ગત સવા વર્ષના કાર્યકાળમાં એક કરતાં વધુ કિસ્સાઓમાં આપણે ટ્રમ્પને તેમના અસલ સ્વરૂપમાં જોયા છે. ટ્રમ્પ ધાકધમકીની રાજનીતિમાં માને છે અને અલ્ટીમેટમ ઉચ્ચારે છે. તેમના આ વર્તન અને તેમાંથી ઊભાં થતાં નાનાં-મોટાં વૈશ્વિક વાવાઝોડાં આપણે જોયાં છે. આમાંનો એક કિસ્સો ઈરાન સાથે જોડાયેલો છે. ઈરાન ઉપર હુમલો કર્યો તે પહેલાં ટ્રમ્પે મધ્યરાત્રે વેનેઝુએલા પર લશ્કરી કાર્યવાહી કરીને ત્યાંના પ્રમુખને પકડી લઈ અમેરિકાની કેદમાં રાખ્યા હતા. વેનેઝુએલામાં સત્તાપલટો થયો અને અમેરિકાને અનુકૂળ હોય તેવી સરકાર આવી. આનાથી મદોન્મત્ત બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને કચડી નાખવા માટે અધીરા બન્યા. તેમની ગણતરી મુજબ ઈરાનને તહસનહસ કરી પોતાનું શરણું સ્વીકારવા મજબૂર કરવા માટે ત્રણ દિવસથી વધુ સમય જરૂરી નહોતો.
ટ્રમ્પે ઇઝરાયેલ સાથે મળીને ઈરાન ઉપર પૂરા જોશથી આક્રમણ કર્યું. બહાનું એ હતું કે ઈરાન અણુશસ્ત્રો વિકસાવવા જઈ રહ્યું છે અને અમેરિકાને તે મંજૂર નહોતું, પણ ટ્રમ્પની બધી ગણતરીઓ ઊંધી પડી. ઈરાને પોતાની સાચી તાકાત દેખાડી અને ત્યાર પછી જે વાસ્તવિકતા બહાર આવી તે ટ્રમ્પ માટે ભારે આઘાતજનક હતી. હકીકત તો એ પુરવાર કરી રહી હતી કે, ત્રણ દિવસમાં તો શું, ત્રણ વર્ષે પણ ઈરાનને નમાવવા માટે ઇઝરાયેલ અને અમેરિકા બંનેનું સંયુક્ત જોર ઓછું પડે. એટલું જ નહીં, અમેરિકા તેમજ ઇઝરાયેલની સંયુક્ત તાકાત સામે ઈરાને મસ્કત, શારજાહ, યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને બહેરીન જેવા દેશોમાં અમેરિકાએ ઊભાં કરેલાં મજબૂત લશ્કરી થાણાંનો ખુરદો બોલાવી દીધો.
વળતા પ્રહાર તરીકે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું, જેમાંથી જગતની પાંચમા ભાગની ઊર્જા (ઓઇલ અને નેચરલ ગેસ) પસાર થાય છે. આ નાકાબંધી કરીને ઈરાને પોતે વિશ્વમાં કેવી ઊર્જા કટોકટી સર્જી શકે છે, તેનો મજબૂત અણસાર આપ્યો. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી, દેશનો ગેસ અને ખનિજ તેલનો પુરવઠો લગભગ અડધોઅડધ ખાડીના દેશોમાંથી આવે છે. તે બંધ થતાં ભારતમાં અભૂતપૂર્વ ઊર્જા કટોકટી સર્જાઈ, જેના પરિણામે છેવટે ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પડ્યા અને રાંધણ ગેસની તંગીને કારણે અનેક રેસ્ટોરન્ટ્સને પોતાનાં રસોડાં બંધ રાખવાની નોબત આવી. મસ્કત ભારતને મોટા પાયે યુરિયા ખાતર પણ સપ્લાય કરે છે. ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધને પરિણામે ચાલુ વર્ષે ભારતને ૭૦થી ૮૦ લાખ ટન યુરિયાની અછત ઊભી થઈ.
આમ, એક બાજુ કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને આ પરિસ્થિતિમાં હજુ પણ અમેરિકા ઈરાન સામે કોઈ નિર્ણાયક તબક્કાનું યુદ્ધ જીતે તેવી શક્યતાઓ જરાય દેખાતી નથી. ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધ છેડીને બરાબરના ફસાયા છે. આ પરિસ્થિતિમાં અનેક પ્રશ્નોથી ઘેરાયેલા ટ્રમ્પ ભલે મેદાન છોડીને ભાગી ન ગયા હોય પણ ખાસા નબળા પડ્યા છે. આ વાતનો અણસાર તેમની ચીનની બે દિવસની મુલાકાત દરમિયાન આવી ગયો, જ્યાં ચીનના પ્રમુખ જિનપિંગ સામે તેમના ડેલિગેશને સાવ નબળો દેખાવ કર્યો અને બોઇંગ વિમાનોની ખરીદી સિવાય બાકીનું ઝાઝું કંઈ નીપજ્યું નહીં. અત્યાર સુધી જિનપિંગને ગાળો ભાંડનાર ટ્રમ્પે પહેલી વાર ચીનથી પરત આવતાં, અલાસ્કા બેઝ તરફ જઈ રહેલા પોતાના વિમાનમાં પત્રકારો સામે જિનપિંગના બે મોઢે વખાણ કર્યા, તેના પરથી આ નબળાઈ સ્પષ્ટ દેખાય છે.
આની સામે જિનપિંગે તેમને મોઢામોઢ પરખાવી દીધું કે, અમારી સાથે લડીને તમે કશું પામવાના નથી. તાઇવાન મુદ્દે અમારું વલણ અફર છે. વળી, હોર્મુઝ સ્ટ્રેટ ઉપરની નાકાબંધી ઈરાન ઉઠાવી લે તે મુદ્દે પણ જિનપિંગે હા કે ના એમ કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. ટૂંકમાં, ડોનાલ્ડ ટ્રમ્પની ચીનની આ મુલાકાત કદાચ અત્યાર સુધીના અમેરિકાના પ્રમુખોએ લીધેલી ચીનની મુલાકાતોના સંદર્ભમાં સાવ ફિક્કી અને બિનઅસરકારક રહી હતી એમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.