બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. 61 વર્ષની ઉંમરે આમિર ખાને ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. બંનેએ 5 જુલાઈના રોજ મુંબઈના પાલી હિલ સ્થિત આમિરના નિવાસસ્થાને પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ બંનેની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ ભાવુક જોવા મળી રહ્યા છે. આમિર ખાનના લગ્ન ઘણા દિવસોથી ચર્ચામાં હતા. અભિનેતાએ થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે તેઓ ભવ્ય સમારોહ નહીં કરે, પરંતુ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઘરે જ સરળ રીતે લગ્ન કરશે. લગ્ન માટે આખા ઘરને લાઇટિંગ અને સજાવટથી શણગારવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, બપોરે લગભગ 12:45 વાગ્યે આમિર અને ગૌરીએ લગ્નના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને સત્તાવાર રીતે લગ્નજીવનની શરૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે ગૌરીના પહેલા લગ્નથી થયેલા પુત્ર પણ હાજર રહ્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ આમિર અને ગૌરી બંને ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.
લગ્ન બાદ આમિરે પોતાના ઘરની બહાર વરસાદમાં કલાકો સુધી ઉભા રહેલા મીડિયા અને ફોટોગ્રાફરોનો પણ આભાર માન્યો હતો. તેમણે સૌને મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ ખાનગી સમારોહમાં અંદાજે 100થી 150 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમિરની પુત્રી આયરા ખાન તેના પતિ નુપુર શિખરે સાથે લગ્નમાં હાજર રહી હતી. પુત્ર જુનૈદ ખાને પણ પિતાના લગ્નમાં હાજરી આપી હતી. આમિરની બહેન સહિત પરિવારના અન્ય સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
બોલિવુડ અને અન્ય ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ પણ આમિરને શુભેચ્છા આપવા પહોંચી હતી. ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકર તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા. ક્રિકેટર ઇરફાન પઠાણ અને કોમેડિયન-અભિનેતા વીર દાસ પણ પોતાની પત્ની સાથે સમારોહમાં સામેલ થયા હતા. અંબાણી પરિવાર પણ આમિરના ઘરે પહોંચ્યો હતો. જોકે, ભારે વરસાદને કારણે ઘરની બહાર એક મોટું ઝાડ પડી જતાં તેમના કાફલાને થોડા સમય માટે રોકાવું પડ્યું હતું. લગ્નના એક દિવસ પહેલાં જ આમિરના ઘરે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. ફર્નિચર, ખુરશીઓ અને અન્ય જરૂરી સામાન પહોંચાડવામાં આવ્યો હતો. મુંબઈમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે પણ લગ્નની તમામ તૈયારીઓ આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. ગૌરી સ્પ્રેટ પહેલા આમિર ખાન બે વખત લગ્ન કરી ચૂક્યા છે. વર્ષ 1986માં તેમણે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને જુનૈદ અને આયરા નામના બે સંતાનો છે. લગભગ 16 વર્ષના વૈવાહિક જીવન બાદ વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ ફિલ્મ ‘લગાન’ દરમિયાન આમિરની મુલાકાત કિરણ રાવ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને વર્ષ 2005માં લગ્ન કર્યા. આ લગ્નજીવન દરમિયાન તેઓ પુત્ર આઝાદના માતા-પિતા બન્યા. જોકે વર્ષ 2021માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ પણ આમિર અને કિરણ વચ્ચે મિત્રતા અને સારા સંબંધો આજે પણ યથાવત છે. તેઓ અનેક પ્રસંગોએ સાથે જોવા મળે છે અને પુત્રના ઉછેરની જવાબદારી પણ સાથે મળીને નિભાવે છે.
ગૌરી સ્પ્રેટ સાથે આમિરનો સંબંધ વર્ષ 2024માં શરૂ થયો હતો. બંનેની ઓળખ આમિરના પિતરાઈ ભાઈ નુઝહત ખાન દ્વારા બેંગલુરુમાં થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આમિર અને ગૌરી લગભગ 25 વર્ષ પહેલાં પણ એકવાર મળ્યા હતા, પરંતુ તે સમયે બંને વચ્ચે કોઈ સંપર્ક રહ્યો નહોતો. વર્ષ 2024માં બંનેએ ફરી સંપર્કમાં આવીને ડેટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ લાંબા અંતરના સંબંધમાં રહ્યા હતા. ત્યારબાદ ગૌરી પોતાના પુત્ર સાથે બેંગલુરુથી મુંબઈ રહેવા આવી ગઈ હતી. માર્ચ 2025માં આમિરે પોતાના 60મા જન્મદિવસે ગૌરી સાથેના સંબંધને જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ગૌરી અગાઉ હેરકેર બ્રાન્ડ સાથે કામ કરતી હતી. હાલમાં તે આમિર ખાન પ્રોડક્શન્સમાં અભિનેતાને મદદ કરે છે. ગૌરી પણ છૂટાછેડા લીધેલી છે અને તેના પહેલા લગ્નથી એક પુત્ર છે.હવે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટે લગ્ન કરીને જીવનની નવી સફર શરૂ કરી છે. દંપતીએ ભવ્ય રિસેપ્શન ન રાખવાનો નિર્ણય લીધો છે અને માત્ર પરિવાર તથા નજીકના મિત્રોની હાજરીમાં જ આ ખાસ પ્રસંગની ઉજવણી કરી છે.