Entertainment

બોલિવૂડમાં હવે અભિનેતાઓનો નહીં અભિનેત્રીઓનો જમાનો આવી રહ્યો છે

દીપિકા પાદુકોણ-સિંહને લગ્ન પછી વધુ ફિલ્મો મળી રહી છે કેમ કે બોલિવૂડમાં હવે અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓને સારી ભૂમિકાઓ મળી રહી છે. ફિલ્મોમાં આઇટમ ગીત માટે કે ગ્લેમર માટે જ હીરોઇનોને કામ મળતું હતું એ દિવસો હવે રહ્યા નથી. દીપિકા પાદુકોણ કે તાપસી પન્નુ જ નહીં ઘણી અભિનેત્રીઓ પાસે અત્યારે વૈવિધ્યપૂર્ણ અને મજબૂત ભૂમિકાઓવાળી પાંચ-સાત ફિલ્મો છે. એમાં દીપિકાનું નામ સૌથી ઉપર છે. ‘છપાક’ પછી કોઇ ફિલ્મમાં ભલે જોવા મળી નથી પરંતુ અત્યારે મોટી ફિલ્મોમાં મોટા સ્ટાર સાથે પણ મહત્ત્વની ભૂમિકાઓ નિભાવી રહી છે. પતિ રણવીરસિંહની કપિલદેવના જીવન પરની તેની ‘૮૩’ ની રાહ જોવાઇ રહી છે ત્યારે શાહરૂખ ખાન સાથે ‘પઠાન’ અને રિતિક સાથે ‘ફાઇટર’ કરી રહી છે. ‘મહાભારત’ માં તે દ્રૌપદી બની છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન સાથેની તેની ‘ધ ઇન્ટર્ન’ ની જાહેરાત થઇ છે. નિર્દેશક નાગ અશ્વિનની પ્રભાસ સાથેની એક ફિલ્મ માટે તે સાઇન થઇ છે. અને નિર્દેશક શકુન બત્રા પણ દીપિકા અને અનન્યા પાંડે સાથે એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. દીપિકા મેગા બજેટની અને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં વધારે દેખાવાની છે ત્યારે તાપસીને મહિલાપ્રધાન ફિલ્મો વધુ હાથ લાગી રહી છે. ‘થપ્પડ’ માટે પહેલાં પ્રશંસા અને પછી એવોર્ડ મળ્યા પછી તાપસીને એ પ્રકારની મહત્ત્વની ભૂમિકાઓ વધુ મળી રહી છે. બાયોપિક માટે તો તાપસી ખાસ પસંદ બની ગઇ છે. તે સ્પોર્ટસ ડ્રામા ‘શાબાશ મિઠુ’, ‘લૂપ લપેટા’ અને ‘રશ્મિ રૉકેટ’ કરી રહી છે. તેની પાસે અનુરાગ કશ્યપની ‘દો બારા’ ઉપરાંત વિક્રાંત મેસ્સી સાથેની થ્રિલર ‘હસીન દિલરુબા’ પણ છે.

