સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર પણ ટૂંક સમયમાં પ્રીમિયમ AC બસ દોડશે
( પ્રતિનિધિ ) વડોદરા, તા.28
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક મુસાફરી સુવિધા આપવા માટે રાજકોટ-વડોદરા રૂટ પર બે નવી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુરુવારથી શરૂ થયેલી આ પ્રીમિયમ બસ સેવાને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
એસટી નિગમ દ્વારા રાજકોટ વિભાગને કુલ 13 પ્રીમિયમ બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં વડોદરા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટને પણ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત વધી રહેલા પ્રવાસનને ધ્યાનમાં રાખીને AC સીટર અને લક્ઝરી બસ સેવા શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ-વડોદરા અને રાજકોટ-ભુજ રૂટ પર વધુ પાંચ નવી વોલ્વો બસો મુકવામાં આવશે. લાંબા અંતરના રૂટ પર મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એસટી તંત્રએ જણાવ્યું છે.
એસટી વિભાગ દ્વારા ડબલ એક્સેલ બસ સેવા શરૂ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં રાજકોટ એસટી બસ સ્ટેશન ખાતે ખાનગી ડબલ એક્સેલ બસનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો. જોકે બસપોર્ટમાં એન્ટ્રી દરમિયાન કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ સામે આવતા જરૂરી ફેરફારો બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ નવી પ્રીમિયમ સેવાઓ શરૂ થતાં વડોદરા સહિત રાજ્યના મુસાફરોને વધુ સલામત, સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. સાથે જ લાંબા રૂટ પર ખાનગી વાહનોની સરખામણીએ જાહેર પરિવહન પ્રત્યે લોકોનો ઝુકાવ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.