યુરોપ બાદ હવે અમેરિકામાં પણ કાળઝાળ ગરમીએ ભારે કહેર મચાવ્યો છે. દેશના પૂર્વીય કાંઠાના અનેક રાજ્યોમાં ભયાનક હીટવેવના કારણે 250મા સ્વતંત્રતા દિવસની અનેક ઉજવણીઓ અને જાહેર કાર્યક્રમો રદ કરવા પડ્યા છે. જોકે, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં યોજાનારો વિશ્વપ્રસિદ્ધ ફાયરવર્ક શો યથાવત રાખવામાં આવ્યો છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, અંદાજે 16 કરોડ અમેરિકનો હાલ ગંભીર હીટવેવની અસર હેઠળ છે. સ્વતંત્રતા દિવસના અવસરે વોશિંગ્ટન ડીસીમાં તાપમાન 113 ડિગ્રી ફેરનહીટ (લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. રાજધાનીમાં 22 સ્થળોએ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. ન્યૂયોર્ક સિટીમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. અહીં તાપમાન 105 ડિગ્રી ફેરનહીટ (લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ) નોંધાયું, પરંતુ ભેજને કારણે લોકોને 115 ડિગ્રી ફેરનહીટ જેટલી ગરમીનો અનુભવ થયો.
ભારે ગરમીને કારણે અનેક સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉજવણીઓ પર અસર પડી છે. લીસબર્ગ (વર્જિનિયા), લૌરેલ અને ટકોમા પાર્ક (મેરિલેન્ડ) સહિત અનેક શહેરોમાં યોજાનારી પરેડ અને જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ સાથે જોડાયેલો ‘ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેર’ પણ બપોરના કેટલાક કલાકો માટે બંધ રાખવામાં આવ્યો હતો, જેથી લોકો ગરમીથી સુરક્ષિત રહી શકે. જોકે, નેશનલ મોલ ખાતે યોજાનારો ઐતિહાસિક ફાયરવર્ક શો રદ કરવામાં આવ્યો નથી. આયોજન મુજબ ફાયરવર્ક પહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશને સંબોધન કરશે અને ત્યારબાદ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવશે.
બીજી તરફ, ભારે ગરમીને કારણે વીજળીની માંગમાં પણ ભારે વધારો નોંધાયો છે. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ લોકોને અપીલ કરી છે કે તેઓ શક્ય તેટલો ઓછો વીજ વપરાશ કરે, જેથી વીજ ગ્રીડ પર વધતા ભારને નિયંત્રિત કરી શકાય. જોકે, તેમની આ અપીલને લઈને રિપબ્લિકન નેતાઓએ ટીકા પણ કરી હતી. ન્યૂયોર્કના વીજ પુરવઠા પ્રદાતા કોન એડિસનના જણાવ્યા અનુસાર, હીટવેવ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા આશરે 60,000 ગ્રાહકોની વીજળી ફરી શરૂ કરવામાં આવી છે. તેમ છતાં ન્યૂયોર્ક શહેર અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ 22,000થી વધુ લોકો વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.