India

ટ્વિશાના મૃત્યુની રાત્રે શું બન્યું? પતિ સમર્થે પોલીસ સમક્ષ 12 મેની રાતની આખી કહાની જણાવી, તપાસમાં નવા સવાલો ઊભા

નોઈડાની મોડલ અને અભિનેત્રી ટ્વિશા શર્માના રહસ્યમય મૃત્યુ કેસમાં દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. 12 મેની રાત્રે ભોપાલ સ્થિત સાસરિયામાં થયેલા ટ્વિશાના મોત બાદ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જાગી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન પતિ સમર્થ સિંહએ તે રાત્રે શું બન્યું તેની પોતાની વિગતવાર કહાની જણાવી છે. જોકે તેના નિવેદન અને ઉપલબ્ધ CCTV ફૂટેજ વચ્ચે કેટલાક વિરોધાભાસ જોવા મળતા તપાસ વધુ ગૂંચવણભરી બની છે.

12 મેની સાંજથી શરૂ થઈ હતી ઘટનાક્રમની કડી
પોલીસ સમક્ષ સમર્થે જણાવ્યું કે 12 મેની સાંજે ટ્વિશા ઘરે પરત આવી હતી.બંનેએ સાથે સમય પસાર કર્યો અને રાત્રિભોજન પણ લીધું હતું. તેના જણાવ્યા મુજબ પરિવાર સાથે સામાન્ય વાતચીત થઈ હતી અને બહારથી કોઈ અસામાન્ય સ્થિતિ જોવા મળી નહોતી. ત્યાર બાદ ટ્વિશા ઉપરના માળે ગઈ હતી. સમર્થે દાવો કર્યો કે રાત્રે લગભગ 9 વાગ્યા પછી તે ઊંઘી ગયો હતો. બાદમાં ઘરમાં અચાનક હોબાળો મચતા તે જાગ્યો અને ટ્વિશાને ગંભીર હાલતમાં જોતા પરિવારજનોને જાણ કરવામાં આવી. જોકે તપાસ એજન્સીઓ તેના આ દાવાની સત્યતા ચકાસી રહી છે.

અજમેર પ્રવાસને લઈને થયો હતો વિવાદ
પૂછપરછ દરમિયાન સમર્થે પોલીસને જણાવ્યું કે ટ્વિશા સાથે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત મતભેદો ચાલી રહ્યા હતા. તેના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થાની પુષ્ટિ થયા પછી ટ્વિશાના વર્તનમાં બદલાવ આવ્યો હતો તે વારંવાર પોતાના માતા-પિતાના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરતી હતી.સમર્થે એવો પણ દાવો કર્યો કે 12 મે પહેલાં બંને વચ્ચે અજમેર જવા અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. તે બેંગલુરુ જવાની તૈયારીમાં હતો જ્યારે ટ્વિશા પોતાના ભાઈ પાસે અજમેર જવા માંગતી હતી. આ મુદ્દે બંને વચ્ચે તણાવ વધ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું.

ટ્વિશાના સંદેશાઓએ વધારી શંકા
બીજી તરફ ટ્વિશાના પરિવાર દ્વારા રજૂ કરાયેલા મેસેજ અને ચેટ્સે સમગ્ર કેસને નવો વળાંક આપ્યો છે. પરિવારનો દાવો છે કે ટ્વિશા સતત માનસિક તણાવમાં હતી અને તેણે પોતાની માતાને અનેક વખત સાસરિયામાં અસહજ વાતાવરણ હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક સંદેશાઓમાં તેણે “મને અહીં ગૂંગળામણ થાય છે” જેવા શબ્દો પણ લખ્યા હોવાનું બહાર આવ્યું છે.જો કે બીજી તરફ પરિવારના જણાવ્યા અનુસાર મૃત્યુની રાત્રે રાત્રે લગભગ 10:05 વાગ્યે ટ્વિશાએ પોતાની માતાને ફોન કર્યો હતો. વાતચીત દરમિયાન તેણે પોતાની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું, પરંતુ અચાનક ફોન કટ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. થોડા કલાકો બાદ ટ્વિશાના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

CCTV ફૂટેજથી ઊભા થયા નવા પ્રશ્નો
તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફૂટેજે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂટેજમાં ટ્વિશા એકલી ઉપરના માળ તરફ જતી જોવા મળી હતી. જોકે કેટલાક સમયગાળાની ઘટનાઓ અને સમર્થે આપેલી સમયરેખા વચ્ચે તફાવત હોવાનું તપાસ કર્તાઓ માની રહ્યા છે. આ કારણસર પોલીસ અને SIT ટીમે ઘટનાસ્થળનું પુનઃનિર્માણ (Crime Scene Reconstruction) પણ હાથ ધર્યું છે.તપાસ અધિકારીઓ હવે ફોન રેકોર્ડ, CCTV ડેટા, ડિજિટલ ચેટ્સ અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે જેથી ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે.

પતિની ધરપકડ અને પોલીસ રિમાન્ડ
કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ સમર્થ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તે સંપૂર્ણ સહકાર આપી રહ્યો નથી. અદાલતે તેને પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે જેથી વધુ પૂછપરછ અને પુરાવાઓની તપાસ થઈ શકે.આ દરમિયાન ટ્વિશાના પરિવાર દ્વારા દહેજ ઉત્પીડન, માનસિક ત્રાસ, શંકાસ્પદ મૃત્યુના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.પરિવાર સતત CBI તપાસની માંગ કરી રહ્યો હતો અને કેસને લઈને દેશભરમાં ભારે ચર્ચા થઈ હતી.

સુપ્રીમ કોર્ટની નજર હેઠળ તપાસ
ટ્વિશા શર્મા કેસ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. કેસમાં ઉભા થયેલા પ્રશ્નો, વિરોધાભાસી દાવાઓ અને જાહેર દબાણને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરે પણ તપાસની દેખરેખ રાખવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ સહિત અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. હાલ સમગ્ર દેશની નજર આ કેસ પર ટકેલી છે. 12 મેની રાત્રે ખરેખર શું બન્યું હતું, ટ્વિશાના મોત પાછળનું સાચું કારણ શું છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થશે તે હવે તપાસ એજન્સીઓના અંતિમ અહેવાલ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

Most Popular

To Top