Comments

હા, વ્હેલને એના કાનૂની હક આપવાનો પ્રસ્તાવ

આપણા જેવા દેશમાં મૂળભૂત માનવ અધિકારો બાબતે ખાસ સભાનતા ન હોય અને તેનું છડેચોક ઉલ્લંઘન પણ સતત થતું રહેતું હોય એટલે આપણને નવાઈ લાગવાની સાથોસાથ વિચિત્ર પણ જણાય એવી વાત છે. ન્યૂઝીલેન્‍ડની ગ્રીન પાર્ટીના એક સાંસદે એક વિશિષ્ટ પ્રકારના ખરડાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દેશ ચોફેર પેસિફિક મહાસાગરથી ઘેરાયેલો છે, જેમાં અનેકવિધ પ્રકારની વ્હેલ હોય છે. ટીનાઉ ટુયુનો નામના સાંસદ આ વ્હેલના રક્ષણાર્થે યોગ્ય પગલાં લેવા ઈચ્છે છે અને આ માટે તેમણે વ્હેલને કાનૂની હક આપતા ખરડાનો પ્રસ્તાવ મૂક્યો છે. એનો અર્થ એ થયો કે ન્યૂઝીલેન્‍ડ ફરતેના દરિયામાં આવેલી વ્હેલ હવે કેવળ માનવોપયોગી નૈસર્ગિક સ્રોત નહીં રહે, બલકે કાનૂની હક ધરાવતી પ્રજાતિ બની રહેશે.

આ પ્રસિદ્ધિ ખાટવા માટેનું કોઈ ગતકડું હોય એમ લાગતું નથી, કેમ કે, ન્યૂઝીલેન્‍ડ આસપાસ બાવીસ ટકા વ્હેલ તેમજ અન્ય દરિયાઈ જીવો લુપ્ત થવાને આરે છે. આથી આ ખરડો સહુની સંમતિથી કાયદો બને તો બેફામ માછીમારી, પ્રદૂષણ તેમજ અન્ય માનવીય ગતિવિધિઓ પર નિયંત્રણ લાગે. માનવજાત એટલી હદે સ્વાર્થી છે કે કુદરતની દરેક ચીજોને તે પોતાના ઉપયોગની દૃષ્ટિએ જ જોતી આવી છે. પોતાને ખપમાં ન લાગે એવી દરેક વસ્તુ તેને મન નકામી છે. હકીકતે કુદરતમાં એકે એક વસ્તુનું આગવું પ્રયોજન છે અને તેની પોતાની એક ભૂમિકા છે અને તેને કારણે એ સૌ વચ્ચે એક પ્રકારે જૈવસંતુલન છે. વ્હેલ પણ આમાંથી શી રીતે બાકાત હોઈ શકે? આર્થિક તેમજ વૈજ્ઞાનિક ઉપયોગ ઉપરાંત પણ કુદરતી રીતે તેનું આગવું મૂલ્ય છે.

પેસિફિક મહાસાગરની જૈવપ્રણાલીનું સ્વાસ્થ્ય અને સંતુલન જાળવવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે. આ હેતુને લક્ષમાં રાખીને પ્રસ્તુત ખરડામાં વ્હેલના કેટલાક ‘મૂળભૂત હકો’ નોંધવામાં આવ્યા છે. કેવા છે વ્હેલના હકો? હિલચાલ અને સ્થળાંતરની આઝાદીનો હક. સ્વસ્થ પર્યાવરણનો હક, જેને કારણે તેમની પ્રજાતિ નૈસર્ગિક અને અપ્રદૂષિત પર્યાવરણમાં પાંગરી શકે. તેમના આવાસ અને પર્યાવરણપ્રણાલી સાથે છેડછાડ કરવામાં આવે તો તેમના પુન:સ્થાપનનો અને નવજીવનનો અધિકાર. આ બધા ઉપરાંત તેમની નૈસર્ગિક વર્તણૂક અને સામાજિક તેમજ સાંસ્કૃતિક માળખાના સંરક્ષણનો અધિકાર.

આ બધું જરા વધુ પડતું ન લાગે? પહેલી વાત તો એ કે જેમના માટે આ હકો નિર્ધારિત કરવામાં આવ્યા છે એને, એટલે કે વ્હેલને આના વિશે કશી જાણ ન હોય એ સ્વાભાવિક છે. એ પોતે આવી કશી માગણી કરી શકે એમ નથી.એટલે આનો અમલ ન થાય તો પણ એ કશી ફરિયાદ કરવા આવવાની નથી. આમ છતાં, એટલું સમજાય છે કે આનું એક ચોક્કસ મહત્ત્વ છે. આ મહત્ત્વ કદાચ મોડે મોડે પણ સમજાયું છે ખરું. આ હકોના વ્યવહારુ અમલને સુનિશ્ચિત કરવા માટે આ ખરડામાં સંબંધિત નિર્ણયકર્તાઓ પર ચોક્કસ પ્રકારની જવાબદારીઓ લાદવામાં આવી છે. આ નિર્ણયકર્તાઓ વ્હેલ અને તેના નૈસર્ગિક પર્યાવરણની સુરક્ષા સાથે સીધા સંકળાયેલા છે.

