વડાપ્રધાન મોદી આજે મેલબર્નના માર્વેલ સ્ટેડિયમમાં લગભગ 40 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને રોકાણની ઘણી નવી તકો ઉપલબ્ધ છે. બંને દેશો હવે વ્યાપક આર્થિક સહયોગ કરાર (CECA) તરફ આગળ વધી રહ્યા છે. આ કરારથી બંને દેશોના વેપારીઓને નવા બજારો સુધી પહોંચવાની વધુ સારી તક મળશે અને વેપાર વધુ સરળ બનશે.

તેમણે જણાવ્યું કે ભારત સરકારે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ક્વોન્ટમ ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં 10 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. બંને દેશો ડેટા સેન્ટર, AI, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મળીને વૈશ્વિક સ્તરે નવી તક ઊભી કરી શકે છે. વડાપ્રધાને પરમાણુ ઊર્જા ક્ષેત્રે પણ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતે થોડા સમય પહેલાં પરમાણુ ઊર્જા ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું છે. દેશે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે. ઓસ્ટ્રેલિયા પાસે યુરેનિયમનો મોટો ભંડાર હોવાથી આ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ વધવાની મોટી સંભાવનાઓ છે.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અંગે પણ પીએમ મોદીએ મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સ્વાભાવિક ભાગીદારી છે. ડીકિન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગે ગુજરાતની GIFT સિટીમાં પોતાના કેમ્પસ શરૂ કર્યા છે, જે ભારત પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે. હવે બંને દેશોએ વિદ્યાર્થીઓના વિનિમયને આગળ વધારી તેને ટેલેન્ટ પાર્ટનરશિપમાં ફેરવવાનો પ્રયાસ કરવો જોઈએ.
તેમણે કહ્યું કે ભારતના નાના શહેરો, રાજ્યો, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગોને પણ આ ભાગીદારીમાં જોડવાની જરૂર છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ક્રિટિકલ મિનરલ્સ અને ભારતના ગુજરાત તથા ઓડિશાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને જોડીને બંને દેશો નવી તકો ઊભી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહયોગ અને વેપાર કરાર (ECTA) બાદ બંને દેશો વચ્ચે વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતની ઓસ્ટ્રેલિયા તરફની નિકાસ લગભગ બમણી થઈ છે. વર્ષ 2020-21માં જે વેપાર આશરે 4 અબજ અમેરિકી ડોલર હતો, તે વધીને 2024-25માં લગભગ 8.5 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો છે. પીએમ મોદીનો આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ વેપાર, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ, ઊર્જા અને સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.