Vadodara

“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા

AAP નેતા અશોક ઓઝાનો પોતાની ધરપકડ મુદ્દે યુ ટર્ન

જે ફોન થયો હતો તે ફોન મેં આઈબીને કર્યો હતો એ પૂછવા માટે કે “તમારે શું જરૂરિયાત છે”: અશોક ઓઝા

*મને એક રૂમમાં બેસાડીને ફક્તને ફક્ત પાર્ટીના જુના અને નવા સંગઠન તથા ફંડ વિશે પૂછવામાં આવ્યું: અશોક ઓઝા

*પીઆઇ બેન દ્વારા મને પૂછવામાં આવ્યું કે “તમારું ગુજરાત અને વડોદરાનું ફંડ ક્યાંથી આવે છે? 24થી 26 તારીખ સુધી કેજરીવાલ રોકાયા એનું ફંડ ક્યાંથી આવ્યું?: અશોક ઓઝા

વડોદરા:

આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાને આરોપી દર્શાવીને કેસ કરવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ તેમણે પાર્ટીના નેતાને ફસાવવા કાવતરું કર્યું હોવાનું કબૂલ્યું હતું પરંતુ જમીન પર છૂટતા જ તેઓ ફરી ગયા હતા. આ મુદ્દા પર તેમણે આજે યુ ટર્ન લેતા જણાવ્યું હતું કે, આખી હકીકત ઉપજાવી કાઢેલી છે, મને પોલીસ લઈ ગઈ અને મારો વિડીયો બનાવવામાં આવ્યો. હું એક જ વાત કહું છું કે જે ફોન થયો હતો તે ફોન મેં આઈબીને કર્યો હતો એ પૂછવા માટે કે “તમારે શું જરૂરિયાત છે” અને તેની અંદર જે અમારા પદાધિકારી કેશવ ચૌહાણ છે, એ પોતે પણ કોન્ફરન્સ કોલમાં હાજર હતા. મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે “તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝાએ જણાવ્યું હતું કે, આ બધી બાબત બાજુમાં રાખીએ અને આપણે જોઈએ કે મને જ્યારે લઈ જવામાં આવ્યો ત્યાં એક મેડમ આવે છે, તેઓ એક રૂમમાં, પોતાની જાતને પીઆઇ બતાવીને મારી સાથે બે કલાક સુધી ચર્ચાઓ કરે છે. એ ચર્ચામાં તેઓ ફક્ત અને ફક્ત પાર્ટીના જુના સંગઠન અને નવા સંગઠન પૂછે છે. તો શું મને ત્યાં એટલા માટે લઈ જવામાં આવ્યો હતો કે પાર્ટીનું સંગઠન કેવું છે, જૂનું શું હતું અને નવું શું છે? એ બેન દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમારું ગુજરાતમાં ફંડ ક્યાંથી આવે છે? તમારું વડોદરાનું ફંડ ક્યાંથી આવે છે? 24થી 26 તારીખ સુધી કેજરીવાલ રોકાયા એનું ફંડ ક્યાંથી આવ્યું? હું આજે હર્ષ સંઘવીને સીધું પૂછવા માંગુ છું કે, લોકોને પકડવા, લોકોને ધમકાવવા, લોકો પર ખોટા ખોટા કેસ કરવા, આવી રાજનીતિ કરવામાં માંગો છો? એ પરમાર મેડમ કોણ હતા? મને કોઈપણ એન્ગલથી એ પીઆઈ નહોતા લાગતા.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝાએ જણાવ્યું હતું કે, મને પૂરેપૂરી ખબર છે અને હું જાણું છું કે મારું સંગઠન જાણવા માટે અને એની પૂછપરછ કરવા માટે જેમ તેમ કરીને મને ત્યાં લઈ જવામાં આવ્યો, મારું કોઈ કાવતરું નથી, હું આમ આદમી પાર્ટીનો વફાદાર છું અને હંમેશા વફાદાર રહીશ. જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે એ દાવા એકદમ પોકળ છે. પાર્ટીના ફંડ અને પાર્ટીની આંતરિક રાજનીતિને જાણવા માટે મને ત્યાં લઈ જવામાં આવ્યો હતો. મને ખોટી રીતે એક ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. મારો વિડીયો બનાવવામાં આવ્યો અને વીડિયોમાં હું “સાહેબ” બોલી જતો હતો તો ચાર વખત વિડીયો રિજેક્ટ કરવામાં આવ્યો. હવે કોઈની સામે 20 પોલીસવાળા ઉભા હોય તો તેની પાસેથી કોઈ કંઈ પણ કરાવી શકે છે.

આણંદ પોલીસ આપના કેશવજી ચૌહાણની પૂછપરછ કરશે
આઈબી અધિકારી બનીને હરીફને ધમકાવવાના મામલે બન્નેને જામીન મળ્યાં

વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને તેમના સાથીદારે ઇન્ટેલિજન્સ બ્યુરોના નકલી અધિકારી બનીને ધમકી આપવાના કાવત્રાનો આણંદ પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ અંગે અશોક ઓઝા અને આણંદ રહેતા તેના સાગરીતની અટક કરવામાં આવી હતી. જોકે, રિમાન્ડ ન મળતાં જામીન પર છૂટકારો થયો હતો. પરંતુ પોલીસે આ અંગે જેને ધમકી મળી છે તે કેશવજીની પૂછપરછ હાથ ધરવા ચક્રોગતિમાન કર્યાં છે.
આણંદ પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, વડોદરા શહેર ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા તેમના જ પક્ષના કેશવજી ચૌહાણને પોતાના રાજકીય હરીફ માનતા હતા. કેશવજીના વધતા વર્ચસ્વથી ડરી ગયેલા અશોક ઓઝાએ તેમને વડોદરાથી ભગાડી મૂકવા માટે કાવતરું રચ્યું હતું. તેઓએ નીતિન ધીરૂભાઇ ડાંગરીયા (રહે. આણંદ) મારફતે આઈબી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ફોન કરાવ્યો હતો. પોતે આઈબીના મોટા અધિકારી હોવાનો સ્વાંગ રચી કેશવજી ચૌહાણને ગંભીર ધમકીઓ આપી હતી.
આ સમગ્ર વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો અને પોલીસ હરકતમાં આવી હતી. જેમાં આણંદ પોલીસને સફળતા મળી હતી અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કરીને અશોક ચંદ્રકાંતભાઇ ઓઝા (હાલ પ્રમુખ, વડોદરા શહેર આમ આદમી પાર્ટી) અને નીતિન ધીરૂભાઇ ડાંગરીયા (રહે. આણંદ, મૂળ જેતપુર)ની ધરપકડ કરી હતી. જોકે, તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. પરંતુ રિમાન્ડ નામંજૂર થયાં હતાં અને જામીન મળી ગયાં હતાં. બીજી તરફ પોલીસે આ કેસમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવા માટે કેશવજી ચૌહાણની પૂછપરછ હાથ ધરવા ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top