Vadodara

માંજલપુરમાં એસઓજીનો સપાટો : ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો

સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક બાતમીના આધારે દરોડો, કાર સાથે એક શખ્સની ધરપકડ
એફએસએલ ટીમે નમૂનાઓ લીધા, ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેની તપાસ તેજ
વડોદરા, તા. 29
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. સરસ્વતી કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે આવેલા વિનાયક કોમ્પ્લેક્સ પાછળ બાતમીના આધારે દરોડો પાડતાં પોલીસે એક શખ્સને કાર સાથે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમને વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરફેર થતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન આરોપી પાસેથી ગાંજાનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો અને તેને સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ટીમે નશીલા પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસની પ્રક્રિયા શરૂ કરી હતી. એસઓજી દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

સમગ્ર મામલે માંજલપુર પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top