સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરોની સંખ્યા વધતાં મે 2026 દરમિયાન એરપોર્ટ પરથી કુલ 1,58,635 મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ આંકડો નોંધપાત્ર વધારો દર્શાવે છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન સુરત એરપોર્ટ પરથી મુસાફરોની અવરજવર સતત વધી રહી છે. દેશમાં વિવિધ શહેરો માટે શરૂ થયેલી નવી ફ્લાઇટ્સ અને હાલની સેવાઓમાં વધારો થવાના કારણે મુસાફરોને વધુ વિકલ્પો મળી રહ્યા છે. તેના કારણે સુરત એરપોર્ટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
સુરતમાંથી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, જયપુર સહિતના વિવિધ શહેરો માટે નિયમિત ફ્લાઇટ સેવાઓ ઉપલબ્ધ હોવાથી વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ પ્રવાસીઓ માટે સુરત એરપોર્ટ વધુ અનુકૂળ બન્યું છે. જેના પરિણામે ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. એરપોર્ટના આંકડા મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન જુલાઈ 2025થી મે 2026 સુધી મોટાભાગના મહિનાઓમાં મુસાફરોની સંખ્યા દોઢ લાખની આસપાસ અથવા તેનાથી વધુ રહી છે. ખાસ કરીને મે મહિનામાં 1,58,635 મુસાફરોની અવરજવર સાથે એરપોર્ટે વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શન પૈકીનું એક નોંધાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ શરૂ થયા બાદ સુરત એરપોર્ટને પણ તેનો લાભ મળ્યો છે. વિદેશ જતા અને ત્યાંથી પરત ફરતા મુસાફરોની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. જોકે કુલ મુસાફરોમાં હજુ પણ ડોમેસ્ટિક યાત્રીઓનો હિસ્સો સૌથી મોટો છે.
એવિએશન ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે આગામી સમયમાં વધુ આંતરરાષ્ટ્રીય રૂટ્સ શરૂ થશે તો સુરત એરપોર્ટ પરથી મુસાફરોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે. સુરતના ઉદ્યોગ, હીરા અને ટેક્સટાઈલ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનતાં વેપાર અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. એરપોર્ટ પર વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ચેક-ઇન, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સેવાઓને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી મુસાફરોને વધુ સરળ અને ઝડપી સેવા મળી શકે.
છેલ્લા એક વર્ષમાં મુસાફરો (અંદાજિત આંકડા)
2025
જુલાઈ : 1,95,708
ઓગસ્ટ : 1,82,232
સપ્ટેમ્બર : 1,96,158
ઓક્ટોબર : 1,33,688
નવેમ્બર : 1,40,925
ડિસેમ્બર : 1,36,948
2026
જાન્યુઆરી : 1,40,820
ફેબ્રુઆરી : 1,33,398
માર્ચ : 1,30,025
એપ્રિલ : 1,32,346
મે : 1,58,635