કૃતિ સેનન માટે થોડી નવાઇ લાગે એવી વાત એ છે કે હજુ સુધી તેણે એક સશક્ત કહી શકાય એવી કોઇ ભૂમિકા કે મહિલાપ્રધાન ફિલ્મ પણ કરી નથી છતાં તેની પાસે સાત ફિલ્મો છે. આ ફિલ્મોથી તે ટોપની અભિનેત્રી બનવા જઇ રહી છે. પ્રભાસની ‘આદિપુરુષ’ માં સીતાની ભૂમિકા નિભાવતી કૃતિ ‘મિમિ’ માં મુખ્ય ભૂમિકામાં છે, અક્ષયકુમાર સાથે ‘બચ્ચન પાંડે’, વરુણ ધવન સાથે ‘ભેડિયા’, રાજકુમાર સાથે ‘હમ દો હમારે દો’ અને ટાઇગર સાથે ‘ગણપત’ માં એકશન કરતી દેખાવાની છે. એક સમય હતો જ્યારે માત્ર સલમાનની ફિલ્મોમાં જ જોવા મળતી હતી એ જેકલીન ફર્નાન્ડિસ પાસે સલમાન ખાનની ‘કિક ૨’ ઉપરાંત અક્ષયકુમાર સાથે ‘રામ સેતુ’ અને ‘બચ્ચન પાંડે’, રણવીર સિહ સાથે ‘સર્કસ’ ઉપરાંત સૈફ અલી ખાન સાથે ‘ભૂત પોલીસ’ જેવી છ ફિલ્મો છે. આલિયા ભટ્ટ અને યામી ગૌતમ પાસે પણ પાંચ-પાંચ ફિલ્મો છે. એ જોતાં લાગે છે કે આગામી સમયમાં પડદા પર ‘હીરો’ તરીકે અભિનેત્રીઓનું મહત્ત્વ વધી જવાનું છે.
નાના પડદાની લોકપ્રિય સીરિયલો રીમેક છે!
કોરોનાને કારણે ટીવી સીરિયલોમાં હવે અણધાર્યા વળાંક આવશે કે બંધ પણ થઇ જશે. અગાઉ લૉકડાઉનને કારણે ઘણી સીરિયલોના શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી બધી સીરિયલો ચાલી રહી છે ત્યારે એક પછી એક કલાકારો કોરોનોથી સંક્રમિત થતાં વાર્તાનો પ્લોટ બદલવાની ફરજ પડી રહી છે. ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ માં ‘આત્મારામ ભીડે’ બનતા મંદારને કોરોના થતાં તેની ઓનલાઇન ક્લાસની વાર્તાને બદલીને જેઠાલાલ-બબિતાની ગેસ સિલિન્ડરની સ્ટોરી આપી અને એ પછી પોપટલાલના લગ્નની વાત લાવ્યા છે. ‘ઇન્ડિયન આઇડોલ’ ના એન્કર આદિત્ય નારાયણને કોરોના થતાં તેના સ્થાને જય ભાનુશાલીને લાવ્યા હતા. આ મહિને મુંબઇમાં વીકએન્ડ પર ટીવી સીરિયલોનું શૂટિંગ થવાનું ન હોવાથી નિર્માતાઓ અને ચેનલોની મુશ્કેલી વધી રહી છે. ફરીથી કેટલાક શો અધવચ્ચે જ બંધ કરવાની નોબત આવી શકે છે. ‘ભાભીજી ઘર પર હૈ’ ની શુભાંગી અત્રે કોરોના સંક્રમિત થઇ હોવાથી તેનો કામચલાઉ વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. અગાઉ ‘અનુપમા’ ના પારસ અને આશિષને કોરોના થયા પછી મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ પોઝિટિવ આવી છે અને એ કારણે વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીરિયલમાં જૂનાં દ્રશ્યોને જોડીને વાર્તાને ખેંચવામાં આવી રહી છે. છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી નંબર વન રહેલી ‘અનુપમા’ ને હજુ સુધી વાંધો આવ્યો નથી. આ માસની પહેલી ટીઆરપીમાં પણ ‘અનુપમા’ પહેલા સ્થાન પર જ છે, એટલું જ નહીં ગયા સપ્તાહ કરતાં પણ વધુ દર્શકો મળ્યા છે. બીજું સ્થાન ‘ઇમલી’ એ મેળવ્યું છે. ઇમલી અને આદિત્યની પ્રેમકહાનીમાં વધારે ડ્રામા હોવાથી પસંદ કરવામાં આવી રહી છે. છેલ્લાં ઘણાં સપ્તાહથી ટોપ પાંચમાંથી બહાર રહેલી સ્નેહા જૈન- હર્ષ નાગરની સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ ત્રીજા સ્થાન પર આવી ગઇ છે. એ જ રીતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પણ ટોપ પાંચમાં ફરીથી આવી છે. ‘સ્ટાર પ્લસ’ ની જે સીરિયલો ટોપ પર રહે છે એમાંની ઘણી પ્રાદેશિક ભાષાની રીમેક છે. ફિલ્મોની જેમ સીરિયલોમાં પણ રીમેકનું ચલણ વધી ગયું છે. ‘સ્ટાર જલસા’ પર આવતી બંગાળી સીરિયલ ‘શ્રીમોઇ’ પરથી ‘અનુપમા’ ને બનાવવામાં આવી છે. જ્યારે ‘ઇમલી’ ને બંગાળી સીરિયલ ‘ઇશ્ટી કુટુમ’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ને ‘ડોલા’ પરથી બનાવવામાં આવી છે.

Most Popular

To Top