Sports

સગીરાના યૌન શોષણમાં દોષિત ઠર્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન સમર્સ, કરિયર પર પૂર્ણવિરામ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એરોન સમર્સનું ક્રિકેટ કરિયર હવે લગભગ અંત તરફ પહોંચી ગયું છે. એક સમયે પોતાની ઝડપી બોલિંગ માટે જાણીતા રહેલા આ ક્રિકેટરે હવે મેદાન નહીં પરંતુ કોર્ટમાં પોતાની હાજરી નોંધાવી છે. સગીરાના યૌન શોષણના ગંભીર કેસમાં એરોન સમર્સે અદાલત સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ગુનો કબૂલ્યા બાદ કોર્ટએ તેના જામીન પણ રદ કરી દીધા છે અને હવે તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આગામી ઓગસ્ટ મહિનામાં તસ્માનિયાની સર્વોચ્ચ અદાલત આ કેસમાં અંતિમ સજા સંભળાવશે. 30 વર્ષીય એરોન સમર્સ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL)માં હોબાર્ટ હરિકેન્સ તરફથી રમી ચૂક્યો છે. ઉપરાંત તેણે તસ્માનિયાની સ્થાનિક ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. ક્રિકેટમાં મોટી કારકિર્દી બનાવવાની આશા ધરાવતા સમર્સ માટે આ કેસ સૌથી મોટો ઝટકો સાબિત થયો છે.

અહેવાલો અનુસાર, જૂન મહિનાના અંતમાં સમર્સે કોર્ટમાં પોતાનું અગાઉનું વલણ બદલીને ત્રણ ગંભીર આરોપો સ્વીકારી લીધા હતા. તેમાં સગીરા સાથે યૌન શોષણના બે આરોપ અને અશ્લીલ સામગ્રી બતાવવાના હેતુથી ગ્રૂમિંગ કરવાનો એક આરોપ સામેલ છે. ગુનો કબૂલ્યા બાદ ન્યાયાધીશ હેલેન વૂડે તેના જામીન રદ કરી દીધા હતા અને તેને સીધો ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ સમગ્ર ઘટના વર્ષ 2018ની છે. તે સમયે એરોન સમર્સ હોબાર્ટ હરિકેન્સનો ભાગ હતો. આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા મારફતે એક સગીર યુવતી સાથે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં ઓનલાઈન વાતચીત કર્યા બાદ તેણે પીડિતાનું યૌન શોષણ કર્યું હતું. તપાસમાં મળેલા પુરાવા અને અન્ય માહિતીના આધારે કેસ આગળ વધ્યો હતો.

સમર્સના વકીલ કેરોલિન ગ્રેવ્સે બચાવ પક્ષ તરફથી દલીલ કરી હતી કે ઘટનાના સમયે તેમનો અસીલ ગંભીર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. તેઓ સામાજિક રીતે એકલા પડી ગયા હતા અને મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવતા હતા. જોકે, કોર્ટે આ દલીલોને પૂરતી માન્યતા આપી નહોતી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવ્યું હતું. આ મામલો એટલા માટે પણ ગંભીર માનવામાં આવી રહ્યો છે કારણ કે એરોન સમર્સ સામે આ પ્રકારનો આ પહેલો કેસ નથી. વર્ષ 2021માં પણ તે બાળ અશ્લીલ સામગ્રી રાખવા અને તેને શેર કરવા સંબંધિત અલગ કેસમાં દોષિત ઠર્યો હતો. તે સમયે પણ તેને જેલની સજા થઈ હતી. હવે બીજી વખત બાળ યૌન શોષણ સંબંધિત ગુનામાં દોષિત જાહેર થતાં તેના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે અગાઉનો ગુનાહિત રેકોર્ડ પણ સજા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં ઓગસ્ટમાં સજા જાહેર થશે ત્યારે કોર્ટ તેના ભૂતકાળને પણ ધ્યાનમાં લઈ શકે છે. એરોન સમર્સના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસ બાદ તેમના અસીલનું વ્યાવસાયિક ક્રિકેટમાં પરત ફરવાનું સપનું હવે લગભગ અશક્ય બની ગયું છે. બાળ યૌન શોષણ જેવા ગંભીર ગુનામાં દોષિત ઠરેલા ખેલાડી માટે ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના કોઈપણ મોટા ક્રિકેટ બોર્ડ અથવા લીગમાં ફરી તક મળવાની શક્યતા ખૂબ જ ઓછી માનવામાં આવે છે. જો એરોન સમર્સના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેને એક સમયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય માનવામાં આવતો હતો. જમણા હાથના આ ફાસ્ટ બોલરે પોતાના કરિયરમાં કુલ 7 લિસ્ટ-એ મેચ અને 3 ટી20 મેચ રમી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં તેણે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ટી20 ક્રિકેટમાં તે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. જોકે તેની ઝડપી બોલિંગને કારણે તે ચર્ચામાં રહ્યો હતો. હવે એક સમયના પ્રતિભાશાળી ગણાતા આ ક્રિકેટરનું નામ રમતગમત કરતાં વધુ કોર્ટ અને ગુનાહિત કેસોને કારણે ચર્ચામાં છે. ઓગસ્ટમાં કોર્ટ દ્વારા સજા જાહેર થયા બાદ એરોન સમર્સના ભવિષ્યનો અંતિમ નિર્ણય થશે, પરંતુ હાલની સ્થિતિ જોતા તેનું ક્રિકેટ કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top