સૈડીવાસણ ગામની ઘટનાએ મચાવી ચકચાર; સમયસર સારવાર ન મળતાં કિંજલબેન રાઠવાએ ઘરે જ તોડ્યો દમ, ગ્રામજનોમાં રોષ
છોટાઉદેપુર, તા. 14
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. તાલુકાના સૈડીવાસણ ગામના જામ્બન ફળિયામાં રહેતી સગર્ભા મહિલા કિંજલબેન રાઠવાનું પ્રસુતિ દરમિયાન ઘરે જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય તંત્રની કાર્યક્ષમતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સૈડીવાસણ ગામના જામ્બન ફળિયામાં રહેતી કિંજલબેન રાઠવાને પ્રસુતિની પીડા શરૂ થતાં તેમને તાત્કાલિક તબીબી સારવાર અને હોસ્પિટલમાં ખસેડવાની જરૂર હતી. સરકાર દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં સગર્ભા મહિલાઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવા, હોસ્પિટલ ડિલિવરી યોજના તેમજ આશા વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
તેમ છતાં, કિંજલબેનને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. તાલુકામાં આરોગ્ય વિભાગના ફિલ્ડ સ્ટાફની નિમણૂક હોવા છતાં સગર્ભા મહિલાની યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, યોગ્ય તબીબી સારવાર અને સમયસરની મદદના અભાવે કિંજલબેનને ઘરે જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. દરમિયાન તેમની તબિયત વધુ બગડતાં પ્રસુતિ દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કાગળ પર કામગીરી દર્શાવે છે, પરંતુ અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકો સુધી આરોગ્ય સેવાઓ અસરકારક રીતે પહોંચી રહી નથી.
આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિને ઉજાગર કરી છે. હવે કવાંટ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે છે કે નહીં અને જવાબદારો સામે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
ગ્રામજનોનો સવાલ
સરકાર દ્વારા સગર્ભા મહિલાઓની સુરક્ષિત પ્રસુતિ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે સૈડીવાસણ જેવા અંતરિયાળ વિસ્તારમાં એક સગર્ભા માતાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં નિષ્ફળતા કેમ રહી? આ પ્રશ્ન હવે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.