ગાંધીનગર : ગીરના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહબાળોના થઈ રહેલા મોતને પગલે ચિંતા વચ્ચે રાજ્ય સરકાર અને વન વિભાગ સતર્ક બન્યા છે. ગીર ગઢડા અને અમરેલી વિસ્તારમાં સિંહબાળોના મૃત્યુની ઘટનાઓ બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 8 સિંહબાળોના શંકાસ્પદ વાયરસ સંક્રમણના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક સિંહોના મોત ઇનફાઇટ (આંતરિક સંઘર્ષ) અથવા કુદરતી કારણોસર થયા હોવાનું જણાયું છે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી
વનમંત્રીએ મોઢવાડિયાએ ગીરમાં જામવાળા રેસક્યૂ સેન્ટર બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનીમલ કેર સેન્ટરની મુલાકાત લઈને વન વિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સક ટીમો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સિંહોના આરોગ્યની સ્થિતિ અને સંક્રમણને રોકવા માટે લેવામાં આવેલા પગલાંઓની માહિતી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં સિંહબાળોના મોત પાછળ ‘બેબેસિયા’ સંક્રમણ જવાબદાર હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે તંત્ર દ્વારા અસરગ્રસ્ત 10 કિલોમીટર વિસ્તારને આઇસોલેટ કરવામાં આવ્યો છે અને તે વિસ્તારમાં રહેલા સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. . વન વિભાગ દ્વારા સમયસર લેવામાં આવેલા પગલાંઓના કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે વન વિભાગ, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની ટીમો 24 કલાક સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. વનમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. સંક્રમણગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનીટરિંગ, સારવાર અને જરૂરી નિયંત્રણાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે ગીરના જંગલોમાં સિંહોની ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત રહે તે માટે કાર્યરત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્સકો અને મેદાની ટીમોની કામગીરીને પણ બિરદાવી હતી. ગીરમાં સિંહબાળોના મોતની ઘટના રાજ્ય માટે ચિંતાજનક બની છે, ત્યારે વન વિભાગ દ્વારા સંક્રમણને કાબૂમાં લેવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી અને છેલ્લા ત્રણ દિવસમાં કોઈ નવું મોત નોંધાયું ન હોવાના દાવાથી તંત્રને રાહત મળી છે. જોકે આગામી દિવસોમાં સિંહોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવશે.