Vadodara

તાંત્રિક વિધિથી લગ્ન કરાવ્યાના આક્ષેપ સાથે યુવતીએ જાહેરમાં થપ્પડ મારતા મામલો વધુ ગરમાયો

ગોરવા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકોના સામસામે આક્ષેપો

યુવકે તાંત્રિક વિધિ કરીને લગ્ન કરવા મજબૂર કરી હોવાનુ યુવતીએ કહ્યુ

વડોદરા તા.24
વડોદરાના ગોરવા વિસ્તારમાં યુવકને યુવતીએ જાહેરમાં થપ્પડ માર્યા બાદ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે. એક તરફ યુવક દ્વારા યુવતી અને તેના સાગરિતો સામે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે બીજી તરફ યુવતીએ યુવક સામે તાંત્રિક વિધિ કરીને લગ્ન કરવા મજબૂર કર્યાના તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીએ ગોરવા પોલીસ પર પણ પોતાની ફરિયાદ ન લેવાના આક્ષેપ લગાવ્યા છે.
કરોડિયા રોડ સ્થિત ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા પાર્થ અશોકભાઈ રોહિતે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અરજદાર ઉર્વશી નાઈ દ્વારા અગાઉ કરાયેલી અરજી સંદર્ભે તેમને ઇલોરાપાર્ક પોલીસ ચોકી ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. તે સમયે ઉર્વશીએ ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં પોતાના ઓળખીતાઓ મનીષ રાઠોડ, આશીફ ઉર્ફે મુચ્છડ અને સબોને બોલાવ્યા હતા. ઉર્વશીએ જાહેરમાં પાર્થને થપ્પડ મારી હતી, જ્યારે અન્ય શખ્સોએ રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટાફ અને પાર્થના મિત્રો વચ્ચે પડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ યુવતી ઉર્વશી નાઈએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, એક્સિસ બેંકમાં નોકરી દરમિયાન તેની પાર્થ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ પાર્થે મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી તેની પાસેથી મોટી રકમ લીધી હતી અને પ્રેમ સંબંધ માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીના જણાવ્યા અનુસાર, પાર્થે નડિયાદના એક તાંત્રિક મારફતે વિધિઓ કરાવી તેને લગ્ન માટે મજબૂર કરી હતી. લગ્ન બાદ સાડા ત્રણ મહિના સુધી ઘરમાં બંધક બનાવી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું યુવતીએ જણાવ્યું છે.
યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દોઢ વર્ષથી ન્યાય માટે અનેક અરજીઓ કરવા છતાં ગોરવા પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ ગોરવા પોલીસે યુવતી સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top