ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધી માર્ગ બિસ્માર; ક્વોરી ઉદ્યોગના ભારે વાહનોને પણ હાલાકી
સાવલી: ચોમાસાના પ્રથમ વરસાદે જ ડેસર તાલુકાના ઉદલપુર–ડેસર માર્ગની દયનીય સ્થિતિ ઉજાગર કરી દીધી છે. ઉદલપુર ચોકડીથી ડેસર તેમજ ઉદલપુરથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વાહનોની સતત અવરજવર ધરાવતો આ માર્ગ હાલ અકસ્માતને આમંત્રણ આપતો બની ગયો છે.

ઉદલપુર રાજ્યના મહત્વના ક્વોરી ઉદ્યોગ માટે જાણીતું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ટ્રકો અને અન્ય ભારે વાહનો અહીંથી પસાર થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર પડેલા વિશાળ ખાડાઓને કારણે વાહનોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે. સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી આપતા વિસ્તારમાં પણ માર્ગની જાળવણી ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

બ્રિજ પણ જર્જરિત, વરસાદ વધતાં અકસ્માતની ભીતિ; તાત્કાલિક સમારકામની ઉઠી માંગ
સ્થાનિકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદ પડતાં માર્ગ પર પાણી ભરાઈ જશે, જેના કારણે ખાડાઓ દેખાશે નહીં અને ગંભીર અકસ્માતની શક્યતા વધી જશે. માર્ગ પર આવેલા નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા પડી ગયા છે તેમજ તેની રેલિંગ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. સમયસર સમારકામ નહીં થાય તો બ્રિજને પણ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક વેપારી કુણાલ પટેલ અને સુનિલ પટેલે જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજ પસાર થવું જોખમી બની ગયું છે અને તંત્રએ તાત્કાલિક ખાડા પૂરાવી માર્ગનું સમારકામ કરવું જોઈએ. ઉદલપુર ગ્રામ પંચાયતના સરપંચ નિતેશ ચારણે પણ કોઈ જાનહાનિ સર્જાય તે પહેલાં માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો સ્થાનિકો સાથે મળી આગળની લડત અંગે નિર્ણય લેવામાં આવશે.
રિપોર્ટર: વિમલ પટેલ