ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રભાવ સતત જોવા મળી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ વિસ્તારોમાં આગળ વધી રહ્યું હોવાથી રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે, હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમ જ દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. જોકે, આ વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા અને વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
આગામી 11 જૂન સુધીની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી શકે છે અને વાતાવરણ ફરીથી સૂકું બનશે. જોકે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આગામી 6થી 7 દિવસ સુધી હળવો વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું કેરળ, કર્ણાટક અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરીને ગોવા સુધી પહોંચી ગયું છે. ગોવામાં ચોમાસાની સામાન્ય આગમનની તારીખ 5 જૂન માનવામાં આવે છે અને આ વર્ષે પણ ચોમાસું સમયસર પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસું હવે ઝડપથી આગળ વધીને મુંબઈમાં પણ સમયસર અથવા સામાન્ય સમય કરતાં થોડું વહેલું પહોંચે તેવી શક્યતા છે.દેશના અન્ય ભાગોની વાત કરીએ તો હાલ કેરળ, કર્ણાટક અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં તો હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે. ત્યારબાદ તે બિહાર, ઝારખંડ અને ઓડિશા તરફ આગળ વધશે.
ગુજરાત માટે સૌથી મહત્વની વાત એ છે કે હવામાન વિભાગના અંદાજ મુજબ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ થઈ શકે છે. ચોમાસું બેસ્યા બાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 40.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી એક સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ પ્રી-મોન્સૂન વરસાદના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળતી રહેશે.