ખાસ કરીને, કોઈ યોજના કે નિર્ણયને કારણે વ્હેલના આવાસ કે તેના હિતને અસર થવાની શક્યતા હોય, ત્યારે સત્તાવાળાઓએ જાહેર હિત અને વ્હેલના હિત -બંનેને ધ્યાનમાં રાખીને વિચારવું પડે એવી જોગવાઈ કરાયેલી છે. પણ આ ખરડો આખરે તો માનવોએ તૈયાર કર્યો હોવાથી અંતિમ નિર્ણય લેવાની સત્તા નિર્ણયકર્તાઓ પાસે જ છે. આમ હોવા છતાં, તેમણે પોતાના અંતિમ નિર્ણયમાં આ અંગેના કાનૂની વિચારવિમર્શનો ઉલ્લેખ કરવો જરૂરી રખાયો છે, જેથી નિર્ણયપ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે. વાસ્તવમાં, આ માળખું વ્હેલના સંરક્ષણ માટે મજબૂત કાનૂની આધાર બની રહેશે અને માછીમારી, જળવ્યવહાર, સમુદ્રતળના ખનન તથા દરિયાકાંઠાના વિકાસ જેવી પ્રવૃત્તિઓમાં પણ વ્હેલના હકો બાબતે વિચાર કરવામાં આવે એને સુનિશ્ચિત કરશે.

આ ખરડો કાનૂન બનશે તો પેસિફિક મહાસાગરના વિસ્તારમાં વ્હેલને હક આપનારો પહેલવહેલો કાનૂન હશે. દરિયાઈ સૃષ્ટિની જાળવણીમાં તેની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. કેમ કે, અનેકવિધ માનવીય ગતિવિધિઓને કારણે વ્હેલની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. ન્યૂઝીલેન્‍ડની આસપાસના મહાસાગરમાં સમગ્ર વિશ્વનાં અડધોઅડધ દરિયાઈ સસ્તન પ્રાણીઓ નિવાસ કરે છે. આ સંજોગોમાં આવી કાનૂની જોગવાઈ અતિ અગત્યની બની રહે એમાં કોઈ શક નથી. જોવાનું એ રહે છે કે આ ખરડો પસાર થઈને કાનૂનમાં તબદીલ થાય છે કે કેમ.

એકાદ વરસ અગાઉ આ કટારમાં કેનેડાની મેગ્પાઈ નદીને એક જીવિત વ્યક્તિ ગણીને તેને હક પ્રદાન કરવામાં આવ્યા હોવાની વાત વિગતે લખાઈ હતી.કેનેડાની જળવિદ્યુત પરિયોજના હાઈડ્રો ક્વેબેક થકી પર્યાવરણને થયેલા નુકસાનને કારણે 2021માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘોષણામાં લાબ્રાડોર-ક્વેબેક દ્વિપકલ્પના મોટા ભાગના સ્થાનિક લોકોના રક્ષણ માટેના પ્રયાસો સામેલ હતા.

કેનેડામાં આ પ્રકારની ઘોષણા અને નિર્ણય પહેલવહેલી વાર કરાયા હતા, જેના થકી આ નદીની કાનૂની ઓળખ બનાવવાનો મુખ્ય હેતુ હતો. આ નિર્ણયને આનુષંગિક બીજા અનેક ઠરાવો પસાર કરાયેલા, જેને પગલે નદીને નવ કાનૂની હકો તેમજ તેના રક્ષક તરીકે સ્થાનિક લોકોને સ્થાપવામાં આવ્યા હતા. આવી પહેલ આનંદ આપનારી છે અને મોડે મોડેય એ થઈ એ મહત્ત્વનું છે.આમ પણ માનવજાતની એ ખાસિયત રહી છે કે પહેલાં કુદરતી સંપદાનું નિકંદન કાઢવાનું અને એ પછી તેના સંવર્ધન માટે પ્રયાસ કરવાના. મોટા ભાગના કિસ્સામાં મોડું થઈ ચૂક્યું છે. એટલું આશ્વાસન કે સાવ ન જાગે એના કરતાં મોડે મોડે ક્યાંક, કોઈક જાગ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top