Editorial

દુનિયાને પહેલા ખર્વ પતિ મળ્યા: જો કે બહુ ખુશ થવા જેવું નથી

દુનિયામાં પહેલા કરોડપતિઓની ચર્ચા હતી, પછી અબજપતિઓ આવ્યા , હવે જગતને તેના પ્રથમ ખર્વ પતિ કે ટ્રિલિયોનર મળ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વના અતિ ધનિકોની યાદીમાં ટોચ પર રહેલા ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્ક વિશ્વના સૌપ્રથમ ટ્રિલિયોનર જાહેર થયા છે અને તે પણ ડોલરની દષ્ટિએ! અમેરિકી શેરબજારના નાસ્ડેક પર સ્પેસએક્સ કંપની લિસ્ટેડ થયા પછી, દુનિયાને તેના પ્રથમ ટ્રિલિયોનર ઈલોન મસ્ક મળ્યા. પરંતુ જે બાબતે લોકોને ખરેખર સ્તબ્ધ કરી દીધા છે તે ઓનલાઈન ચાલી રહેલી એક ખાસ સરખામણી છે.

મસ્કની કુલ સંપત્તિમાં માત્ર એક જ ટ્રેડિંગ ડેમાં 164.8 અબજ ડોલરનો આશ્ચર્યજનક ઉછાળો આવ્યો, જે અગાઉના ટ્રેડિંગ ડે કરતાં 14.71% નો વધારો છે. અને આ એક દિવસનો વધારો ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ કરતાં લગભગ બમણો છે, જેઓ હાલમાં 89.7 અબજ ડોલર પર છે. આ લખાય છે ત્યાં સુધીમાં, મસ્કની કુલ નેટવર્થ 1.3 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, અને તમારા હાથમાં આ લખાણ આવે ત્યાં સુધીમાં કૂદકે ને ભૂસકે મસ્કની મિલકતો કદાચ આનાથી ઘણી વધી ગઇ હોઇ શકે છે.

 મસ્કની કમાણીમાં ટેસ્લા અને સ્પેસએક્સ તેમની સંપત્તિના મુખ્ય સ્ત્રોત છે. બીજી તરફ, અંબાણીની પોતાની નેટવર્થમાં તે જ દિવસે 965 મિલિયન ડોલરનો વધારો થયો, જે 1.09% નો ઉછાળો છે, જે પૃથ્વી પરના અન્ય કોઈપણ વ્યક્તિ માટે એક અસાધારણ આંકડો હોત. પરંતુ મસ્કના એક દિવસના વધારા સામે, તે નહિવત બરાબર લાગે છે. અને જો તમને અંબાણી સાથેની સરખામણી બરાબર નહીં લાગતી હોય તો આ બીજી સરખામણી જુઓ.

વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હાલમાં 4.15 ટ્રિલિયન ડોલરની જીડીપી ધરાવે છે. મસ્કની વ્યક્તિગત નેટવર્થ 1.3 ટ્રિલિયન ડોલર છે. તે ભારતના જીડીપીના લગભગ ચોથા ભાગ જેટલી છે. 1.4 અબજ લોકોના આખા દેશના આર્થિક ઉત્પાદન સામે આ એક જ વ્યક્તિની સંપત્તિનો આ આંકડો છે! મસ્કની કમાણી બીજા પણ ઘણા નવા નવા આશ્ચર્યો સર્જી રહી છે.

માત્ર 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં એટલો મોટો ઉછાળો આવ્યો છે કે તેમણે અબજોપતિ રોકાણકાર વોરેન બફેટની આજીવન કમાણીને પાછળ છોડી દીધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સ્પેસએક્સના શેરમાં આવેલા તોફાની ઉછાળા પછી એલન મસ્કની નેટવર્થ 1.27 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ સાથે જ, દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર તરીકે તેમનું સ્થાન વધુ મજબૂત થયું છે. દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની કુલ નેટવર્થ 148 બિલિયન ડૉલર છે. એલન મસ્કની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 164 બિલિયન ડૉલરનો ઉછાળો આવ્યો છે.

મસ્ક માત્ર એક દિવસની ‘કમાણી’ વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધી ગઇ છે. ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ 314 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે બીજા નંબરે છે. જ્યારે, સર્ગેઈ બ્રિનની નેટવર્થ 292 બિલિયન ડૉલર છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની નેટવર્થ 267 બિલિયન ડૉલર રહી છે. અને ઇલોન મસ્કે વૉરન બફેની કુલ કમાણી કરતા વધુ કમાણી સાડા છ કલાકના એક ટ્રેડિગે સેસનમાં જ કરી લીધી છે!

એક બાજુ આ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગણ્યા ગાંઠ્યા અતિ ધનિકો છે, તેના પછી કદાચ સેંકડોની સંખ્યામાં મલ્ટિ બિલિયોનરો હશે, હજારોની સંખ્યામાં કરોડપતિઓ હશે પરંતુ લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં ગરીબો છે. આમાંથી પણ અડધા અબજથી પણ વધુ લોકો તો અતિ ગરીબ છે. એક અંદાજ પ્રમાણે આશરે ૭૦ કરોડ લોકો, અથવા વૈશ્વિક વસ્તીના આશરે ૮.૫%, દરરોજના ૨.૧૫ ડોલર (આશરે ૧૮૦ રૂપિયા) કરતાં પણ ઓછામાં જીવીને અત્યંત ગરીબીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

આ સૌથી ગરીબ વસ્તી મુખ્યત્વે સબ-સહારન આફ્રિકામાં કેન્દ્રિત છે, જે વિશ્વના અત્યંત ગરીબ લોકોના આશરે ૬૭% હિસ્સો ધરાવે છે. તો વિશ્વના બીજા વિસ્તારો જેમ કે એશિયા, લેટિન અમેરિકામાં પણ અતિ ગરીબો વસે છે. તો વિશ્વના ઘણા દેશોમાં અતિ ગરીબો નહીં છતાં ગરીબ તો કહી શકાય તેવા લોકોનો આંકડો તો આઠ અબજની વસ્તીમાં અબજો પર જાય. ગરીબી એટલે ખોરાક, કપડાં અને આશ્રય સહિતની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતા પૈસા ન હોવા તે. ગરીબીની ઘણી બધી કાર્યકારી વ્યાખ્યાઓ છે, અને આ શબ્દની સૌથી સચોટ વ્યાખ્યા કઈ છે તે અંગે મોટો વિવાદ છે.

આવકની સુરક્ષાનો અભાવ, આર્થિક સ્થિરતા અને પોતાની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવાના સતત સાધનોની આગાહી ન કરી શકવી-આ બધું ગરીબીના ચોક્કસ સંકેતો તરીકે કામ કરે છે. તેથી, ગરીબીને મૂળભૂત જીવન જરૂરિયાતો પૂરી કરવા માટેના અણધાર્યા અને અસ્થિર સાધનોની અછતની આર્થિક સ્થિતિ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. અને આ રીતે જોઇએ તો વિશ્વની વસ્તીનો ઘણો મોટો ભાગ ગરીબ છે. એક બાજુ અસંખ્ય લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતો સારી રીતે પૂર્ણ કરવા અસમર્થ છે તો બીજી બાજુ ગણ્યા ગાંઠ્યા અતિ ધનિકો ઘણા બધા સાધનો અતિ સરળતાથી ખરીદી શકે છે. અને આથી જ વિશ્વને પ્રથમ ટ્રિલિયોનર મળ્યા તેમાં બહુ હરખાવા જેવું કશું નથી.

Most Popular

To Top