Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા 300થી વધુ બાળકો માટે સમર કેમ્પ યોજાયો હતો

બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આયોજિત સમર કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવાનો રહ્યો હતો.

આ શુભ આયોજનમાં 326થી વધુ બાળકોએ લાભ લીધો હતો. કેમ્પના મુખ્ય લક્ષ્યોમાં રમત દ્વારા મેડિટેશન શીખવવું, વેલ્યુ ગેમ્સથી મૂલ્યોની સમજ આપવી, પરફોર્મન્સ દ્વારા બાળકોનું ટેલેન્ટ નિખારવું તેમજ દિનચર્યામાં સ્વાસ્થ્યવર્ધક જીવન પદ્ધતિ અને સારા વર્તનની આદતો વિકસાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેવાકેન્દ્ર સંચાલિકા બીકે ડૉ. અરુણાદીદીએ બાળકોનું સ્વાગત કરીને રાજયોગની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એકાગ્રતા દ્વારા આંતરિક પ્રતિભા અને રમતની કુશળતા વધે છે. આ ઉપરાંત વિવિધ નિષ્ણાતોએ ડાન્સ, આર્ટ, જાદુના પ્રયોગો, ક્રાફ્ટ, માર્શલ આર્ટ, યોગા, બ્રેઇન એક્સરસાઇઝ તેમજ ભોજન અને પાણી ચાર્જ કરવાની રીત અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરરોજ સેશન પૂર્ણ થયા બાદ બાળકોને હેલ્ધી નાસ્તો પણ આપવામાં આવતો હતો.
વિવિધ પ્રવૃત્તિઓથી ભરપૂર “લકી સ્ટાર્સ સમર કેમ્પ” બાળકોમાં સકારાત્મકતાનું બીજારોપણ કરવાના ઉદ્દેશ્ય સાથે સફળ રહ્યો હતો. કેમ્પના ભાગરૂપે બાળકોને સયાજી બાગની ટ્રિપ પર પણ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રકૃતિપ્રેમ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીના માધ્યમથી બાળકોને પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ક્લીન ઈન્ડિયા, ક્લીન સિટી અભિયાન અંગે સમજ આપવામાં આવી હતી અને બાળકોએ બગીચાની સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
બાળકોને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ કરાવવામાં આવી હતી, જ્યાં વિવિધ વન્ય પક્ષીઓ અને પ્રાણીઓનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. તેમને સમજાવવામાં આવ્યું હતું કે વન્યજીવો કુદરતી સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ત્યારબાદ બાળકોને ઐતિહાસિક મ્યુઝિયમ અને મીની ટ્રેનમાં બેસાડીને સમગ્ર ગાર્ડનની સહેલ કરાવવામાં આવી હતી, જેને લઈને બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સમર કેમ્પના ભવ્ય સમાપન સમારોહ સાથે માતૃશક્તિ વંદનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિયમિત વિદ્યાર્થીઓએ માતાઓને તિલક અને ખેસ પહેરાવી સન્માનિત કરી માતૃશક્તિ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. સાંજે આધ્યાત્મિક ગીત ગાયિકા, લેખિકા, મોટિવેશનલ સ્પીકર અને ફિઝિયોથેરાપિસ્ટ બીકે ડૉ. દામિની બહેન કલોલથી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બહેનો અને માતૃશક્તિઓએ નૃત્ય અને ગીતોની રજૂઆત કરી હતી. સમર કેમ્પના બાળકોએ માતા-પિતાનો આભાર વ્યક્ત કરીને મંચ પર માતાને પગે લાગી આરતી, મંત્ર પૂજન અને માતૃવંદના કરી હતી. આ સમારોહમાં અંદાજે 500 માતા-પિતા અને 300 બાળકોએ ભાગ લીધો હતો. અંતમાં બ્રહ્મા ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સેવાકેન્દ્રની સહ સંચાલિકા બીકે પૂનમ બહેને મંચ સંચાલન કર્યું હતું જ્યારે કુમારી બીકે હેતલ બહેને સાત દિવસીય સમર કેમ્પનું સુંદર આયોજન સંભાળ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ માતૃશક્તિના સન્માન સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનો સુંદર સમન્વય બની રહ્યો હતો.

Most Popular

To Top